Fri May 01 2026

Logo

કચ્છમાં થશે 'ઊન ક્રાંતિ': માનકૂવામાં ₹૪ કરોડના ખર્ચે બનશે હાઈટેક પ્રોસેસિંગ સેન્ટર

2026-03-05 11:37:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ ગુજરાત શીપ એન્ડ વુલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા ભુજ તાલુકાના માનકૂવા ગામ ખાતે ૧૦ એકર જમીનમાં ‘ઊન કોમન ફેસિલિટી સેન્ટર’ સ્થાપવાની મંજૂરી મળી ગઈ છે. અંદાજે રૂ.૪ કરોડના મશીનરી ખર્ચ અને રૂ ૧.૪૪ કરોડના અન્ય ખર્ચ સાથે તૈયાર થનારું આ સેન્ટર કચ્છના પશુપાલકોની આર્થિક સ્થિતિ બદલવામાં પાયારૂપ સાબિત થશે. 

રાજસ્થાન પરની નિર્ભરતાનો આવશે અંત

અત્યાર સુધી ગુજરાતમાં ઊનનું સારા પ્રમાણમાં ઉત્પાદન થતું હોવા છતાં પ્રોસેસિંગ સુવિધાના અભાવે પશુપાલકોએ કાચા ઊન માટે રાજસ્થાનના વેપારીઓ પર નિર્ભર રહેવું પડતું હતું. પરિવહન ખર્ચ અને વચેટિયાઓના કારણે પશુપાલકોને પૂરતું વળતર મળતું નહોતું, જે હવે સ્થાનિક સ્તરે જ પ્રોસેસિંગ થવાથી બંધ થશે.

આ અંગે સહજીવન સંસ્થાના કવિતાબેન મહેતાએ જણાવ્યું હતું કે, આ સેન્ટર દ્વારા ઉદ્યોગોને પોતાની જરૂરિયાત મુજબનું ઊન મળશે અને પશુપાલકોએ હવે ઊન વેચવા રાજસ્થાનના વેપારીઓ પર નિર્ભર રહેવું નહીં પડે. આધુનિક મશીનરી દ્વારા ઊનનું ગ્રેડિંગ, ક્લીનિંગ અને મૂલ્યવર્ધન કરવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કે ડસ્ટિંગ, વર્ગીકરણ, એન્ટિમોથ ટ્રીટમેન્ટ અને બેલિંગની સુવિધા ઉભી કરાશે. બીજા તબક્કે ઉત્પાદન વિકાસ અને માર્કેટ રિસર્ચ પર ધ્યાન અપાશે. રાજ્ય સરકારની પ્રાથમિક મંજૂરી બાદ હવે મશીનરી અને માનવબળ માટેનો પ્રસ્તાવ કેન્દ્રના 'સેન્ટ્રલ વુલ ડેવલપમેન્ટ બોર્ડ' પાસે મોકલાયો છે, જેનો આખરી ઠરાવ એપ્રિલ સુધીમાં થવાની શક્યતા હોવાનું કવિતા મહેતાએ ઉમેર્યું હતું.

પશુપાલકોને સારા ભાવ મળશે

વળતર ન મળવાને કારણે કચ્છમાં પ્રખ્યાત પાટણવાડી અને મારવાડી જાતિના ઘેટાંની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો હતો. ઘણીવાર પશુપાલકોએ ઊન ફેંકી દેવાની નોબત પણ આવતી હતી. આ પ્રકલ્પથી પશુપાલકોને સારા ભાવ મળશે, પરિણામે આ વિશિષ્ટ જાતિના ઘેટાંના ઉછેરમાં ફરી તેજી આવશે તેમ ઊન વિકાસ નિગમના ડો. યોગરાજ સોલંકીએ જણાવ્યું હતું.


(ઉત્સવ વૈદ્ય)