Fri Sep 04 2026

Logo

બંગાળમાં મમતાના ભત્રીજાની 5 માળની ઓફિસ ઓફિસ પર ફર્યું બુલડોઝર! જુઓ Video

2026-07-18 17:40:30
Author: Devayat Khatana
બંગાળમાં મમતાના ભત્રીજાની 5 માળની ઓફિસ ઓફિસ પર ફર્યું બુલડોઝર! જુઓ Video

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની સરકાર સત્તા પરથી હટતાની સાથે જ તેમની પાર્ટી TMCના નેતાઓ સામે કડક કાર્યવાહીનો દૌર શરૂ થઈ ગયો છે. નવી રચાયેલી શુભેન્દુ સરકાર દ્વારા મમતા બેનરજીના ભત્રીજા અને લોકસભા સાંસદ અભિષેક બેનરજીના દક્ષિણ 24 પરગના સ્થિત કાર્યાલય પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. આ કાર્યાલય અમતલા-બરુઈપુર રોડ પર આવેલું હતું, જેને પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા કથિત રીતે ગેરકાયદેસર ગણાવીને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

મળતી વિગતો અનુસાર, આજે સવારે વહીવટીતંત્રના બુલડોઝર આ ઓફિસ પર પહોંચી ગયા હતા અને કામગીરી શરૂ કરી દીધી હતી. થોડા દિવસો પહેલા જ વહીવટીતંત્રએ આ ઇમારત પર નોટિસ લગાવીને તેને મંજૂરી વિના બનેલી ગેરકાયદેસર ઇમારત જાહેર કરી હતી. બુલડોઝરની કાર્યવાહી શરૂ થતાં જ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી હતી અને મોટી સંખ્યામાં પોલીસ કાફલાની સાથે ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા. 

સૂત્રોના જણાવ્યા અનુસાર, બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી જ આ કાર્યાલય બંધ હાલતમાં હતું. દક્ષિણ 24 પરગના જિલ્લા પ્રશાસને ગેરકાયદે બાંધકામ અંગે નોટિસ ફટકારી હોવા છતાં, આપેલી સમયમર્યાદામાં ટીએમસી તરફથી કોઈ પ્રતિનિધિ જિલ્લા પરિષદ સમક્ષ હાજર ન થતા પ્રશાસને સરકારી નિયમોનુસાર બિલ્ડિંગ તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરી હતી. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, અમતલા માર્કેટ પાસે આવેલી આ પાંચ માળની ઇમારતનું બાંધકામ પ્રશાસન દ્વારા મંજૂર કરાયેલા પ્લાન વિરુદ્ધ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું, જેના પગલે પ્રશાસને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન બાદ ટીએમસીની મિલકતો પર આ પહેલી કાર્યવાહી નથી; આ અગાઉ ગત 24 મેના રોજ ઈએમ બાયપાસ પાસેના મથપુકુરમાં પણ ટીએમસી પાર્ટીના એક કાર્યાલયને બુલડોઝરની કાર્યવાહીમાં જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું હતું.