Thu Sep 10 2026

Logo

અમદાવાદના બહેરામપુરામાં ૨૦ વર્ષીય યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા

2026-02-22 09:22:00
Author: Tejas Rajpara
અમદાવાદના બહેરામપુરામાં ૨૦ વર્ષીય યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા

અમદાવાદ: શહેરમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. બહેરામપુરા વિસ્તારમાં શનિવારની રાત્રે એક લોહિયાળ ખેલ ખેલાયો હતો, જેમાં એક નિર્દોષ યુવાનનો જીવ લેવામાં આવ્યો છે. જાહેર રોડ પર બનેલી આ ઘટનાએ સ્થાનીક રહીશોમાં ફફડાટ ફેલાવી દીધો છે અને શહેરની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. માત્ર 20 વર્ષની વયે આશાસ્પદ યુવાનની હત્યા થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

સૂત્રોની જાણકારી પ્રમાણે, શનિવારે રાત્રે આશરે 10 વાગ્યાના અરસામાં બહેરામપુરામાં રહેતા હિમેશ પરમાર નામના 20 વર્ષીય યુવાન પર અજાણ્યા શખ્સો તૂટી પડ્યા હતા. હુમલાખોરોએ કોઈ જૂની અદાવત અથવા તો નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં ઉશ્કેરાઈ જઈને હિમેશ પર તીક્ષ્ણ હથિયાર વડે આડેધડ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલો હિમેશ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર જ ફસડાઈ પડ્યો હતો અને ગણતરીની મિનિટોમાં તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

હત્યાના સમાચાર વાયુવેગે ફેલાતા જ કાગડાપીઠ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળની આસપાસની નાકાબંધી કરી પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક હિમેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો છે. હાલ પોલીસે અજાણ્યા હુમલાખોરો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેમની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવી છે. પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસી રહી છે જેથી આરોપીઓનું પગેરું મેળવી શકાય.

રાત્રિના સમયે સરેઆમ થયેલી આ હત્યા બાદ બહેરામપુરા અને આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે ગુનેગારોને હવે પોલીસનો કોઈ ડર રહ્યો નથી. બીજી તરફ, 20 વર્ષીય પુત્રના અકાળે અવસાનથી પરમાર પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આશાસ્પદ યુવાનના મોતથી પરિવારના સભ્યોના આક્રંદે આસપાસના વાતાવરણને ગમગીન બનાવી દીધું છે. હવે જોવાનું એ રહે છે કે પોલીસ કેટલી ઝડપથી આ નરાધમોને જેલના સળિયા પાછળ ધકેલે છે.