નવી દિલ્હીઃ પરમાર્થ નિકેતનના અધ્યક્ષ સ્વામી ચિદાનંદ સરસ્વતીએ છેલ્લા એક દાયકામાં કુંભના સતત બદલી રહેલા સ્વરૂપ અને યુવાનોમાં એના પ્રત્યે વધી રહેલી આધ્યાત્મિકતા અંગે વાત કરી છે. આ વિષય પર વાત કરતા તેમણે યુવાનોની પ્રશંસા પણ કરી હતી. સ્વામીએ કહ્યું કે, આજની પેઢી ક્લબ અને પાર્ટીના ગ્લેમરને છોડીને ગંગા આરતી અને આધ્યાત્મ તરફ વળી રહી છે.
આસ્થાને સાચી દિશા મળી
આજના યુવામાં ધર્મ અને આધ્યાત્મ પ્રત્યે જે લગાવ વધી રહ્યો છે, એ ખરેખર આનંદની વાત છે. આ યુવાનો પોતાની સંસ્કૃતિને અપનાવી રહ્યા છે. પોતાના મૂળ તરફ વળી રહ્યા છે. આ સમાજના ભવિષ્ય માટેનો શુભ અને સારો સંકેત છે.
સમયની સાથે મહાકુંભનું સ્વરૂપ પણ બદલી રહ્યું છે. વર્ષ 1971થી હું અર્ધકુંભમાં ભાગ લઈ રહ્યો છું. સમયની સાથે આ આસ્થાના રૂપનો વિસ્તાર થતો મેં જોયો છે. આ વર્ષે પ્રયાગરાજમાં મૌની અમાસના દિવસે જે ભાવિકોની જનમેદની ઉમટી હતી, જે એ વાતનો સંકેત છે કે, જનમાનસની આસ્થાને હવે યોગ્ય દિશા મળી રહી છે.
નવા વર્ષની ઉજવણી બદલી રહી છે
છેલ્લા 12થી 13 વર્ષથી લોકોની આસ્થામાં એક અસાધારણ વૃદ્ધિ થઈ છે.વર્તમાન સમયે એક સંસ્કારી સરકાર હોવાના કારણે ધાર્મિક સંસ્થાઓને સરકારી સંરક્ષણ અને પ્રોત્સાહન મળ્યું છે. હવે પ્રજાનો ઉત્સાહ વધી ગયો છે. સૌથી સુખદ અનુભવ એ રહ્યો કે, આ વખતે સ્નાન માટે આવતા લોકોમાં 80 ટકા યુવાનો હતા.
નવી પેઢી આધ્યાત્મિક ધારા સાથે જોડાઈ રહી છે આ એક શુભ સંકેત છે. યુવાનોને પોતાની સંસ્કૃતિ પ્રત્યે એક શરમ અને ખચકાટ હતો એ સમય હવે પૂરો થઈ ગયો છે. આ વર્ષે ગંગા આરતી કરવા માટે લાખોની સંખ્યામાં યુવાનો ઉમટ્યા હતા.હવે નવા વર્ષની શરૂઆત લીકરથી થતી નથી પણ કોઈ આધ્યાત્મિક અનુભૂતિ કરીને યુવાનો કરવા ઈચ્છે છે. કુંભ અને સનાતન ધર્મ પ્રત્યે યુવાનોની શ્રદ્ધા હવે સ્પષ્ટ દેખાઈ રહી છે.
સરકારને કરી અપીલ
આખી રાત મહેનત કરીને, પદયાત્રા કરીને ભાવિકો ગંગાકિનારા સુધી પહોંચ્યા હતા. હું એટલું કહીશ કે, ગંગા નદીની આરતી નહીં કરો તો ચાલશે પણ એને પ્રદૂષિત ન કરશો. ગંગા નદીને પ્રદૂષિત કરવી એ ગ્રીન ક્રાઈમ છે. પાણીનું પ્રદૂષણ એ આજના સમયની સૌથી ગંભીર સમસ્યા પૈકીની એક છે.
કુંભ મેળાના વિશાળ આયોજનથી દુનિયાને કોઈ સંદેશો આપવો હોય તો સરકારે એ નક્કી કરવું જોઈએ કે, ગંગોત્રીથી લઈને હરિદ્વાર સુધી ગંગા નદીમાં એક પણ ડ્રેનેજ લાઈન ન ખૂલે. સિંગલ યુઝ પ્લાસ્ટિકને સંપૂર્ણ રીતે પ્રતિબંધિત કરવું જોઈએ. આપણી સંસ્કૃતિની સાથે નદી અને પ્રકૃતિ સુરક્ષિત રહેવા જોઈએ.