Mon Jul 27 2026

Logo

ખાડી દેશોમાં ઈરાનના ડ્રોન-મિસાઈલ હુમલાની ધ્રૂજારી કચ્છ સુધી, ખાડી દેશોમાં વસે છે હજારો કચ્છીઓ

2026-03-03 10:59:00
Author: Mumbai Samachar Team
Article Image

 

ભુજઃસોળમી સદીમાં એક સમયે ધમધમતા કચ્છના માંડવી બંદરેથી માત્ર ૬૦૦ દરિયાઈ નોટિકલ માઈલ દૂર, ઈરાન દ્વારા ખાડી દેશો પર સતત કરાતા મિસાઈલ્સ-ડ્રોન એટેકની આતશબાજી ચાલી રહી છે ત્યારે માંડવી સહીત કચ્છના અનેક શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાંથી રોજી-રોટી માટે મસ્ક્ત,દુબઇ,શારજહાં, બહેરીન, અબુધાબી સહિતના અખાતી વિસ્તારોમાં સ્થાયી થયેલા કચ્છી પરિવારો ભારે ચિંતામાં આવી પડ્યા છે અને ઉચાટની લાગણી ફરી વળી છે.

પશ્ચિમ એશિયા સુધી વિસ્તરેલા ઈરાન-અમેરિકા, ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધને લઈને અખાતી દેશોમાં રોજગારી અર્થે વસતા ભારતીયો, ખાસ કરીને કચ્છી માડુઓમાં ભારે ફાળ પડી છે. કતાર, દોહા, દુબઈ, શારજાહ અને બહેરીન જેવા વિસ્તારોમાં વર્ષોથી સ્થાયી થયેલા હજારો કચ્છી પરિવારો અત્યારે અનિશ્ચિતતાના માહોલમાં જીવી રહ્યા છે.

દુબઈ અને શારજાહમાં કચ્છી લોહાણા, મુસ્લિમ ખત્રી, અને મિસ્ત્રી સમાજના અંદાજે ૫૦,૦૦૦થી વધુ લોકો વસે છે. જ્યારે કતાર અને બહેરીનમાં પણ મોટી સંખ્યામાં કચ્છીઓ વ્યાપાર અને ટેકનિકલ ક્ષેત્રે જોડાયેલા છે.  યુદ્ધને કારણે ભારત પરત ફરવા માંગતા લોકો માટે વિમાની ટિકિટના ભાવમાં તોતિંગ વધારો થયો છે. કચ્છમાં રહેતા પરિવારો પોતાના સ્વજનો સાથે સતત વીડિયો કોલ અને ફોન દ્વારા સંપર્ક કરી રહ્યા છે.

શારજાહ અને દુબઈના બજારો પર અત્યારથી જ મંદી વકરતાં સ્થાનિક કચ્છી વેપારીઓમાં ચિંતા જોવા મળી રહી છે. કચ્છની વિવિધ સામાજિક સંસ્થાઓ અને અગ્રણીઓએ ભારત સરકાર અને વિદેશ મંત્રાલયને અપીલ કરી છે કે જો સ્થિતિ વધુ વણસે, તો અખાતી દેશોમાં ફસાયેલા કચ્છીઓ માટે ખાસ 'રેસ્ક્યુ ફ્લાઈટ્સ'ની વ્યવસ્થા કરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, દુબઇ અને શારજહાં ખાતે અંદાજે ૩૦,૦૦૦,દોહા-કતાર ખાતે ૧૦,૦૦૦ અને બહેરીન જેવા વિસ્તારમાં આશરે ૫૦૦૦ જેટલા કચ્છી પરિવારો સ્થાયી થયેલા છે જેને લઈને કચ્છના ભુજ સહીત માંડવી-મુંદરા, અબડાસા, લખપત, વાગડ પંથક જેવા વિસ્તારોમાં લોકો ભારે ચિંતાતુર બન્યા છે.

સૌથી વધુ ચિંતા કચ્છના પટેલ ચોવીસી તરીકે ઓળખાતા ગામોમાં ફેલાઈ છે. કારણ કે, આ પટેલ ચોવીસીમાં આવેલાં નારાણપર, સુખપર, માનકુવા જેવા ગામોમાંથી મોટી સંખ્યામાં, ખાસ કરીને લેવા પટેલ સમાજના પરિવારો ગલ્ફ દેશોમાં સ્થાયી થયા છે. 

ઉલ્લેખનીય છે કે, બંદરીય માંડવી,મુંદરા કે કંડલા તરફથી અરબી સમુદ્રમાં ઈરાન તરફ જતા માત્ર ૬૦૦ નોટિકલ માઈલ દૂર દુબઈનું જેબેલ અલી બંદર આવે છે અને આ બંદરની આસપાસ અમેરિકા-ઇઝરાયલ દ્વારા ઈરાન સામે ચલાવાતા 'ઓપરેશન એપિક ફ્યુરી'ને લઈને આ દરિયામાં મોટી સંખ્યામાં અમેરિકી યુદ્ધ જહાજો, સબમરીન્સ, મોજુદ છે.

(ઉત્સવ વૈદ્ય)