Sat Sep 12 2026

Logo

હાશઃ યુદ્ધના કારણે ભારતમાં ફસાયેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમની થઈ 'ઘરવાપસી', કોચે નારાજગી વ્યક્ત કરી હતી...

2026-03-15 20:37:43
Author: Mumbai Samachar Team
હાશઃ યુદ્ધના કારણે ભારતમાં ફસાયેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમની થઈ 'ઘરવાપસી', કોચે નારાજગી વ્યક્ત કરી હતી...

નવી દિલ્હીઃ ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે  જાહેરાત કરી હતી કે આઈસીસી ટી-20 વર્લ્ડ કપ પછી ભારતમાં ફસાયેલા વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના સભ્યો હવે સુરક્ષિત રીતે ઘરે પરત ફર્યા છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે તેઓને ભારતમાં રોકાવું પડ્યું હતું જેના અંગે વેસ્ટ ઈન્ડિઝના કોચે પણ જોરદાર નારાજગી વ્યક્ત કરતી પોસ્ટ પણ લખી હતી.

અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વેસ્ટઈન્ડિઝના ખેલાડીઓ ટી-20 વર્લ્ડકપ પછી સ્વદેશ પરત ફરી શક્યા નહોતા. વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકાની ટીમો કોલકાતામાં ફસાઈ ગઈ  હતી. આ દુબઈમાં એરસ્પેસ અને એરપોર્ટ બંધ થવાને કારણે થયું હતું. વેસ્ટ ઈન્ડિઝે 1 માર્ચે કોલકાતામાં ટી-20 વર્લ્ડ કપની પોતાની છેલ્લી મેચ રમી હતી. આઈસીસીએ ગુરુવારે જાહેરાત કરી હતી કે ખેલાડીઓનું અંતિમ ગ્રુપ પણ રવાના થઈ ગયું છે.

ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે પુષ્ટી કરી હતી કે ટુર્નામેન્ટમાં વેસ્ટ ઈન્ડિઝ ટીમનો ભાગ રહેલા તમામ ખેલાડીઓ અને ટીમ મેનેજમેન્ટ સભ્યોએ તેમની મુસાફરી પૂર્ણ કરી છે અને પોતપોતાના સ્થળોએ પહોંચી ગયા છે. ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના છેલ્લા ગ્રુપે તેમની યાત્રા પૂર્ણ કરી છે અને હવે સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચી ગયા છે."

આ અઠવાડિયાની શરૂઆતમાં વેસ્ટ ઇન્ડિઝના નવ ખેલાડીઓ રવાના થયા હતા, જ્યારે બાકીના 16 ખેલાડીઓ માટે કમર્શિયલ ફ્લાઇટ્સ બુક કરવામાં આવી છે. ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે ખેલાડીઓ અને સ્ટાફના પરત ફરવામાં મદદ અને સંકલન કરવા બદલ આઈસીસી અને અન્ય હિસ્સેદારોનો આભાર માન્યો હતો. ભારતમાં ફસાઈ જવાના કારણે વેસ્ટ ઇન્ડિઝના મુખ્ય કોચ ડેરેન સેમીએ આઈસીસી તરફથી કોઈ માહિતી ન મળવા પર નારાજગી વ્યક્ત કરી હતી.