(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં આજે ઓવરહેડ ઈલેક્ટ્રિકલ ઈક્વિપમેન્ટ (ઓએચઈ)માં ખામી સર્જાવવાને કારણે બ્લોક વિના સવારથી લઈને બપોર સુધી લોકલ ટ્રેનોના ધાંધિયા રહ્યા હતા. મુંબઈ ડિવિઝનમાં નાયગાંવ અને ભાયંદર વચ્ચે ઓવરહેડ ઈક્વિપમેન્ટ (OHE)માં ખામી સર્જાતા લોકલ ટ્રેન સર્વિસીસ ખોરવાઈ હતી, જેનો ભોગ પ્રવાસીઓ બન્યા હતા. આજે સવારથી લઈને બપોર સુધી ટ્રેનોના ધાંધિયા રહેવાને કારણે પ્રવાસીઓએ રેલવે પ્રશાસનની કામગીરીને વખોડી હતી. અનેક પ્રવાસીઓને રેલવેના પાટા પર ચાલતા ચાલતા નજીકના સ્ટેશને પહોંચ્યા હતા, પરંતુ આખો દિવસ ટ્રેનોના ધાંધિયા રહેતા અનેક પ્રવાસીઓએ રેલવેની ઝાટકણી કાઢી હતી.
આ બનાવ અંગે રેલવેએ જણાવ્યું હતું કે આજે સવારના 7.52 વાગ્યાના સુમારે ડાઉન સ્લો લાઈનમાં (44/1.6 કિલોમીટર માર્કર નજીક) ઓવરહેડ વાયરમાં ટેક્નિકલ ખામી સર્જાવવાને કારણે ટ્રેનસેવા પર અસર પડી હતી. સબર્બન લોકલ ટ્રેન અને મેમુ ટ્રેનની ખોટકાઈ હતી. જોકે, અસરગ્રસ્ત ટ્રેનોને ખસેડવા માટે ડીએસએલ પાવરથી વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યારે મેઈન્ટેનન્સ કામગીરી વસઈ રોડથી એક ટાવર વેગનને ઘટનાસ્થળે મોકલીને કામગીરી પાર પાડી હતી, પરંતુ ઓવરહેડ વાયર તૂટ્યા પછી ટ્રેન સર્વિસને રેગ્યુલર કરવામાં ચારથી પાંચ કલાક લાગી ગયા હોવાનું પ્રવાસીઓએ જણાવ્યું હતું.
@Gmwrly @drmbct @Railwhispers @RailMinIndia @RailSamachar @rajtoday @yatrisangh @himanshut704 @srdombct @satyamev4jayate Is there any OHE FAILURE between BYR & NIG Please inform the current status pic.twitter.com/fmIo6aGFgP
— Rail Matters (@Railwaymatters) April 12, 2026
ઓવરહેડ વાયર તૂટવાને કારણે લોકલ ટ્રેન સિવાય મુંબઈથી ગુજરાત જનારી લાંબા અંતરની અમુક ટ્રેનો પર પણ અસર પડી હતી, જેમાં બપોર સુધીની મોટા ભાગની ટ્રેનો કલાકથી વધુ મોડી દોડતી રહી હતી. ઓવરહેડ વાયર તૂટ્યા પછી અમુક પ્રવાસીઓ તો ભાયંદર ખાડી પર ચાલતા નીકળીને નજીકના સ્ટેશન પહોંચ્યા હોવાના વીડિયો વાયરલ થયા હતા. સોશિયલ મીડિયા પર પ્રવાસીઓ પગપાળા ચાલતા જોવા મળ્યા પછી યૂઝર્સે રેલવે પ્રશાસનની બેદરકારી મુદ્દે આકરી ઝાટકણી કાઢી હતી.
મુંબઈ સબર્બન રેલવેમાં રવિવારનો દિવસ એટલે બ્લોકનો દિવસ. પ્રવાસીઓને રેગ્યુલર ટ્રેન મળવાની મુશ્કેલી પડતી હોય છે, પરંતુ આજે તો સવારથી પારાવાર લોકોને હાલાકી ભોગવવી પડી હતી. આજે ગરમીના આકરા દિવસમાં સવારથી લોકલ ટ્રેનના ધાંધિયા થતા વિરાર-વસઈના રહેવાસીઓને મુંબઈ સુધી ટ્રાવેલ કરવામાં પારાવાર હાલાકી પડી હતી, જેના અંગે કોઈ એનાઉન્મસેન્ટ પણ નહોતું. ફક્ત સોશિયલ મીડિયા પર જાહેરાત કરવાથી પબ્લિકને શું ખબર પડે, એમ વસઈના રહેવાસી મેહુલ પાંડેએ જણાવ્યું હતું.
અન્ય એક પ્રવાસીએ કહ્યું હતું કે ઓવરહેડ વાયર તૂટવાને કારણે વસઈ નજીક એક ટ્રેન રોકી દેવામાં આવ્યા પછી અનેક પ્રવાસીઓ ટ્રેનમાંથી ઉતરીને પાટા પર ચાલતા નીકળી પડ્યા હતા, જેમાં મહિલાઓ, સિનિયર સિટીઝનનો સમાવેશ થાય છે. રવિવારે ટ્રેનોના ધાંધિયાને કારણે પશ્ચિમ રેલવેમાં વિરાર, વસઈ, નાયગાંવ, ભાયંદર, મીરા રોડ, દહીસર સુધીના પ્રવાસીઓને ટ્રેનોમાં ટ્રાવેલ કરવામાં હાલાકી પડી હતી, જ્યારે બોરીવલીથી ચર્ચગેટ જનારા પ્રવાસીઓને પણ ટ્રેનોમાં ભારે ભીડનો સામનો કરવો પડ્યો હતો, જેમાં સૌથી વધુ જવાબદાર કારણ ટ્રેનો મોડી હતી, એમ બોરીવલીના રહેવાસીએ જણાવ્યું હતું.
બોરીવલી-વલસાડ ટ્રેન વસઈ સ્ટેશન નજીક અડધો કલાક રોકી દેવામાં આવ્યા પછી એક યૂઝરે સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી હતી, જેના પર રેલવેએ જવાબ આપતા લખ્યું હતું કે ઓએચઈ બ્રેકડાઉનને કારણે બોરીવલી-વલસાડ મેમુ ટ્રેનને વસઈ રોડ અને વલસાડ વચ્ચે કેન્સલ કરવામાં આવી હતી. બપોરના 12.47 વાગ્યાના સુમારે ભાયંદર-નાયગાંવ વચ્ચે ટ્રેનસેવા રાબેતા મુજબ ચાલુ કરવામાં આવ્યા પછી બપોરના 12.52 વાગ્યાના સુમારે સૌથી પહેલી ચર્ચગેટ-વિરાર એસી લોકલ ટ્રેનને રવાના કરવામાં આવી હતી, ત્યાર પછી સમગ્ર કોરિડોરમાં ટ્રેનસેવા રાબેતા મુજબ થઈ હતી, એમ અધિકારીએ દાવો કર્યો હતો.