Thu May 07 2026

Logo

કેરી ખાવાની આ રીત તમને હોસ્પિટલ પહોંચાડી શકે છે! ભૂલ કરતાં પહેલાં સો વાર વિચારજો, પછી કહેતાં નહીં કે...

2026-05-07 14:09:00
Author: Darshana Visaria
Article Image

ઉનાળાની ઋતુ એટલે ફળોના રાજા ગણાતી 'કેરી'ની મજા માણવાનો સમય. આ સમયે કેરી ખાતા પહેલાં ઘરમાં મમ્મી કે દાદી-નાની આ કેરીને પાણીમાં પલાળી રાખતા હતા. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણા વડીલો કેરી ખાતા પહેલા તેને કલાકો સુધી પાણીમાં કેમ પલાળી રાખતા હતા? આ માત્ર એક જૂની પરંપરા નથી, પણ તેની પાછળ ગહન વિજ્ઞાન અને આયુર્વેદિક રહસ્યો છુપાયેલા છે. આજે આપણે આ સ્ટોરીમાં આ વિશે વિગતે વાત કરીશું. 

કેરી ખાતા પહેલાં પાણીમાં પલાળી રાખવા પાછળ વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે. આ સાથે જ આ રીતે પાણીમાં પલાળી રાખેલી કેરી ખાવાથી આરોગ્યને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. ચાલો જાણીએ આખરે કેમ મમ્મી, દાદી અને નાની કેરી કે કેરીનો રસ આપણા થાળીમાં પહોંચે એ પહેલાં તેને પાણીમાં કલાકો સુધી પલાળી રાખતા હતા... 

ફાઈટિક એસિડમાંથી મુક્તિ
કેરીમાં કુદરતી રીતે ફાઈટિક એસિડ નામનું પોષક વિરોધી તત્વ હોય છે. આ એસિડ શરીરમાં આયર્ન, ઝિંક અને કેલ્શિયમ જેવા મિનરલ્સના શોષણમાં અવરોધ પેદા કરે છે. જ્યારે આપણે કેરીને થોડીવાર પાણીમાં પલાળીએ છીએ, ત્યારે આ વધારાનું ફાઈટિક એસિડ દૂર કરવામાં મદદ મળે છે, જેથી શરીરને કેરીના પોષક તત્વો પૂરેપૂરા મળે છે.

ગરમ તાસીર અને 'થર્મોજેનિક' પ્રક્રિયા
આયુર્વેદમાં આપવામાં આવેલી માહિતી અનુસાર કેરીની તાસીર ગરમ છે અને તેને ખાવાથી શરીરમાં ગરમી એટલે કે પિત્ત પ્રકૃત્તિ વધે છે, જેને કારણે અનેક લોકોને પિમ્પલ્સ, ખીલ કે એસિડિટીની સમસ્યા સતાવી શકે છે. પાણીમાં પલાળવાથી કેરીના થર્મોજેનિક ગુણધર્મ ઓછા થાય છે. આ પ્રક્રિયાથી કેરીની કુદરતી ગરમી ઘટે છે અને તે શરીરને ઠંડક આપે છે.

હાનિકારક પેસ્ટિસાઈડ્સ અને કેમિકલ્સની સફાઈ
આજકાલ કેરીને પકવવા માટે અને જીવાતથી બચાવવા માટે અનેક પ્રકારના પેસ્ટિસાઈડ્સ અને કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. માત્ર નળ નીચે ધોવાથી આ કેમિકલ્સ છાલમાંથી દૂર થતા નથી. ૩૦ મિનિટ પલાળવાથી કેમિકલ્સના અવશેષો અને ગંદકી સંપૂર્ણપણે સાફ થઈ જાય છે, જે કેન્સર અને શ્વસન સંબંધી ગંભીર બીમારીઓથી બચાવે છે.

લાળથી થતી બળતરા અટકાવે છે
તમે ધ્યાનથી જોયું હશે તો કેરીના ડીંટિયાની આસપાસમાં એક ચીપચીપી લાળ હોય છે. જો આ લાળ સાફ ન થાય અને ગળામાં જાય તો તે ગળામાં ખંજવાળ, સોજો કે હોઠ પર બળતરા પેદા કરી શકે છે. પલાળવાથી આ રાળ ઓગળી જાય છે અને કેરી ખાવા માટે એકદમ સુરક્ષિત બની જાય છે.

પાચનશક્તિમાં સુધારો
ઘણા લોકોને કેરી ખાધા પછી પેટ ભારે લાગવું કે ગેસ થવાની ફરિયાદ રહે છે. પલાળેલી કેરી ખાવાથી તે પચવામાં હળવી બને છે. તે કબજિયાત અટકાવે છે અને પાચનતંત્રને શાંત રાખે છે.

કેરી પલાળવાની સાચી રીત
કેરી પલાળીને ખાવાના ફાયદાઓ વિશે વાત કરી લીધા બાદ હવે આગળ વધીએ અને વાત કરીએ કે આખરે કેરીને કેટલો સમય માટે પલાળી રાખવી જોઈએ. કેરીને ઓછામાં ઓછી 20થી 30 મિનિટ સુધી પલાળવી જોઈએ. જો તમારી પાસે સમય હોય, તો એકથી બે કલાક પલાળવી વધુ ઉત્તમ છે.

કેરીને કઈ રીતે પલાળવી જોઈએ એ વિશે વાત કરીએ તો એક મોટા વાસણમાં ઠંડુ અથવા રૂમ ટેમ્પરેચર વાળું પાણી લો. બધી કેરી તેમાં ડૂબી જાય તે રીતે રાખો. પલાળ્યા પછી કેરીને બહાર કાઢીને કોરા કપડાથી લૂછીને પછી જ તેનો રસ કે ચીરીઓ કરીને કે તેનો રસ બનાવીને ખાવો જોઈએ. 

અત્રે ઉલ્લેખનીય છે કે આજકાલની ભાગદોડભરી લાઈફમાં આપણે અનેક વખત કેરીને પલાળ્યા વિના જ સીધી ફ્રીજમાંથી કાઢીને કેરી ખાઈ લઈએ છીએ, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. તેથી, સ્વાદની સાથે સ્વાસ્થ્ય જાળવવા માટે આ પદ્ધતિ ચોક્કસ અપનાવો.

વધુ જુઓ...