Tue Apr 21 2026

Logo

આ માનસિકતા ક્યારે બદલાશે?

2026-03-12 11:50:00
Author: Mumbai Samachar Team
Article Image

કૌશિક મહેતા

ડિયર હની,

આપણે કયા યુગમાં જીવીએ છીએ? વિજ્ઞાને આટલી બધી પ્રગતિ કરી લીધી, અને એના આવિષ્કારોએ આજે આપણા જીવનને કેટલું સરળ બનાવી દીધું છે! છેલ્લાં 50 વર્ષમાં કેટલો બધો બદલાવ આવી ગયો  છે... જોકે, એક વાતે બદલાવ નથી આવ્યો અને એ છે. પુરુષપ્રધાન સમાજની માનસિકતા. આજે પણ મોટાભાગનો પુષ વર્ગ એવું માને છે કે, સ્ત્રીએ ઘર સંભાળવું જોઈ.... પુરુષની વાત સ્ત્રીએ માનવી જોઈએ...આશ્ચર્યની વાત તો એ છે આજની યુવા પેઢી પણ ઘણા ઓછા અંશે આ વાતને માને છે અને આ પરમ્પરા અને પ્રગતિ વચ્ચેનો સઘર્ષ બની ગયો છે.

આ વાત હું એમ જ કહેતો નથી. તાજેતરનાં વર્ષોમાં થયેલાં વિવિધ સર્વેક્ષણોમાં એવું જોવા મળ્યું છે કે, પુષ માનસિકતામાં હજુ એટલો બદલાવ આવ્યો નથી. એક સામાન્ય માન્યતા છે કે શિક્ષણ વધતા સમાનતા વધશે, પરંતુ સર્વેના આંકડા કંઈક અલગ સૂચવે છે. નેશનલ સોસાયટી ઓફ એલાઈડ હેલ્થ (NSAH)નાં સર્વે મુજબ: ભારતમાં 15 થી 29 વર્ષના લગભગ 45 ટકા પુરૂષો માને છે કે જો પત્ની ભૂલ કરે તો પતિનો તેના પર ગુસ્સો કરવો કે હાથ ઉપાડવો (અમુક સંજોગોમાં) વાજબી છે. આ આંકડો આઘાતજનક રીતે શિક્ષિત યુવાનોમાં  પણ નોંધપાત્ર છે. મતલબ કે ડિગ્રીઓ વિચારવાની શક્તિ આપે છે, પણ વર્ષો જૂના સંસ્કારો કે `કન્ડિશનિંગ' બદલવામાં નિષ્ફળ રહે છે.

પ્યુ રિસર્ચનાં તારણો મુજબ ભારતીય યુવાનોમાં લગભગ 80 ટકા લોકો એવું માને છે કે જ્યારે નોકરીઓ ઓછી હોય, ત્યારે પુરુષોને સ્ત્રીઓ કરતાં વધુ પ્રાધાન્ય મળવું જોઈએ. એટલું જ, 60 ટકાથી વધુ યુવાન પરિણીત પુરૂષો હજુ પણ એવું માને છે કે ઘરના મોટા આર્થિક નિર્ણયો લેવાનો અંતિમ અધિકાર પુષનો જ હોવો જોઈએ. 

આધુનિક યુવાનો સ્ત્રીઓને નોકરી કરવાની છૂટ તો આપે છે, પણ ઘરકામમાં મદદ કરવાની માનસિકતા હજુ કેળવાઈ નથી. એક સર્વે મુજબ ભારતીય યુવાન સ્ત્રીઓ દિવસમાં સરેરાશ 5 થી 6 કલાક અ- વેતન ઘરકામ કરે છે, જ્યારે તેટલી જ ઉંમરના પુષો માત્ર 30 થી 45 મિનિટ ફાળવે છે. યુવાનો માને છે કે `મારી પત્ની કમાતી હોય તો વાંધો નથી, પણ મારે રસોઈમાં મદદ કરવી પડે' એ વિચાર હજુ પણ ઘણાને સ્વીકાર્ય નથી.

આજના યુવાનો સોશ્યલ મીડિયા પર સમાનતાની પોસ્ટ મૂકે છે, પણ અંગત જીવનમાં પિતૃસત્તાક મૂલ્યોને જ વળગી રહે છે. હા, જો કોઈ યુવાને બાળપણથી તેની માતાને માત્ર ત્યાગ અને સેવા કરતા જ જોઈ હોય, તો તે અજાણતા જ તેની પત્ની કે સહકર્મી પાસે પણ એ જ અપેક્ષા રાખશે. ઓફિસમાં પણ યુવાન મેનેજરો સ્ત્રી સહકર્મીઓને `ભાવુક' અથવા `કૌટુંબિક જવાબદારીઓ' વાળીગણીને મોટા પ્રોજેક્ટ્સ આપતા અચકાય છે. 

અને આ મુદે સ્ત્રીઓનો વાંક ઓછો નથી. એમાં તારા જેવી માત પણ આવી જાય છે. તમે ય દીકરા અને દીકરી વચ્ચે ભેદભાવ કરતા રહો છો. બંને માટે જુદા જુદા નિયમો રાખો છો. દીકરી કરતાં દીકરાને વધુ આઝાદી આપો છો. દીકરી કમાતી થાય એવું તો તમે ઈચ્છો છો પણ સાથે એ રસોઈ કળામાં નિપુણ રહે એ તો ફરજિયાત માનો છો, પણ દીકરાના કિસ્સામાં એ વાત લાગુ પડતી નથી. કેમ દીકરો રસોઈ કળા ના શીખે? આજે દીકરાઓ બહાર જોબ કરવા જાય છે તો તો કેમ રસોઈ શીખે છે? આ તો મજબૂરી છે, પણ એને દીકરી સાથે સમાન્ય રસોઈ ઘરમાં કેમ શીખવાતી નથી? અને એને બાળપણથી જ એવી શીખ મળવી જોઈએ કે, દીકરી અને દીકરા બંનેના અધિકારો સમાન છે.

આજે મોટાભાગના ઘરોમાં પુરુષ મહિલા સભ્ય પર ગુસ્સે થાય તો એ ચલાવી લેવાય છે,  પણ સ્ત્રી કોઈ પુરુષ પર ગુસ્સે થઇ કઈ બોલી જાય તો બબાલ થઇ જાય છે. `થપ્પડ'  ફિલ્મમાં `બસ, એક થપ્પડ હી તો હૈ' તે  એ ફિલ્મનો આ સૌથી મહત્ત્વનો ડાયલોગ છે. સમાજ અને ઘરના વડીલો (અને ઘણીવાર યુવાનો પણ) એવું માને છે કે જો પતિ-પત્ની વચ્ચે બધું બરાબર ચાલતું હોય, તો એકાદ વાર હાથ ઉપાડવો એ મોટી વાત નથી. પ્રેમનો અર્થ એ નથી કે સામેની વ્યક્તિ તમારા આત્મસન્માનને ઠેસ પહોંચાડે.

રસોડામાં મદદ કરવી કે પત્નીને નોકરી કરવા દેવી એટલી જ સમાનતા નથી, પણ તેના અસ્તિત્વ અને તેના નિર્ણયોને માન આપવું એ સાચી સમાનતા છે. `થપ્પડ' ફિલ્મમાં પતિને છેક સુધી એ સમજાતું નથી કે તેણે શું ખોટું કર્યું છે. તે માને છે કે તેણે રસોડામાં મદદ કરી કે ફરવા લઈ ગયો એટલે થપ્પડની માફી મળી ગઈ. આ ગિલ્ટ (ગુનાહિત ભાવ) નો અભાવ એ જ અસમાનતાનું મૂળ છે. 

પરિવર્તન માત્ર કાયદા કે સૂત્રોથી નહીં, પણ એ `અનલર્નિંગ' (જૂનું ખોટું શીખેલું ભૂંસી નાખવું)થી આવશે. જ્યાં સુધી ઘરના કામની વહેંચણી સમાન નહીં થાય, ત્યાં સુધી બહારની દુનિયામાં સમાનતા કેવળ એક આંકડો બનીને રહી જશે.

તારો બન્ની