ભારતીય સંસ્કૃતિ અને ભારતીયો માટે સોનું-ચાંદી એ માત્ર એક બેસ્ટ ઈન્વેસ્ટમેન્ટ પ્લાન નથી, પરંતુ આ બંને ધાતુઓ સમૃદ્ધિનું પ્રતિક પણ છે. લગ્નસરા હોય કે કોઈ વાર-તહેવાર, આપણે ઝવેરીની દુકાને જઈને દાગીના ખરીદીએ છીએ. પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે સોના અને ચાંદીના માપદંડ અલગ-અલગ કેમ હોય છે? સોનાની શુદ્ધતા કેમ 'કેરેટ' અને તેને 'તોલા'માં જ્યારે ચાંદીને હંમેશા કિલોમાં માપવામાં આવે છે. આવી સ્થિતિમાં તમને ક્યારેય સવાલ થયો છે ખરો કે આખરે આવું કેમ? નહીં? ચાલો આજે તમને આ વિશે જણાવીએ...
સોનાની શુદ્ધતાનું પ્રમાણ છે કેરેટ...
સોનાની શુદ્ધતા માપવા માટે 'કેરેટ' શબ્દનો ઉપયોગ થાય છે અને વાત કરીએ સૌથી શુદ્ધ સોનાની તો 24 કેરેટનું સોનું સૌથી વધુ સોનુ માનવામાં આવે છે. 24 કેરેટ સિવાય સોનું 22 કેરેટ અને 18 કેરેટ પણ હોય છે.
વાત કરીએ 24 કેરેટ ગોલ્ડની તો આ સૌથી શુદ્ધ સોનું છે. આ સોનામાં 99.9 ટકા સોનું હોય છે અને તે ખૂબ જ નરમ હોય છે. આટલા શુદ્ધ સોનામાંથી જ્વેલરી બનાવવાનું મુશ્કેલ છે એટલે આ સોનામાંથી સિક્કા કે લગડી (Bars) બનાવવામાં આવે છે. આ સોનાનું સૌથી શુદ્ધ સ્વરૂપ ગણાય છે.
24 કેરેટ બાદ આવે છે ૨૨ કેરેટ ગોલ્ડ. 22 કેરેટ ગોલ્ડ જ્વેલરી બનાવવા માટે એકદમ પરફેક્ટ ચોઈસ છે. આ સોનામાં 22 ભાગ સોનું, 2 ભાગ તાંબુ અને જસ જેવી અન્ય મેટલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ મિલાવટને કારણે જ જ્વેલરી મજબૂત અને ટકાઉ બને છે.
લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ 18 કેરેટ ગોલ્ડની વાત કરીએ તો 18 કેરેટ ગોલ્ડમાં ૭૫ ટકા સોનું હોય છે અને ડાયમંડ્સ કે અન્ય કિંમતી રત્નો જડવા માટે આ 18 કેરેટ ગોલ્ડ એકદમ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
જ્યારે 11.66 ગ્રામ એટલે એક તોલુ ગણાતું હતું...
સોનું કેટલા ટાઈપનું હોય છે એ વિશે વાત કરી લીધા બાદ હવે આગળ વધીએ અને વાત કરીએ સોનાને મોજવાના માપદંડની તો સોનું તોલામાં માપવામાં આવે છે. 10 ગ્રામ ગોલ્ડ એટલે એક તોલું સોનું. ભારતમાં પ્રાચીન કાળથી સોના-ચાંદીના વજન માટે 'તોલા' શબ્દ ઉપયોગમાં લેવામાં આવે છે. જોકે હંમેશાથી 10 ગ્રામ એટલે એક તોલુ સોનું એવો હિસાબ નહોતો. જી હા, બ્રિટિશ કાળ અને આધુનિક મેટ્રિક સિસ્ટમ મુજબ તેમાં થોડો ફેરફાર આવ્યો હતો. જૂના સમયમાં 11.66 ગ્રામને એક તોલું ગણવામાં આવતો હતો.
ચાંદીની શુદ્ધતા કઈ રીતે નક્કી થાય છે?
સોનાની સરખામણીએ ચાંદીનું માપન થોડું અલગ છે. ચાંદીમાં કેરેટ સિસ્ટમ હોતી નથી, ત્યાં 'ફાઈનનેસ' (Fineness) જોવામાં આવે છે. દાગીના બનાવવા માટે 925 ફાઈનનેસ (92.5 ટકા) ધરાવતી ચાંદી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સિવાય સોનાની જેમ ચાંદી તોલામાં નહીં પણ કિલોમાં માપવામાં આવે છે. ચાંદીનું વજન સામાન્ય રીતે ગ્રામ કે કિલોગ્રામમાં કરવામાં આવે છે, જ્યારે મોટી માત્રામાં તેની લેવડદેવડ બાર (Bars)માં થાય છે.
સોના-ચાંદીની ખરીદી વખતે આટલું ધ્યાનમાં રાખો-
વાત કરીએ સોના-ચાંદીની ખરીદી કરતી વખતે ધ્યાનમાં રાખવાની જેવી બાબતો વિશે તો હંમેશા BIS હોલમાર્ક ધરાવતા દાગીના જ ખરીદો. તેના પર સોનાની શુદ્ધતા (જેમ કે 916 એટલે કે ૨૨ કેરેટ) અને હોલમાર્કિંગ સેન્ટરનું નિશાન હોય છે. આ સિવાય દરેક ઝવેરીના મજૂરી ખર્ચ (Making Charges) અલગ હોય છે, જે કુલ કિંમતમાં મોટો તફાવત લાવી શકે છે. લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ એટલે સોના-ચાંદીની ખરીદી વખતે હંમેશા GST સાથેનું પાકું બિલ માંગો, જેમાં કેરેટ અને વજનની સ્પષ્ટ વિગત હોય.