Thu Jun 18 2026

Logo

Video: કેજરીવાલનો પ્રહાર: ગુજરાતમાં ભાજપ ધારાસભ્યોના સગા-વહાલા જ બને છે નેતા

2026-03-26 10:52:00
Author: Mayurkumar Patel
Article Image

અમરેલીઃ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન ગુજરાતની મુલાકાતે છે. ગઈકાલે અમરેલીમાં વિજય વિશ્વાસ સભાને સંબોધન કર્યું હતું. જેમાં કેજરીવાલે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, ગુજરાતમાં ભાજપ ધારાસભ્યના સંબંધીઓ, માનીતાઓ ટિકિટ લઈને ધારાસભ્યો બને છે.

AAP સત્તામાં આવશે તો મહિલાઓને મળશે માસિક ₹1000

અમરેલીના નવા માર્કેટિંગ યાર્ડ પાસે આ જનસભામાં સંબોધન કરતા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં વિધાનસભાની 48 સીટોમાંથી જનતાએ ભાજપને 40 સીટો આપીને ભરપૂર પ્રેમ આપ્યો, પરંતુ બદલામાં ભાજપ જનતાને દંડા મારી રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો 18 વર્ષથી ઉપરની દરેક મહિલાના એકાઉન્ટમાં દર મહિને 1-1 હજાર રૂપિયા જમા કરાવવામાં આવશે. પંજાબની જેમ જ અહીં પણ પરિવારના તમામ સભ્યોને આર્થિક લાભ મળશે.

ભાજપે 30 વર્ષમાં માત્ર લૂંટ મચાવીઃ કેજરીવાલ

ભ્રષ્ટાચારના મુદ્દે તેમણે કહ્યું હતું કે, ભાજપે 30 વર્ષમાં માત્ર લૂંટ મચાવી છે, રસ્તા અને પુલ ટૂંક સમયમાં જ તૂટી જાય છે. ખેડૂતોને સહાયના નામે જાહેર કરાયેલા 10 હજાર કરોડ રૂપિયા ક્યાં ગયા તેવો પ્રશ્ન પણ તેમણે ઉઠાવ્યો હતો. ગુજરાતની જનતાને ભાજપના 30 વર્ષના ભ્રષ્ટાચાર અને કુશાસનથી મુક્ત કરાવવા હું સૌરાષ્ટ્રની પવિત્ર ધરતી પર ભગવાનના આશીર્વાદ લેવા આવ્યો છું.

ગુજરાતમાં સંબંધીઓને જ ટિકિટ મળે છેઃ કેજરીવાલ

કેજરીવાલે કહ્યું કે, પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. ખેડૂતનો દિકરો મુખ્ય પ્રધાન છે. 117માંથી અમારા 96 ધારાસભ્યો છે. તેમાંથી 80થી વધારે પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે. અહીંયા ધારાસભ્યનો દિકરો ધારાસભ્ય, ધારાસભ્યની પત્ની પણ ધારાસભ્ય, ધારાસભ્યનો બાપ પણ ધારાસભ્ય છે. ગુજરાતમાં ભાજપ ધારાસભ્યના સંબંધીઓ, માનીતાઓ ટિકિટ જ મળે છે. શું તમારા દિકરાઓને ટિકિટ આપે છે? આમ આદમી પાર્ટી તમારા દિકરાઓને ટિકિટ આપે છે, તમારી સરકાર બનાવે છે. સામાન્ય લોકોના મુદ્દે ઉઠાવે છે.

ભાજપ અને કોંગ્રેસ માત્ર લોકોને લડાવવાનું કામ કરે છેઃ ભગવંત માન

પંજાબના મુખ્ય પ્રધાનભગવંત માને જણાવ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસ માત્ર લોકોને લડાવવાનું કામ કરે છે, જ્યારે આમ આદમી પાર્ટી બાળકોને ભણાવવા અને ખેડૂતોની સમસ્યા દૂર કરવા આવી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે દેશની હાલત અત્યારે ખરાબ છે અને પેટ્રોલ પંપો પર લાઈનો લાગી રહી છે.