નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. આ માટેની તૈયારીઓ ભારતીય જનતા પાર્ટીએ શરૂ કરી દીધી છે. આ ચૂંટણીને લઈને ભાજપમાં બેઠકનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીને લઈ દિલ્હીમાં ભાજપની કોર કમિટીની બેઠક યોજાશે જેમાં ઉમેદાવારોના નામને લઈ ચર્ચા થશે. કેટલા ઉમેદવારને ફાઈનલ કરવા અને કોને પ્રાધાન્ય મળશે એ અંગે ચર્ચા વિચારણા થશે.
પશ્ચિમ બંગાળમાં કમળ ખીલવવા પ્રયાસ
પશ્ચિમ બંગાળમાં કમળ ખીલવવા માટે ભારતીય જનતા પાર્ટી એક્શન મોડ પર છે. દિલ્હીમાં યોજાનારી ભાજપની બેઠકને લઈને અનેક ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા બંગાળના ભાજપના કોર ગ્રૂપના નેતાઓ પણ જોડાશે. આ બેઠકમાં ઉમેદવારોના નામ પર મનોમંથન થાય એવી પૂરી શકયતા છે. બંગાળના મુદ્દાઓને લઈને ભાજપ સતત ટીએમસી પર પ્રહાર કરતી રહે છે. કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ આરોપ લગાવ્યો હતો કે, બંગાળમાં કાયદો અને વ્યવસ્થા ખતમ થઈ ચૂકી છે.
રાજ્ય સરકાર પર વાર
જે.પી.નડ્ડાએ ઉમેર્યું હતું કે, બંગાળમાં રાજ્ય સરકાર, ન્યાય પાલિકા, ચૂંટણી આયોગ તથા લોકતાંત્રિક પ્રક્રિયાનું સન્માન કરતી નથી. બંગાળમાં આઈએએસને લઈને ઊભી થયેલી પરિસ્થિતિને લઈ બંગાળ સરકાર પોતે જ જવાબદાર છે. એક મુખ્યમંત્રી તરીકે મહિલા હોવા છતા આટલા કઠોર પગલાં કેમ લેવાઈ રહ્યા છે? કારણ કે બંગાળ દેશનું એવું રાજ્ય બની રહ્યું છે જ્યાં નિયમ કે કાયદો ખતમ થઈ રહ્યા છે. રાજકીય મર્યાદાઓનું પણ સન્માન કરવામાં આવતું નથી. ન્યાય પાલિકાઓમાં પણ ધમકીઓ આપવામાં આવી રહી છે જે યોગ્ય નથી. બંગાળના મુખ્યમંત્રીએ મહિલા રાષ્ટ્રપતિનું અપમાન કર્યું છે. કાયદા પ્રત્યે પણ કોઈ સન્માન કરવામાં આવ્યું નથી. આવી પરિસ્થિતિ પ્રજા માટે યોગ્ય નથી.