નવી દિલ્હી: તાજેતરમાં જ પાસચિ, બંગાળ, આસામ, કેરળ સહિતના રાજ્યમાં વિધાનસભા ચૂંટણીઓ પૂર્ણ થઈ છે. જેમાં કેરળમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) એ 102 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવીને ભવ્ય વિજય મેળવ્યો છે, જેમાં એકલી કોંગ્રેસે 63 બેઠકો જીતી છે. આ પ્રચંડ જીત બાદ હવે મુખ્ય પ્રધાન પદ માટે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા કોઈ એક નામ પર મહોર મારવાની તૈયારીઓ ચાલી રહી છે. આ માટે આવતીકાલે દિલ્હીમાં રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે કેરળના વરિષ્ઠ નેતાઓ સાથે મહત્વની બેઠક યોજશે. આ રેસમાં કે.સી. વેણુગોપાલનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. જો બુધવારે સત્તાવાર જાહેરાત થશે, તો આગામી ૧૪ મેના રોજ ભવ્ય શપથ ગ્રહણ સમારોહ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.
મુખ્ય પ્રધાનના નામ પર અંતિમ મહોર મારવા માટે રાહુલ ગાંધી વરિષ્ઠ નેતા એ.કે. એન્ટની સાથે ઊંડાણપૂર્વક પરામર્શ કરશે. આ બેઠકમાં ભાગ લેવા માટે કેરળ પ્રદેશ કોંગ્રેસ કમિટી (KPCC) ના પૂર્વ પ્રમુખો અને કાર્યકારી પ્રમુખો દિલ્હી પહોંચ્યા છે. આ બેઠકમાં એમ.એમ. હસન, કે. મુરલીધરન, અને કે. સુધાકરણ જેવા દિગ્ગજ નેતાઓ સહિત શફી પરમ્બિલ અને એપી અનિલ કુમાર જેવા યુવા ચહેરાઓ પણ સામેલ થશે. હાઈકમાન્ડ તમામ પક્ષો અને ગઠબંધનના સાથીદારોના અભિપ્રાયોને ધ્યાનમાં રાખીને સર્વસંમતિ સાધવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેથી રાજ્યમાં સ્થિર શાસન આપી શકાય.
ઉલ્લેખનીય છે કે, UDF ગઠબંધનની આ સફળતામાં સાથી પક્ષોનો ફાળો પણ મહત્વનો રહ્યો છે. ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML) એ ૨૨ બેઠકો જીતીને ગઠબંધનને મજબૂતી આપી છે. આ ઉપરાંત કેરળ કોંગ્રેસને ૮, રિવોલ્યુશનરી સોશિયલિસ્ટ પાર્ટીને ૩ અને અપક્ષોને ૪ બેઠકો મળી છે. પ્રચંડ બહુમતી સાથે સત્તામાં વાપસી કરી રહેલી કોંગ્રેસ માટે હવે પડકાર એ છે કે તમામ જૂથોને સંતુષ્ટ કરી શકે તેવો ચહેરો પસંદ કરવામાં આવે. રાજકીય વિશ્લેષકો માને છે કે કેરળમાં આવનારું નવું શાસન અને તેના નેતૃત્વ પર સમગ્ર દેશની નજર રહેશે.