બંગાળની હાર સાથે મમતા બેનરજીના રાજકીય અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો છે તો તમિળનાડુમાં પણ દ્રવિડિયન રાજકારણમાં રૂપેરી પડદાના સુપરસ્ટાર ‘થલપતિ’ વિજયના રૂપમાં નવા પરિબળનો ઉદય સંકેત છે.
મમતાના પરાજય અને વિજયના વિજય માટેનાં કારણો સ્પષ્ટ છે અને એમાંય આ વખતે ‘રેવડી’નારાજકારણે નિર્ણાયાત્મક ભાગ ભજવ્યો છે.
- વિજય વ્યાસ
દેશનાં પાંચ રાજ્ય પશ્ર્ચિમ બંગાળ, આસામ, તમિળનાડુ, કેરળ અને પુડુચેરી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ આવી ગયાં. આ પરિણામોમાં પશ્ર્ચિમ બંગાળ અને તમિળનાડુનાં પરિણામોની સૌથી વધારે ચર્ચા છે.
પશ્ર્ચિમ બંગાળમાં છેલ્લા એક દાયકાથી મમતા બેનરજીને હરાવવા માટે મથતા ભાજપને સફળતા મળી છે અને મમતાનો સાથ છોડીને ભાજપમાં આવી ગયેલા શુભેન્દુ અધિકારી નવા મુખ્ય પ્રધાન પણ બની ગયા છે. બંગાળની હાર સાથે મમતા બેનરજીના રાજકીય અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો છે તો તમિળનાડુમાં પણ દ્રવિડિયન રાજકારણમાં વિજયના રૂપમાં નવા પરિબળનો ઉદય થવાનાં સંકેત મળી રહ્યાં છે. તમિળનાડુના રાજકારણમાં વરસોથી ‘ડીએમકે’ અને ‘એઆઈએડીએમકે’ એ બે દ્રવિડિયન વિચારધારા ધરાવતા રાજકીય પક્ષોનો પ્રભાવ રહ્યો છે. વિજય પણ આ જ વિચારધારા ધરાવે છે તેથી તમિળનાડુના મતદારો દ્રવિડિયન વિચારધારા છોડીને ભાજપની હિંદુત્વની વિચારધારા તરફ હજુ નથી વળ્યા. પણ દ્રવિડિયન વિચારધારામાં પણ હવે તેમણે જૂના પક્ષોને બદલે નવા વિકલ્પની અજમાયશ કરવાનું નક્કી કર્યું એ વાત મહત્ત્વની છે.
પશ્ર્ચિમ બંગાળ અને તમિળનાડુ બંનેનાં પરિણામોમાં એક સામ્યતા એ છે કે, વરસોથી જામેલા નેતાઓ અને રાજકીય પક્ષોને ઉખાડી ફેંકી મતદારોએ પરિવર્તનને પસંદ કર્યું છે. પશ્ર્ચિમ બંગાળમાં મમતા છેલ્લાં 15 વર્ષથી સત્તામાં હતાં. બંગાળીઓએ મમતાને તગેડીને ભાજપને સત્તા સોંપી છે. તમિળનાડુ તો 1969માં અસ્તિત્વમાં આવ્યું ત્યારથી અત્યાર સુધી એટલે કે 57 વર્ષથી ડીએમકે અને એઆઈએડીએમકેની જ સરકારો આવ્યા કરે છે. તમિળનાડુ એ પહેલાં મદ્રાસ સ્ટેટ કહેવાતું. ડીએકેના સી.એમ. અન્નાદુરાઈ મદ્રાસ સ્ટેટમાં 1967માં મુખ્ય પ્રધાન બનેલા ને પછી નવા બનેલા તમિળનાડુના પણ પહેલા મુખ્ય પ્રધાન હતા એ જોતાં 60 વર્ષથી ડીએમકે અને એઆઈએડીએમકે સિવાય ત્રીજા પક્ષને બહુમતી કે સૌથી વધારે બેઠકો જ મળી નથી. તમિળ પ્રજાએ 60 વર્ષથી જામેલા આ બંને પક્ષોને ઉખાડીને સાવ નવાસવા અને રાજકારણનો કોઈ અનુભવ જ નથી એવા વિજયને પસંદ કર્યો એ બહુ મોટી ઘટના કહેવાય.
પશ્ર્ચિમ બંગાળ અને તમિળનાડુમાં આ પરિવર્તન કેમ આવ્યું એ સમજવા જેવું છે. બંગાળમાં ડાબેરીઓએ 35 વર્ષ સુધી શાસન કર્યું એ દરમિયાન બેફામ ગુંડાગીરી કરી અને કોઈ પણ પ્રકારનો વિકાસ ના કર્યો. સત્તા ટકાવવા માટે બેફામ બનેલા ડાબેરીઓએ બંગાળમાં જંગલારાજ જ કરી નાખેલું. ડાબેરીઓએ સેક્યુલારિઝમના નામે ભરપૂર મુસ્લિમ તુષ્ટિકરણ પણ કર્યું. કૉંગ્રેસમાં તેમની સામે લડવાની તાકાત નહોતી પણ મમતાએ બાંયો ચડાવી તેથી ડાબેરી વિરોધી મતદારોને તેમનામાં પોતાના મસિહા દેખાયા. મમતાએ ડાબેરીઓ સામે ધીરજથી પણ આક્રમક લડત આપી અને 15 વર્ષ ઝઝૂમ્યા પછી ડાબેરીઓને ઉખાડી ફેંકવામાં સફળતા મેળવી કેમ કે લોકોને બીજા કોઈ પક્ષમાં ડાબેરીઓ સામે ટક્કર લેવાનો દમ નહોતો લાગતો.
મમતા સત્તામાં આવ્યાં ત્યારે લોકોને વિકાસની આશા હતી પણ મમતા ડાબેરીઓને રસ્તે જ ચાલ્યાં. મમતાએ વિકાસ કરીને લોકોનાં જીવન બદલવાના બદલે ગુંડાગીરી કરીને અને લોકોમાં પ્રાંતવાદનો ઉન્માદ પેદા કરીને સત્તા ટકાવવાનો રસ્તો અપનાવ્યો. મમતા અહંકારી પણ બહુ છે તેથી પોતાની સામે કોઈને ગણતાં જ નહોતાં. શરૂઆતમાં મમતા સૌને સાથે લઈને ચાલ્યાં પણ પછી તેમણે પણ સેક્યુલારિઝમના નામે મુસ્લિમ તુષ્ટિકરણ અપનાવ્યું તેથી હિંદુઓ નારાજ હતા. ભાજપે આ મુદ્દો ઉપાડી લીધો તેથી મમતા વિરોધી મતો સાગમટે ભાજપ તરફ વળી ગયા તેમાં મમતાનું તપેલું ચડી ગયું.
તમિળનાડુમાં કથા થોડી અલગ છે. તમિળનાડુમાં હજુય દ્રવિડિયન વિચારધારાનો પ્રભાવ છે, પણ દ્રવિડિયન વિચારધારાના નામે ડીએમકે અને એઆઈએડીએમકેના નેતા પોતે માલદાર થયા. તેની સામે લોકોમાં આક્રોશ છે. જયલલિતાએ બેફામ ભ્રષ્ટાચાર કરીને અબજો ભેગા કર્યા જ્યારે સ્ટાલિનના મારન પરિવારે તો આખું ઔદ્યોગિક સામ્રાજ્ય જ જમાવી દીધું. તમિળનાડુમાં એન્ટરટેઈનમેન્ટથી માંડીને ટેલીકોમ સુધી બધું સ્ટાલિનના પરિવારના કબજામાં છે. આ બધું ભ્રષ્ટાચારથી ભેગું થયેલું છે તેથી લોકોમાં આક્રોશ હતો. વિજય સુપરસ્ટાર છે ને પોતાની ફિલ્મો દ્વારા ભ્રષ્ટાચાર સામે લડનારા હીરોની ઈમેજ ઊભી કરી છે તેથી લોકો વિજય પર વારી ગયા.
આ પાંચેય રાજ્યોની ચૂંટણીનાં પરિણામોમાં ઊડીને આંખે વળગે એવું એક પરિબળ રેવડી કલ્ચરનો વધતો પ્રભાવ છે. પશ્ર્ચિમ બંગાળ અને તમિળનાડુ એ બંને રાજ્યોમાં ચોંકાવનારાં પરિણામો આવ્યાં તેમાં રેવડી કલ્ચરનું યોગદાન બહુ મોટું છે. બંગાળમાં ભાજપે અને તમિળનાડુમાં વિજયની ટીવીકેએ લોકોને સીધા ફાયદાનાં વચનોની મન મૂકીને લહાણી કરી હતી. ભાજપે બંગાળમાં મહિલાઓ અને બેરોજગાર યુવાનોના ખાતામાં દર મહિને 3000 રૂપિયા જમા કરાવવાનું વચન આપ્યું છે.
કેન્દ્ર સરકાર દર વરસે ખેડૂતોના ખાતામાં 6 હજાર રૂપિયા જમા કરાવે છે. ભાજપે ખેડૂતોના ખાતામાં દર વરસે વધારાના 3000 રૂપિયા જમા કરાવીને કુલ રકમ 9 હજાર કરવાનું પણ વચન આપ્યું છે. આ ઉપરાંત ચોખાના પાક માટે પ્રતિ ક્વિન્ટલ 3100 રૂપિયા લઘુત્તમ ટેકાના ભાવ (મિનિમમ સપોર્ટ પ્રાઈસ-એમએસપી) રાખવાનું પણ વચન આપ્યું છે. આ સિવાય તમામ લોકો માટે આયુષ્માન યોજનાનો અમલ સહિતનાં બીજાં પણ ઢગલાબંધ વચનોની ખેરાત કરીને ભાજપે મતદારોને પોતાની તરફ આકર્ષ્યા છે.
તમિળનાડુમાં વિજયની પાર્ટી ટીવીકેએ તો વચનોની લહાણી કરવામાં પાછું વળીને જોયું જ નથી. સૌથી મોટું વચન પરિવારની મુખ્ય મહિલાના ખાતામાં દર મહિને 2500 રૂપિયા જમા કરાવવાનું છે અને સરકારી કર્મચારી ના હોય એવી તમામ મહિલાઓને 60 વર્ષની ઉંમર સુધી આ રકમ મળશે. લગ્ન કરી રહેલી દરેક દીકરીને સરકાર તરફથી 8 ગ્રામ સોનું અપાશે, જ્યારે દરેક નવજાત શિશુને સોનાની વીંટી અપાશે. સોનાના ભાવ અત્યારે આસમાને છે એ જોતાં 8 ગ્રામ સોનું સવા લાખનું થયું ને વીંટી પણ કાઢી નાખતાં ત્રીસ-ચાલીસ હજારની થાય એ જોતાં કોઈ પણ લલચાઈ જાય. આ સિવાય દરેક ઘરમાં વરસે રાંધણગેસના છ સિલિન્ડર પણ સાવ મફતમાં અપાશે. ધોરણ 12 સુધીની વિદ્યાર્થીઓને વરસે 15 હજાર રૂપિયા અપાશે. આ રકમ પણ સીધી માતાના ખાતામાં જમા થશે કે જેથી સ્કૂલમાંથી દીકરીને ભણવામાંથી ઉઠાવી ના લેવાય. સ્કૂલોમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવાના નામે મહિલાઓના ખાતામાં સીધી રકમ જમા કરાવવાનો આ દાવ પણ વિજયને ફળ્યો છે.
બીજાં રાજ્યોમાં પણ આ પ્રકારનાં વચનો અપાયાં જ હતાં. કેરળમાં કૉંગ્રેસે કોલેજ જતી છોકરીઓને મહિને 1000 રૂપિયાની સહાય અને બસમાં મફત મુસાફરી, મહિલાઓના ખાતામાં મહિને 3000 રૂપિયા ઉપરાંત પરિવારના વૃદ્ધોને મહિને 3000 રૂપિયાનું પેન્શન, પરિવારદીઠ 25 લાખ રૂપિયાનું હેલ્થ કવર, યુવાનોને બિઝનેસ શરૂ કરવા માટે પાંચ લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન સહિતનાં વચનો આપીને જીત મેળવી છે.
આ તો મહત્ત્વનાં વચનોની વાત કરી, બાકી રોજગારી ને બીજા નાના નાના ફાયદાનાં તો સંખ્યાબંધ વચનો અપાયાં છે. આ પૈકી મોટા ભાગનાં વચનોમાં કેન્દ્રસ્થાને મહિલાઓ છે તેથી ભાજપ, વિજય અને કૉર્ંગ્રેસ ત્રણેયને મહિલા મતદારો ફળી છે.
ભાજપ એક સમયે રેવડી કલ્ચરની મજાક ઉડાવતો પણ હવે એ પોતે જ રેવડીઓની ખેરાત કરે છે એ વિધિની વક્રતા કહેવાય, પણ તેમાં કશું ખોટું નથી. સરકાર વિકાસ કાર્યો પાછળ પૈસા ખર્ચે છે તેમાંથી મોટા ભાગના ચવાઈ જાય છે ને લોકોને કોઈ ફાયદો મળતો નથી. તેના બદલે અહીં તો કોઈ વચેટિયા વિના લોકોના ખાતામાં સીધાં નાણાં જાય છે એ સારું જ છે. કોઈ વચેટિયા વિના સીધા લોકોને નાણાં મળે તો લોકો પોતાની જરૂરીયાત પ્રમાણે ખર્ચી શકે એ જોતાં આ સિસ્ટમ ખોટી નથી. તેનો લાભ સમાજના ચોક્કસ વર્ગને જ મળે છે પણ એ વર્ગ જ સૌથી જરૂરિયાતમંદ છે તેથી આ રીતે પણ સરકાર લોકોને ફાયદો કરાવી શકતી હોય તો એ સારું જ છે. તેના કારણે સરકારી તિજોરી પર બોજ વધે પણ કરચોરી રોકીને એ બોજ ઓછો કરી શકાય છે એ જોતાં રેવડી કલ્ચર સાવ ખરાબ તો નથી...