રાજકોટ: ગુજરાતમાં સિંહો જોવા માટે હાલ ગીર નેશનલ પાર્ક અને અમરેલીના આંબરડી સફારી પાર્કમાં જવું પડે છે. જોકે હવે રાજ્યમાં વધુ એક સ્થળ પર સિંહ દર્શન થઈ શકશે. રાજકોટને ટૂંક સમયમાં લાયન સફારી પાર્ક મળી શકે છે. રાજકોટ મહાનગર પાલિકાનો આ પ્રોજેક્ટ 90 ટકા પૂર્ણ થઈ ગયો છે અને ઉનાળાના વેકેશન દરમિયાન પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવી શકે છે. સિંહ દર્શન માટે ગીર, આંબરડી સફરી પાર્ક ધક્કો નહીં ખાવો પડે.

સાસણમાં દર વર્ષે આવે છે 7 લાખથી વધુ પ્રવાસીઓ
હાલમાં સિંહ દર્શન માટે સાસણ ગીર સૌથી લોકપ્રિય સ્થળ છે, જ્યાં દર વર્ષે સાત લાખથી વધુ પ્રવાસીઓ આવે છે. રાજકોટ તેની એર અને રેલ કનેક્ટિવિટીના કારણે ગીર જનારા પ્રવાસીઓ માટે પ્રવેશદ્વાર સમાન છે. જ્યારે ઉનાળા કે દિવાળી જેવા તહેવારોમાં સાસણના પરમિટ મળતા નથી, ત્યારે આ સફારી પાર્ક પ્રવાસીઓ માટે એક ઉત્તમ વિકલ્પ બનશે.
ક્યારે ખુલ્લો મુકવામાં આવશે પ્રોજેક્ટ
સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રોજેક્ટ પૂર્ણતાના આરે છે અને તે મે અથવા જૂન સુધીમાં ખુલ્લો મુકવામાં આવી શકે છે. કમ્પાઉન્ડ વોલ, ફેન્સિંગ, નાઈટ શેલ્ટર, વોચટાવર અને પાણીના પોઈન્ટનું કામ પૂર્ણ થઈ ગયું છે. હાલમાં એન્ટ્રન્સ પ્લાઝા, પાર્કિંગ, ટિકિટ કાઉન્ટર અને ફૂડ કોર્ટ જેવી સુવિધાઓ પર કામ ચાલી રહ્યું છે.
આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું કે, પ્રવાસીઓને ગીરના જંગલ જેવો જ કુદરતી અનુભવ મળે તે રીતે સફારી પાર્કને ડિઝાઈન કરવામાં આવ્યો છે. આ માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને ત્યાં અર્બન ફોરેસ્ટ વિકસાવ્યું છે. અધિકારીઓને આશા છે કે આ નવા પાર્કથી સાસણ ગીર પરનું ભારણ ઘટશે અને પ્રવાસીઓને એક નવું આકર્ષણ મળશે.
બે વર્ષમાં ગીર અભયારણ્યમાં કેટલા પ્રવાસીઓ આવ્યા?
અત્રે ઉલ્લેખની છે કે, તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટીયાએ ગીર અભયારણ્યા ખાતે લીધેલી મુલાકાતનો પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે પૂછ્યું હતું કે 31-12-2025ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ગીર અભયારણ્યની કેટલા મુલાકાતીઓ મુલાકાત લીધી હતી, જ્યારે આ મુલાકાત દરમિયાન પર્યટકો માટે કેટલી પરમિટ ઈસ્યૂ કરવામાં આવી અને કેટલી આવક થઈ?
આ સવાલનો જવાબ આપતાં સરકારે જણાવ્યું હતું કે 31-12-2025ની સ્થિતિએ વર્ષ-2024 દરમિયાન - 8,59,262 તેમ જ વર્ષ-2025 દરમ્યાન 9,28,416 મુલાકાતીઓએ સાસણગીર ખાતે ગીર અભયારણ્યની મુલાકાત લીધી હતી. બે વર્ષમાં કુલ 17,87,687 પ્રવાસીઓએ ગીરની મુલાકાત લીધી હતી.
વર્ષ 2024 દરમિયાન કુલ 1,45,214 મુલાકાતીઓ માટે અને વર્ષ-2025 દરમિયાન 1,54,515 મુલાકાતીઓ માટે પરમીટ ઇસ્યુ કરવામાં આવી હતી. વર્ષ 2024માં કુલ રૂ. 16.66 કરોડ અને વર્ષ-2025માં રૂ. 17.98 કરોડની આવક થઈ હતી.