Mon Sep 14 2026

Logo

ભુજમાં ચૂંટણી પ્રચાર મુદ્દે યુવકને ધમકાવી ખંડણી માંગતા ચકચાર

2026-04-22 10:32:00
Author: Mumbai Samachar Team
ભુજમાં ચૂંટણી પ્રચાર મુદ્દે યુવકને ધમકાવી ખંડણી માંગતા ચકચાર

ભુજઃ આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના ગરમાયેલા માહોલ વચ્ચે ભુજના ભારતનગર વિસ્તારમાં નાસ્તાની લારી ધરાવતા યુવકને તેના ભાઈ દ્વારા અન્ય પક્ષનો પ્રચાર કરવા મુદ્દે ધમકાવી, કોંગ્રેસના કાર્યકરે નાણાં પડાવ્યા હોવાની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે.

ફરિયાદી ઝુબેર ઈકબાલ મણિયાર ભારતનગર પાસે નાસ્તાની લારી ચલાવી ગુજરાન ચલાવે છે. ફરિયાદ મુજબ, ગઈકાલે સાંજે ચાંદચોક વિસ્તારનો રહેવાસી અલ્તાફ અબ્દુલ મોખા ત્યાં આવ્યો હતો અને ઝુબેર સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. આરોપીએ આક્ષેપ કર્યો હતો કે, ઝુબેરનો ભાઈ સાજીદ વોર્ડ નંબર ૧ માં AIMIM પક્ષના ઉમેદવારોનો પ્રચાર કરી રહ્યો છે, જે કોંગ્રેસ પક્ષની વિરુદ્ધમાં છે. આરોપી અલ્તાફે ઝુબેરને ધમકી આપી હતી કે જો તેનો ભાઈ પ્રચાર કરવાનું બંધ નહીં કરે તો તેના પરિવારને ગંભીર પરિણામો ભોગવવા પડશે. 

વધુમાં, આરોપીએ આ વિસ્તારમાં ધંધો કરવા બદલ 'હપ્તા'ની માંગણી કરી હતી. તેણે ઝુબેર પાસે રહેલા ધંધાના રોકડ નાણાં બળજબરીથી કઢાવી લીધા હતા અને બાકીના રૂ.૧,૧૦૦ બે દિવસમાં પહોંચાડી દેવા તાકીદ કરી હતી. જો નાણાં નહીં મળે તો લારી ઊંધી કરી નાખવાની અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ બનાવ અંગે ઝુબેર મણિયારે ભુજ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અલ્તાફ અબ્દુલ મોખા વિરુદ્ધ ખંડણી અને જાનથી મારવાની ધમકી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.

(ઉત્સવ વૈદ્ય)