સુરતઃ શહેરમાં એક ચેતવણીજનક ઘટના સામે આવી હતી. વરસાદમાં નાહીને આવતા યુવકનું કરંટથી મોત થયું હતું. મિત્રને બચાવવા દોડેલો પાડોશી પણ ગુજરી ગયો હતો.
કેવી રીતે બની ઘટના
ગઈકાલે સાંજે સુરતમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. આ દરમિયાન રાંદેરગામની સુઝાતખાન સ્ટ્રીટમાં રહેતો 28 વર્ષીય યુવક બહાર વરસાદમાં નાહીને ભીના કપડે ઘરમાં આવતો હતો. આ સમયે ઘરની લોખંડની સીડી ચઢતી વખતે કરંટની ચપેટમાં તે આવી ગયો હતો અને ચીસાચીસ કરવા લાગ્યો હતો. તેની ચીસ સાંભળીને પડોશમાં રહેતો મિત્ર પણ બચાવવા આવ્યો હતો.
આ મિત્ર જેવો તેનો અડ્યો ભીના શરીરના કારણે કરંટ તેને પણ લાગ્યો હતો. બંને મિત્રો ત્યાં જ ઢળી પડ્યા હતા. આસપાસના લોકોએ વીજળી બંધ કરાવીને બંને મિત્રોનો હૉસ્પિટલ પહોંચાડ્યા હતા. ડૉક્ટરોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાથી બંને મૃતકના પરિવારજનો શોકમગ્ન થઈ ગયા હતા અને હૈયાફાટ રૂદન કર્યું હતું.
ઘટના અંગે મૃતકના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, તેઓ જે મકાનમાં ભાડે રહેતા હતા તે આખા પરિસરમાં કરંટ આવતો હતો. આ અંગે મકાન માલિકને બે-ત્રણ વાર ફરિયાદ કરવા છતાં તેમણે કોઈ ધ્યાન આપ્યું નહોતું, તેઓ ફક્ત ભાડું ઉઘરાવવામાં જ રસ રાખતા હતા. અત્યારે મકાન માલિક એવું બહાનું કાઢી રહ્યા છે કે આકાશમાંથી વીજળી પડી હતી, પણ જો વીજળી પડી હોત તો શરીર બળી ગયું હોત. મકાન માલિકની બેદરકારીના કારણે જ આ મોત થયા છે.
સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે સાંજે વીજળીના કડાકા થતા હોવાથી કદાચ આકાશી વીજળી પડવાના કારણે આ બન્યું હોઈ શકે છે. પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધીને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. મોતનું સાચું કારણ પીએમ રિપોર્ટ આવ્યા પછી જ ખબર પડશે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે, આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં સુરત શહેરમાં સુરત શહેરમાં 5.39 ઇંચ વરસાદ પડ્યો હતો. જેમાં સાંજે 4 થી 6 ના સમયગાળામાં જ 4 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો હતો. આજે સવારે 6 થી 8 ના સમયગાળામાં પણ સુરત શહેરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.