પાલિતાણાના મોટા ગરાજિયા ગામે સિંહે પાછળથી હુમલો કરીને કાળુભાઈ પરમાર નામના માલધારીને પછાડી દીધા. તેના બંને પગ પર સિંહે પોતાના આગલા પગ રાખી દીધા. તેનો ડાબો હાથ પોતાના મોઢામાં પકડી લીધો. જોનારાના જીવ તાળવે ચોંટી ગયા. જોકે માલધારી હિંમત હાર્યો નહોતો અને જીવ બચાવવા સિંહને હાથ ફેરવતો હતો. સિંહણે પગને આંટી મારી ડણક મારી હતી. આ સમયે આસપાસ ઉભેલા લોકો તેને બચાવવા બૂમો પાડતા હતા તેમજ પથ્થરના ઘા માર્યા હતા.અડધો કલાક પછી સિંહ માલધારીને છોડીને ચાલ્યો ગયો.
સૌરાષ્ટ્રમાં થોડા દિવસોથી સાવજના માનવી પર હુમલાના કિસ્સા સતત વધી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગરાજીયા ગામે રહેતા માલધારી કાળુભાઈ ગમારા તેમના ઘરે હતા ત્યારે અચાનક સિંહણ આવી ચડી હતી અને હુમલો કર્યો હતો. છેલ્લા એક મહિનામાં સાવજોએ 4 માણસોનો શિકાર કર્યો છે. ત્યારે આ ઘટનામાં સિંહે માલધારીને કેમ છોડી દીધો, આવો વિસ્તારથી જાણીએ.
6 જુલાઈ, સોમવારે સવારે સાડા આઠ વાગ્યા આસપાસ આ ઘટના બની. પાલિતાણા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ, સોનપરી ગામમાંથી સિંહ મારણ કરીને બાજુના મોટા ગરાજિયા ગામમાં આવી ચડ્યા હતા. સિંહ-સિંહણ મળીને ત્રણ પ્રાણીને ગામના લોકોએ જોયા હતા, જેમાંથી બે પોતાના વિસ્તાર તરફ નીકળી ગયા હતા. એક સિંહ પાછળ રહી ગયો હતો અને મોટા ગરાજિયા ગામમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે તે અચાનક ભડક્યો.
જાણકારો શું કહે છે
જાણકારોના મતે સામાન્ય રીતે સિંહ માણસો પર હુમલો કરતો નથી. ગીરના માલધારી અને સિંહોનું સહઅસ્તિત્વ જાણીતું છે.સિંહ ડણક કરીને આગળ વધે છે. વન્ય પ્રાણીની વસ્તી વધે તો તે જંગલ બહાર જવાની જ. જંગલમાં પ્રાણીઓ વચ્ચે પણ વર્ચસ્વને લઈને સ્પર્ધા હોય છે.સિંહો માનવો સાથે રહેવા ટેવાયેલા છે. પણ તેની કોઈ પજવણી કરે અથવા તો તે બીમાર હોય તો હુમલો કરે છે.
સિંહે માલધારીને કેમ છોડ્યો
મોટા ગરાજિયા ગામના લોકોએ પણ સ્થાનિક મીડિયા સામે એવું કહ્યું છે કે, એક સિંહ ને બીજા બે સિંહ-સિંહણ હતા. ત્રણેય સોનપરી ગામની દિશામાંથી મારણ કરીને આવતા હતા. એનો મતલબ એ થયો કે સિંહનું પેટ ભરેલું હતું અને એટલે માણસને છોડી દીધો.
પર્યાવરણવિદ્દના મતે સિંહની શિકારની વૃત્તિ છે, તે મારણ કરે છે એ બઘું સાચું પણ સિંહની પ્રકૃતિ ચોપગા જાનવરોને જ મારવાની છે. માણસને મારીને શિકાર કરવાની વૃત્તિ સિંહની ક્યારેય રહી જ નથી. સિંહ મોટાભાગે અંધારામાં રાતના સમયે શિકાર કરે છે.
મોટા ગરાજિયા ગામમાં સિંહ પહોંચ્યો ત્યારે સવાર પડી ગઈ હતી. ગામના લોકોની ચહલ-પહલ તેજ થઈ ગઈ હતી. લોકોએ સિંહને જોઈએ રાડારાડી ન કરી હોત તો એ શાંતિથી પોતાના વિસ્તારમાં જતો રહેત.
જૂન મહિનામાં જે ચાર ઘટનામાં સિંહે માણસનો શિકાર કર્યો તે ઘટનામાં સિંહ પર દોષારોપણ કરવામાં આવી રહ્યું છે પણ આ એક ઘટનાએ સાબિત કરી આપ્યું છે કે તમે સિંહ સાથે જેવો વ્યવહાર કરો તેવો વ્યવહાર તે કરે જ છે.
પર્યાવરણ વિદોના મતે સિંહનો મૂળભૂત સ્વભાવ માણસને ખાવાનો નથી. સિંહ અને માલધારી પરિવારો વર્ષોથી ગીરમાં સાથે રહે છે. કોઈ એવું કારણ હોય તો જ સિંહ માણસ પર હુમલો કરે છે પણ માણસને પછાડીને તેનું વાછરડાંની જેમ મારણ કરે એવું સામાન્ય રીતે બનતું નથી.
ગીર જંગલમાં ગેરકાયદે હોમસ્ટે, રિસોર્ટની સંખ્યા વધવાના કારણે સિંહોના કોરિડોર બ્લોક થઈ ગયા છે. એટલે તે ગ્રેટર ગીર તરફ આગળ વધી રહ્યા છે. ગ્રેટર ગીર એટલે ગીર જંગલ બહારનો ગામડાંનો વિસ્તાર. ગીર ફોરેસ્ટનો એરિયા 1412.13 સ્ક્વેર કિલોમીટરનો છે. ગીરમાં સિંહ છંછેડાયેલા છે, તેનું સૌથી મોટું કારણ ગેરકાયદે લાયન શો છે.