Sun Mar 08 2026

Logo

એરોપ્લેનનું ફ્યુઅલ ટેન્ક ક્યાં હોય છે? મોટાભાગના લોકોને નથી હોતી ખબર...

4 days ago
Author: Darshana Visaria
Article Image

જ્યારે આપણે આકાશમાં વિશાળ વિમાન ઉડતું જોઈએ ત્યારે મનમાં અનેક પ્રશ્નો કુતુહલ જગાવે છે અને આ તમામ પ્રશ્નોમાંથી સૌથી રસપ્રદ પ્રશ્ન એટલે આટલા મોટા આ વિમાનમાં ફ્યુઅલ ક્યાં સ્ટોર કરવામાં આવતું હશે? વાત ફોર વ્હીલર, ટુવ્હીલર હોય કે પછી ટેમ્પો ટ્રાવેલરની હોય આ તમામ વાહનોના ફ્યુઅલ ટેંકની તો આપણને જાણકારી હોય છે, પરંતુ ફ્લાઈટના ફ્યુઅલ ટેંક વિશેની જાણકારી લગભગ કોઈને જ નથી હોતી. આજે આપણે આ સ્ટોરીમાં આ વિશે જ વાત કરીશું... 

તમને જાણીને નવાઈ લાગશે કે મોટાભાગના કોમર્શિયલ વિમાનોમાં ઈંધણ તેની પાંખો (Wings) માં સંગ્રહિત કરવામાં આવે છે. વિમાનની પાંખો અંદરથી પોલાણવાળી હોય છે અને એનો ઉપયોગ ફ્યુઅલ ટેન્ક તરીકે કરવામાં આવે છે. આઈ નો આઈ નો હવે તમને થશે કે ભાઈસાબ આખરે ફ્લાઈટમાં ફ્યુઅલ તેની વિંગ્સમાં કેમ સ્ટોર કરવામાં આવે છે તો આ પાછળ વૈજ્ઞાનિક કારણો જવાબદાર છે. 

ફ્લાઈટની વિંગ્સમાં ફ્યુઅલ સ્ટોર કરવામાં આવે છે એનું સૌથું મહત્ત્વનું અને પહેલું કારણ એટલે વજનનું સંતુલન. વિમાનની પાંખો મધ્યમાં હોય છે. જો ફ્યુઅલ પાંખોમાં હોય, તો વિમાનનું સેન્ટર ઓફ ગ્રેવિટી જળવાઈ રહે છે, જેનાથી પ્લેન હવામાં સ્થિર રહે છે. આ સિવાય જ્યારે ફ્લાઈટ ટેક ઓફ કરે છે ત્યારે પાંખો પર ઉપરની બાજુએ પ્રેશર આવે છે અને આ લમયે પાંખોમાં રહેલું ભારે ફ્યુઅલ આ દબાણને નીચેની તરફ ખેંચે છે, જેથી પાંખો વળી જતી નથી અને મજબૂત રહે છે. વિમાનની અંદરની મેન બોડીમાં પેસેન્જર અને લગેજ માટે જગ્યા રાખવાની હોય છે. પાંખોનો ઉપયોગ કરવાથી અંદરની જગ્યાનો મહત્તમ લાભ મળે છે.

શું બધું ફ્યુઅલ પાંખોમાં જ હોય છે?
જો તમને પણ આ સવાલ થયો હોય તો આ સવાલનો જવાબ છે કે ના, ફ્લાઈટનું બધું ફ્યુઅલ માત્ર પાંખોમાં નથી હોતું. લાંબા અંતરના મોટા વિમાનોમાં પાંખો ઉપરાંત પ્લેનના સેન્ટર ટેંકમાં પણ વધારાનું ફ્યુઅલ રાખવામાં આવે છે. ઘણી વખત બેલેન્સ જાળવી રાખવા માટે ફ્લાઈટની ટેલના ભાગમાં પણ નાની ટેંક હોય છે.

કયું ઈંધણ વપરાય છે?
વિમાનમાં સામાન્ય પેટ્રોલ કે ડીઝલ વપરાતું નથી. તેમાં 'એવિએશન ટર્બાઇન ફ્યુઅલ' (ATF) અથવા જેટ ફ્યુઅલ વપરાય છે. આ એક શુદ્ધ કેરોસીન આધારિત ઈંધણ છે, જે ખૂબ ઊંચા તાપમાને પણ કાર્યક્ષમ રહે છે અને થીજી જતું નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે કોઈ વખત  ઈમરજન્સી લેન્ડિંગ કરવાની નોબત આવે તો આવા સમયે જો વિમાનનું વજન ઘટાડવું હોય, તો પાંખોમાં રહેલું ઈંધણ હવામાં જ છોડી દેવામાં આવે છે, જેથી સેફ લેન્ડિંગ થઈ શકે.

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...