Sat May 09 2026

Logo

પશ્ચિમ બંગાળના સીએમ સુવેન્દુ અધિકારીએ કાયદો વ્યવસ્થાની સ્થિતીની સમીક્ષા કરી

2026-05-09 22:44:54
Author: Chandrakant Kanoja
Article Image

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બન્યા બાદ  સુવેન્દુ અધિકારી  એકશનમાં આવ્યા છે. તેમજ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતીની સમીક્ષા માટે બેઠક  બોલાવી હતી. તેમણે  મુખ્ય સચિવ દુષ્યંત નારિયાલા, પોલીસ મહાનિર્દેશક સિદ્ધનાથ ગુપ્તા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ ઉપરાંત નિવૃત આઇએએસ સુબ્રત ગુપ્તાને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

કોલકાતા પોલીસ કમિશનર અજય નંદ પણ હાજર 

આ બેઠકમાં કોલકાતા પોલીસ કમિશનર અજય નંદ પણ  હાજર હતા. આ ઉપરાંત સૂત્રોએ  જણાવ્યું હતું કે મુખ્યમંત્રી સુવેન્દુએ પાછલી તૃણમૂલ કોંગ્રેસ સરકાર દ્વારા શરૂ કરાયેલી વિવિધ યોજનાઓના અમલીકરણ અંગે પણ માહિતી માંગી  હતી. તેમજ મુખ્ય સચિવને આ યોજનાઓ સરળતાથી અને કોઈપણ અવરોધ વિના ચાલુ રહે તે  સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો. 

પોલીસ વહીવટીતંત્ર સાથેની પ્રથમ બેઠક હશે

આ ઉપરાંત સીએમ સુવેન્દુ અધિકારી સોમવારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની વ્યાપક સમીક્ષા માટે એક મોટી બેઠક કરશે. જેમાં  રાજ્યના ડીજી, સીપી અને એસપીની આ બેઠક સાંજે 5 વાગ્યે યોજાવાની છે. આ મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીની પોલીસ વહીવટીતંત્ર સાથેની પ્રથમ બેઠક હશે. આ બેઠક ચૂંટણી પછીની હિંસાને પગલે મહિલાઓની સુરક્ષા તેમજ રાજ્યમાં એકંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચાઓ પર કેન્દ્રિત હશે.

સુબ્રત ગુપ્તાને સીએમના મુખ્ય સલાહકાર નિયુક્ત કરાયા 

આ દરમિયાન, નિવૃત્ત આઇએએસ અધિકારી સુબ્રત ગુપ્તાને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શનિવારે જાહેર કરાયેલા એક જાહેરનામામાં આ માહિતી આપવામાં આવી હતી. જાહેરનામા અનુસાર વર્ષ 1990 બેચના અધિકારી ગુપ્તાને ચૂંટણી પંચ દ્વારા  વિધાનસભા ચૂંટણીઓ પહેલાં હાથ ધરવામાં આવેલા SIR ની દેખરેખ માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા.