કોઈની હરકત કે વિચાર પસંદ ના પડે ત્યારે સાયબર પ્લેટફોર્મ્સ પર એની પાછળ પડી જઈને ભલભલાને ત્રાહિમામ્ પોકારવાની ચેષ્ટા ‘ટ્રોલ’નું પોસ્ટમાર્ટમ...
- ભરત ઘેલાણી
ટ્રોલ નામનું પ્રાણી
દક્ષિણની અભિનેતી ત્રિષા કૃષ્ણન, વિરાટ કોહલી, રિષી કપૂર, એક્ટર KRK ઊર્ફે કમાલ આર.ખાન, ઈલોન મસ્ક
સર્વપ્રથમ આ કેટલાક તાજા સમાચાર પર આપણે નજર ફેરવી લઈએ,જેમકે...
* સાઉથના સુપરસ્ટાર વિજય થલપતિ વિધાનસભાની ચૂંટણીમાં વિજયી નીવડ્યા પછી તમિળનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. એ સમારોહમાં એની સાથે હૂંફાળા સંબંધ ધરાવતી અભિનેત્રી ત્રિષા કૃષ્ણને હાજરી આપી. એકટર સીએમ વિજયનો ડિવોર્સ કેસ ચાલી રહ્યો છે ત્યારે એ ઘટના સોશ્યલ મીડિયા પર ચર્ચાસ્પદ બની. પછી ત્રિષાએ ‘લવ ઈઝ ઓલવેઝ લાઉડર’ એવી પોસ્ટ વહેતી કરી. એમાં સોશ્યલ મીડિયા પર ત્રિષાને જબરજસ્ત ટ્રોલ કરવામાં આવી રહી છે...
* આલિયા ભટ્ટ હમણા ‘કાન ફેસ્ટિવલ’ના રેડ કાર્પેટ પર હાજરી આપી ત્યારે એણે પહેરેલાં ડ્રેસને કારણે ત્યાંના વિદેશી મીડિયાએ એની નોંધ પણ ન લીધી એવા સમાચાર સોશ્યલ મીડિયા પર ગાજ્યા પછી આલિયાને જબરી ટ્રોલ કરવામાં આવી...
* અક્ષર કુમારની આગામી ફિલ્મ ‘વેલકમ -3’નું હમણાં ટીઝર રજૂ થયું પછી ‘એ તો 18 વર્ષ જૂની એક હોલિવૂડ ફિલ્મની રી-મેક છે.’ એવી સંખ્યાંબંધ ટીકા સાથે અક્ષયને પણ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે....
* વિક્રમવીર ક્રિકેટર વિરાટ કોહલીએ જાણે અજાણે એક ફૂટડી જર્મન સિંગર મોડલ લિઝલા (જેનીફર)ની એક તસવીરેને ‘લાઈક’ કરી અને પેલી રાતોરાત સોાશ્યલ મીડિયા પર જાણીતી થઈ ગઈ, પછી એવા સમાચાર આવ્યા કે લિઝલાએ ઓનલાઈન એવો ઘટસ્ફોટ કર્યો છે કે એ તો વિરાટ કોણ છે એ જાણતી પણ નથી, પણ એની વિરુદ્ધ બોલવા માટે કેટલાક પત્રકારોએ એની મોટી રકમની ઓફર પણ કરી હતી!
આ સમગ્ર ઘટના સોશ્યલ મીડિયામાં ગાજી એમાં વિરાટ પણ એની પેલી ‘લાઈક’ માટે ટ્રોલ કરવામાં આવ્યો.
આમ ટ્રોલના નામે આવા તો અનેક હોબાળા સોશ્યલ મીડિયા પર અવિરત ચાલ્યા જ કરે છે. કોઈ વાર નેતા કોઈ વાર ફિલ્મ અદાકાર તો ઘણી વાર વિવિધ ક્ષેત્રની નામધારી વ્યક્તિઓ પણ શિકાર બનતી રહે છે.
આજના ડિજિટલ યુગના સોશ્યલ મીડિયાના જમાનામાં ભાગ્યેજ કોઈ ‘ટ્રોલ’ શબ્દથી અપરિચિત હશે. આમ છતાં, આપણે આ ટ્રોલની એક સામાન્ય સાવ પરિચિત એવી વ્યાખ્યામાં જાણીએ તો ઈન્ટેરનેટ કે સોશ્યલ મીડિયા પર કોઈ ચોક્ક્સ વ્યક્તિ કે જૂથને અમુક તમુક લોકો ઈરાદાપૂર્વક હેરાન કરવા -બદનામ કરવા અપમાનજનક કે ઉશ્કેરણીજનક ટિપ્પણી કરે તો તેને ‘ટ્રોલ’ તરીકે ઓળખાવામાં આવે છે.
આ શબ્દનો ભૂતકાળ કે ઈતિહાસ ફ્ંફોસીએ તો જાણવા મળે કે સ્કેન્ડિનેવિયા દેશની પરિકથા કે ત્યાંની દંતકથાઓમાં એક વામન કદના કદરૂપા પ્રાણીનો અવશ્ય ઉલ્લેખ થતો. એ જુગુપ્સાપ્રેરક પ્રાણી કોઈની પાછળ પડી જઈને હંમેશાં ખરાબીના જ ખેલ કરતું. આવું પ્રાણી ‘ટ્રોલ’ તરીકે બદનામ હતું. એ જ રીતે કોઈ એક યા બીજી રીતે કોઈને પજવતું હોય અને ‘ટ્રોલિંગ’ કહે છે.
હકીકતમાં આવી ચેષ્ટા આજકાલ સોશ્યલ મીડિયામાં વ્યાપક છે. અનેક નામચીન ટ્રોલર લોકપ્રિય હસ્તીઓને સાવ કારણ વગર કે કોઈ બહાનાં હેઠળ વગોવે કે તીવ્ર ટીકા કરે પછી રીતસર પાછળ પડી જાય. ઘણી વાર તો આવા ટ્રોલર ચોક્કસ એજન્ડા- ધ્યેય સાથે જાણીતી વ્યક્તિ પર તૂટી પડે છે.
એમની લોકપ્રિયતાથી ઈર્ષા અનુભવતા પોતાનો ખાર એના પર ઉતારે છે. આપણે ત્યાં ‘ટ્વિટર’ ( હવે X ) પર આવા કેટલાંક બદનામ પણ છે. આમાંના એક છે નિષ્ફળ નિર્માતા-કલાકાર KRK ઊર્ફે કમાલ આર. ખાન.આ બિરાદર એના તેજાબી ટ્રોલ માટે અનેક વાદ-વિવાદ અને પોલીસ-કોર્ટ-કચેરીનાય મામલામાં સંડોવાયેલો છે. સામે સલમાન હોય- શાહરુખ કે પછી સારા અલી ખાન આ નામચીન ખાનને જેની સાથે વાકું પડે એને તોછડી ભાષામાં એ ‘2 Rs પીપલ’ અર્થાત ‘દો ટકે કે લોગ’ તરીકે બોલાવે છે!
જોકે આવા ટ્રોલરને જડબાતોડ જવાબ આપનારા પણ છે. સદ્ગત રિષી કપૂર એને ન ગમતી કોઈ પણ સમાજિક ઘટના વિરુદ્ધ સોશ્યલ મીડિયા પર શબ્દો ચોર્યા વગર કડક શબ્દોમાં વિરોધ પ્રગટ કરતા.
પરિણામે એ ખુદ ટ્રોલ થતા, પણા આવા ટ્રોલિંગ વખતે એને ટ્રોલ કરનારાને પણ તેજાબી જવાબ આપીને સામેવાળાની બોલતી બંધ કરી દેતા...
મનોવિજ્ઞાનીઓ કહે છે તેમ કમાલ આર. ખાન જેવા ‘ટ્રોલરવીર’ માનસિક રીતે બીમાર હોય છે. કોઈનું સારું ન જોઈ શકનારા ઈર્ષા- વૈરવૃતિ અને લઘુતાગ્રંથિથી પીડાતા હોય છે. એક સર્વે અનુસાર સાયબર સ્પેસ પર 58 ટકાથી વધુની એક યા બીજી રીતે જે હેરેસમેન્ટ-હેરાનગતિ કરવામાં આવે છે એમાં ટ્રોલનું જ હથિયાર વધુ વપરાય છે. આ છે ભલભલાને પજવતા ટ્રોલની નકારાત્મક બાજુ. જેમ સોશ્યલ મીડિયા પર કોઈને ટ્રોલ દ્વારા પજવી શકાય છે તેમ સકરાત્મક ‘ટ્રોલ‘થી કોઈને ‘દાનવીર’ પણ બનાવી શકાય ખરું ?
વેલ, ધારી લો કે એશિયા-ઈન્ડિયાના સૌથી શ્રીમંત એવા મૂકેશ અંબાણીને કોઈ સોશ્યલ મીડિયા પર પૂછે : ‘આપણા વિદ્યાર્થીઓના લાભાર્થે તમે તમારી મિલકતમાંથી કેટલું અને કઈ રીતે દાન કરી શકો?’ અને ધારી લો કે મૂકેશભાઈ ટ્વિટ કરીને જવાબ પણ આપે : ‘દેશના બધા જ વિદ્યાર્થિઓના અભ્યાસ માટે આજથી દસ વર્ષ સુધી અમે જિયો સ્માર્ટ ફોન તથા ડેટા સાવ નિ:શુલ્ક આપવા ઈચ્છીએ છીએ. બોલો, બીજા કયા કયા ઉદ્યોગપતિઓ અમારા આ મિશનમાં કઈ કઈ રીતે ઉપયોગી થવા ઈચ્છે છે?’
મૂકેશ અંબાણીની જેમ અન્ય ઉદ્યોગપતિઓ પણ આ જ પ્રકારની સમાજ કલ્યાણ માટે તત્પરતા દેખાડે તો ભારતીય સમાજ-સંસ્કૃતિની શિકલ જ બદલાય જાય પણ અહીં કલ્પના અને વાસ્તવિકતા વચ્ચે તેર મણનો ‘તો’ છે.
આમ છતાં, આ શક્ય છે એવી આશા થોડા સમય પહેલાં વિશ્વના સૌથી શ્રીમંત એવા ઈલોન મસ્કે જગાડી છે.
ઈલોન મસ્ક, જે અમલમાં મૂકી રહ્યા છે એવા સકારાત્મક ટ્રોલની વાત જાણ્વા જેવી છે. મસ્ક Out of Box એટલે કે ચીલાચાલુને બદલે કઈંક નવા પ્રકારનું વિચારવા માટે જાણીતા છે. એ અન્ય ધનવાનોની જેમ દાનવીર તરીકે જાણીતો નથી. આમ છતાં, 839 અબજ ડૉલર (1 ડૉલર = આશરે આજના આપણા રૂપિયા 96 !) ના આ માલિકે બધા ચોંકી ઊઠે એવી એક ટ્વિટ પોસ્ટ કરી છે. ઈલોન મસ્ક પૂછે છે : ‘દુનિયાનો ભૂખમરો મટાડવા 8 અબજ ડૉલરની જરૂર છે અને આ રકમ ઈલોન મસ્ક દાનમાં આપી શકે છે’ એવું ‘યુનો’ કહે છે તો મને કોઈ પ્લીઝ સમજાવો કે આ કઈ રીતે શક્ય છે તો હું અમારી કંપનીની ‘ટેસ્લા’ કારના બહુ મૂલ્યવાન બધા જ શેર્સ વેંચીને એ રકમનું દાન આપવા તૈયાર છું..!’
ઈલોન મસ્કની આ પોસ્ટથી - પ્રતિક્રિયાથી ઘણા દાનવીરો પ્રભાવિત પણ થયા છે. અમેરિકાના અર્થશાસ્ત્રીઓ પણ કહેવા લાગ્યા છે કે અન્ય શ્રીમંત દાનવીરોને પણ ઈલોન મસ્કની જેમ આ જ રીતે ‘ટ્રોલ’ કરીને એમની દાનવૃતિને ‘ઉશ્કેરવી’ જોઈએ!
આવી ‘ટ્રોલ ફિલેન્થ્રપી-દાનવૃત્તિ’ આપણે ત્યાં પણ વિકસે તો?!