(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં તાજેતરમાં બેસ્ટની બસના ઉપરાઉપરી થયેલા ઍક્સિડન્ટમાં મોટાભાગની બસ વેટ લીઝની હતી, તેમાં પણ માનખુર્દમાં બસના થયેલા ઍક્સિડન્ટમાં એકનું મોત અને ૧૦ જણ જખમી થયા બાદ ભાડા પર લીધેલી બસના મોટાભાગના ડ્રાઈવરોને ટ્રેનિંગ આપવાની આવશ્યકતા હોવાનું જણાઈ આવ્યું હતું. તેથી બેસ્ટ ઉપક્રમ દ્વારા લગભગ ૫,૨૦૦ વેટ લીઝ બસ ડ્રાઇવરો માટે વિશેષ સુરક્ષા જનજાગૃતિ અને તાલીમ ઝુંબેશ અમલમાં મૂકવામાં આવવાની છે. આ ઝુંબેશ ટૂંક સમયમાં શરૂ થશે અને આ તાલીમનો સમયગાળો ત્રણ અઠવાડિયાનો રહેશે.
માનખુર્દ ખાતે તાજેતરના અકસ્માતને ધ્યાનમાં રાખીને ૨૪ જુલાઈના રોજ તમામ વેટ લીઝ કૉન્ટ્રાક્ટરોની એક ખાસ બેઠક યોજાઈ હતી, જેમાં ડ્રાઈવરોને ટ્રેનિંગ આપવા પર ભાર આપવામાં આવ્યો હતો. આ પહેલનો ઉદ્દેશ્ય ડ્રાઇવરોમાં સલામત અને રક્ષણાત્મક ડ્રાઇવિંગની પ્રેક્ટિસ આપવાનો અને માર્ગ સલામતી વિશે જાગૃતિ લાવવાનો છે. આ તાલીમમાં લેન શિસ્તનું પાલન કરવા, લેન કટિંગ ટાળવું, ઝડપ મર્યાદાનું કડક પાલન, સલામત અંતર જાળવવા અને ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઇલ ફોનના ઉપયોગને સંપૂર્ણપણે ટાળવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
આ ઝુંબેશ વેટ લીઝના કૉન્ટ્રાક્ટરો સાથે સંકલન કરીને તમામ વેટ લીઝ ડેપોમાં તેમજ દિંડોશી તાલીમ કેન્દ્રમાં અમલમાં મૂકવામાં આવશે. ડ્રાઈવરોને કાઉન્સેલિંગ સત્રો, સલામતી માર્ગદર્શન અને વ્યવહારુ તાલીમ કાર્યક્રમો દ્વારા તાલીમ આપવામાં આવશે.બેસ્ટ મેનેજમેન્ટે પેસેન્જર સેફ્ટી પર ભાર મૂકીને વેટ લીઝના તમામ કૉન્ટ્રાક્ટરોએ તેમના ડ્રાઇવરોને આ અભિયાનમાં સક્રિયપણે ભાગ લેવા માટે નિર્દેશ આપ્યો છે. બેસ્ટ પ્રશાસને એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે સતત તાલીમ અને જનજાગૃતિને કારણે મુંબઈની જાહેર પરિવહન વ્યવસ્થામાં નોંધપાત્ર ઘટાડો થશે અને જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ સુરક્ષિત બનાવવામાં મદદ મળશે.
representative image