ગૌરવ મશરૂવાળા
બે માણસો છે. છેલ્લા ત્રણ દિવસથી બન્નેના પેટમાં અન્નનો દાણો સુધ્ધાં ગયો નથી. એક ઉપવાસ કરી રહ્યો છે, જ્યારે બીજો દરિદ્ર ભૂખ્યો છે. તમને શું લાગે છે, આ બેમાંથી કોણ વધારે બેચેન હશે અને કોણ આંતરિક શાંતિનો અનુભવ કરી રહ્યો હશે?
પેટની અવસ્થા મહત્ત્વની નથી, મનની અવસ્થા મહત્ત્વની છે. નિયમિત ઉપવાસ કરતા હોય એવી વ્યક્તિને પૂછી જોજો. ઉપવાસ દરમિયાન તેઓ હંમેશાં વધારે શાતા અને સ્થિરતાનો અનુભવ કરતા હોય છે. એમનો શ્વાસોચ્છ્વાસ ધીમા લયથી ચાલતો હોય છે, ચહેરા પર તેજ હોય છે. આ ઈશ્વર પર શ્રદ્ધા ધરાવનારા લોકો છે. ભગવાન પર તેમને ભરોસો હોય છે કે જે સર્જનહારે જીવન આપ્યું છે એ જીવન ટકાવી રાખવા માટે ખોરાક પણ આપશે જ.
जब दांत न थे तब दूध दिया
अब दांत दिए तो अन्न ना दे?
જેને ત્રણ દિવસથી ખાવાનું મળ્યું નહીં હોય એ માણસ ભોજન માટે આકુળવ્યાકુળ થઈ જશે. ભોજન સામે આવતાં જ તેના પર તૂટી પડશે. એવો અકરાંતિયાની જેમ ખાશે જાણે કાલે દિવસ જ ઊગવાનો ન હોય. એમને ડર હોય છે કે ફરી પાછું લાંબા સમય સુધી ખાવાનું નહીં મળે તો? એવા ફફડાટને કારણે પેટમાં જગ્યા નહીં હોય તોય એ ઠાંસી ઠાંસીને ખાશે. લોકો આવા માણસ તરફ દયાની નજરે જુએ છે.
એ માણસને ત્રણ દિવસથી ખાવાનું શા માટે મળ્યું નથી તેનાં ઘણાં કારણો હોઈ શકે છે. કદાચ એની પાસે ખાવાના પૈસા ન હોય, કદાચ કુદરતી આફતને કારણે કોઈ એવી જગ્યાએ ફસાઈ ગયો હોય જ્યાં ખાવાપીવાનો સામાન જ ઉપલબ્ધ ન હોય, કદાચ એને ભૂખ્યા રહેવાની સજા થઈ હોય. આમાંની કોઈ પણ શક્યતા સાચી હોઈ શકે છે.
જે લોકો પાસે ધરાર ઉપવાસ કરાવવામાં આવે છે તેઓ પણ ખોરાક માટે વ્યાકુળ બની જતા હોય છે. કોઈ તહેવાર, ધાર્મિક રીતિરિવાજ કે નાદુરસ્ત તબિયતને લીધે એમને એક અઠવાડિયાથી બહારનું ખાવાનું કે જન્ક ફૂડ ન મળ્યું હોય તો તેઓ પણ ભિખારી જેવું વર્તન કરવા લાગશે. જે વસ્તુ ખાવા મળી નથી તે આરોગવા માટે એ ઘાંઘા થઈ જશે. આપણે આવા કેટલાય કિસ્સા જોતાં હોઈએ છીએ. બૂફે ભોજન દરમિયાન કતાર તોડીને કાઉન્ટર તરફ ધસી જતા લોકોને આપણે જોયા છે. વીકએન્ડ દરમિયાન ભરચક રેસ્ટોરાંમાં ટેબલ મેળવવા માટે બહાર ઊભેલા માણસને વિનવણી કરતા લોકોનું વર્તન જોજો.
આની સામે કોઈ આશ્રમમાં ભોજન માટેકતારમાં ઊભેલા ભાવિકો અથવા ગુરુદ્વારાની બહાર લંગર માટે બેઠેલા શ્રદ્ધાળુઓ કે પછી અન્ય કોઈ ધાર્મિક જગ્યાએ સામૂહિક ભોજન લઈ રહેલા લોકોની વર્તણૂકનું નિરીક્ષણ કરજો.
અન્ન પ્રત્યેનો આપણો વર્તાવ આદરભર્યો પણ હોઈ શકે અને વ્યાકુળતાભર્યો પણ હોઈ શકે. તેનો આધાર આપણી માનસિક અવસ્થા, સંસ્કાર અને ઉછેર પર રહેલો છે. અન્નની જેમ સંપત્તિનો પણ આદર કરો, એની કદર કરો, ભગવાન પર ભરોસો રાખો. ભગવાનને યોગ્ય લાગશે ત્યારે આપણી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આપણને સંપત્તિવાન બનાવવાની કૃપા જરૂર કરશે. ભીતર દૃષ્ટિ કરો. સંપત્તિની કામના કરતી વખતે આપણે બેચેન, લાલચુ અને આકુળવ્યાકુળ બની જઈએ છીએ કે પછી શાંતિ અને સ્થિરતા ધારણ કરી રાખીએ છીએ? સંપત્તિનું સન્માન કરીશું તો આપણે ઉપાસક કહેવાઈશું. સંપત્તિ માટે ભૂખ્યા થઈશું તો ભિખારી ગણાઈશું.
યોગિક વેલ્થ:
શારીરિક સંપત્તિ (એટલે કે તંદુરસ્તી) અને આર્થિક સંપત્તિ - આ બેમાંથી તમને જીવનમાં વધારે આગળ લઈ જવામાં મદદ તો શારીરિક સંપત્તિ જ કરશે.