Wed Jun 17 2026

Logo

મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: વોર ઝોનમાંથી 2.44 લાખ ભારતીયો પરત ફર્યા સ્વદેશ

2026-03-18 10:52:00
Author: Tejas Rajpara
Article Image

પશ્ચિમ એશિયામાં વધી રહેલા સૈન્ય સંઘર્ષ અને તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ભારત સરકાર પોતાના નાગરિકોની સુરક્ષા માટે એક્શન મોડમાં છે. વિદેશ મંત્રાલય દ્વારા તાજેતરમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, 28 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં યુદ્ધ ગ્રસ્ત વિસ્તારોમાંથી આશરે 2.44 લાખ ભારતીયો સલામત રીતે વતન પરત ફર્યા છે. સરકાર દ્વારા આંતર-મંત્રાલય સ્તરે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે, જેથી મુશ્કેલીમાં મુકાયેલા ભારતીય નાગરિકો, શ્રમિકો અને વિદ્યાર્થીઓને કોઈ પણ અવરોધ વિના ભારત લાવી શકાય.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે નાગરિકોની સુરક્ષિત અવરજવર અંગે મહત્વની અપડેટ આપી છે. તેમણે જણાવ્યું કે ઈરાનથી આશરે 700 જેટલા ભારતીયો આર્મેનિયા અને અઝરબૈજાનના માર્ગે ભારત આવવા રવાના થયા છે. આ ઉપરાંત, ઈરાન ગયેલા 284 પ્રવાસીઓ સફળતાપૂર્વક આર્મેનિયા પહોંચી ગયા છે, જેમાંથી 130 પ્રવાસી આજે દિલ્હી આવી પહોંચશે. જોકે, આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં પાંચ ભારતીયોએ જીવ ગુમાવ્યા હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે, જેમના પાર્થિવ દેહ વતન લાવી પરિવારોને સોંપવામાં આવ્યા છે.

પરિસ્થિતિ ગંભીર હોવા છતાં, વિવિધ દેશોમાંથી ભારત માટેની ફ્લાઈટ્સનું સંચાલન ચાલુ રાખવામાં આવ્યું છે. 16 માર્ચના રોજ માત્ર UAE થી ભારત માટે 65 જેટલી ફ્લાઈટ્સ ઓપરેટ થઈ હતી, અને આગામી દિવસોમાં આ સંખ્યા વધવાની આશા છે. ઓમાનથી પણ ભારતના વિવિધ શહેરો માટે વિમાની સેવાઓ કાર્યરત છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, કંટ્રોલ રૂમ ૨૪ કલાક કાર્યરત છે, પરંતુ સારી વાત એ છે કે હવે મદદ માટે આવતા કોલ્સ અને ઈમેલની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

પશ્ચિમ એશિયાના સંઘર્ષ પર BRICS દેશોના વલણ અંગે વાત કરતા વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે આ સમૂહ સર્વસંમતિના આધારે કામ કરે છે. હાલમાં BRICS ની અધ્યક્ષતા ભારત પાસે છે, પરંતુ આ જૂથમાં ઈરાન અને UAE જેવા દેશો પણ સામેલ હોવાથી, અલગ-અલગ મંતવ્યો વચ્ચે એકસૂત્રતા સાધવી પડકારજનક છે. તેમ છતાં, ભારત તમામ પક્ષો સાથે સતત સંપર્કમાં છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૨૪ થી BRICS માં નવા દેશોના જોડાવાથી તેનું કદ વધ્યું છે અને ૨૦૨૫ માં ઇન્ડોનેશિયા પણ આ ગ્રુપનો હિસ્સો બનશે.