Sat Apr 18 2026

Logo

મથુરામાં ભવ્ય કૃષ્ણ મંદિર બનશે? યોગી આદિત્યનાથનો મોટો ઈશારો

2026-03-07 21:24:56
Author: Mumbai Samachar Team
Article Image

મથુરાઃ રામ જન્મભૂમિ અયોધ્યામાં ભવ્ય મંદિર બન્યા બાદ હવે કૃષ્ણતીર્થ ગણાતા મથુરામાં મંદિર બને એ ચર્ચા થઈ રહી છે. મથુરામાં ભવ્ય મંદિરની વાતને સમર્થન આપતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક મહત્ત્વનો ઈશારો કર્યો હતો. જ્યારથી અયોધ્યામાં ભવ્ય મંદિર તૈયાર થયું એ સમયથી કૃષ્ણતીર્થ ગણાતા મથુરામાં પણ દિવ્ય મંદિર તૈયાર કરવાની ચર્ચા જોરશોરથી શરૂ થઈ હતી. બ્રજ તીર્થ વિકાસ પરિષદની બેઠકમાં ભાગ લેવા માટે આવેલા યોગી આદિત્યનાથે મથુરાના કૃષ્ણ મંદિરમાં શીશ નમાવીને દર્શન કર્યા. 

વિવાદ વચ્ચે મહત્ત્વનો ઈશારો

યોગી આદિત્યનાથે મથુરામાં આવીને મંદિરે દર્શન કર્યા અને કહ્યું કે, કૃષ્ણકૃપાથી અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ પર મંદિર બન્યું એ રીતે આગળના સમયમાં પણ કાર્યક્રમો થતા રહેશે. એમનો ઈશારો શ્રીકૃષ્ણ જન્મસ્થાન અને શાહી મસ્જીદ વચ્ચે ચાલી રહેલા વિવાદ તરફ હતો. ખાસ તો કોઈ ચોખવટ ન કરી પણ કહ્યું અવશ્ય કહ્યું કે,  આવનારા સમયમાં ભાવિકોનો જયનાદ અહીં ગુંજી ઊઠશે. વૃંદાવનની ગીતા શોધ સંસ્થાના કાર્યક્રમમાં યોગીએ મહત્ત્વની બેઠકમાં ભાગ લીધો હતો. પરિવહનને સુધારવા, ક્નેક્ટિવિટી વધારવા, શ્રદ્ધાળુઓને લગતા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી હતી. 

એક કલાક સુધી ચાલી બેઠક

યોગી એ એક કલાક સુધી આ બેઠકમાં ભાગ લીધો હતો. આ પછી તેઓ મંદિરમાં દર્શન માટે પહોંચ્યા હતા. મંદિર પરિસરની પણ મુલાકાત લીધી હતી. ભાવિકોને સંબોધન કરતા તેમણે ઉમેર્યું હતું કે, મથુરાના કણ-કણમાં કૃષ્ણ છે. કૃષ્ણની અનેક યાદ અહીં વસી છે. રાધારાણીની ઘણી સ્મૃતિઓ અહીં આજે પણ છે. આ પ્રસંગે તેમણે હોળી ઉત્સવનો પણ ઉલ્લેખ કર્યો હતો. જીવનમાં ઉત્સાહ અને ઉમંગ જરૂરી છે. તહેવાર અને પર્વના રંગો આપણને એ શીખવે છે. તેમણે એ વાત પણ સ્પષ્ટ કહી કે, કૃષ્ણકૃપા રહી તો અયોધ્યાની જેમ મથુરામાં પણ આગળનું કામ થશે.