Thu Jun 18 2026

Logo

યુદ્ધની અસરઃ રો મિટિરિયલના અભાવે પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રી ભારે ભીંસમાં, પેકેજિંગને અસર થતાં સેંકડો કામ અટકશે

2026-03-17 08:31:00
Author: Pooja Shah
Article Image

 

અમદાવાદઃ પશ્ચિમ  એશિયામાં ચાલી રહેલા યુદ્ધના 17 દિવસ વીતી ગયા છે. ગેસ કટોકટીને કારણે વેપાર-ધંધા અને જનજીવન પર વ્યાપક અસર જોવા મળે છે, ત્યારે ગેસની અછત ઉપરાંત વિવિધ રૉ મટિરિયલની અછત પણ સર્જાઈ છે, જેને લીધે ઉદ્યોગોને ફટકો પડ્યો છે. આ સ્થિતિનો માર પ્લાસ્ટિક ઉદ્યોગ પણ સહન કરી રહ્યો છે. પ્લાસ્ટિકના દાણા સહિતના વિવિધ રો મટિરિયલનો અભાવ અને ભાવવધારો મેન્યુફેક્ચરર અને સાથે જોડાયેલા તમામને અસર કરી રહ્યો છે.

પેટ્રોકેમિકલ્સ ઈન્ડસ્ટ્રીને વ્યાપક અસર થતા મટિરિયલ ઘણું જ ઓછું ઉપલબ્ધ છે અને ભાવ વધી જતા દરેકને પોષાય તેમ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે દૂધથી માંડી વેફર કે સાડી કે પછી મોટી ઓનલાઈન પ્લેટફોર્મ્સને પેકેજિંગ માટે વિવિધ પ્લાસ્ટિક મટિરિયલની જરૂર પડે છે, આથી પ્લાસ્ટિક ઉદ્યોગ જ નહી, પરંતુ સાથે જોડાયેલા ઘણા ઉદ્યોગોને અસર પડી શકે છે. હાલમાં જેટલું મટિરિયલ ઉપલબ્ધ છે, તેનો ઉપયોગ થઈ રહ્યો છે, પરંતુ આવનારા સમયમાં  મિટિરિયલ મેન્યુફેક્ચરર માટે મોટી ઉપાધિનું કારણ બની શકે છે, તેમ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો જણાવે છે. 

આ અંગે મુંબઈ સમાચાર સાથે વાત કરતા ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ એસોસિયશનના પ્રમુખ અનીશ પટેલે જણાવ્યું હતું કે યુદ્ધમાં રિફાઈનરીઓને વ્યાપક નુકસાન થયું છે. આથી રો મટિરિયલની અછત છે. હાલમાં માગની સરખામણીમાં 45 ટકા જેટલું મટિરિયલ ઉપલબ્ધ છે, પરંતુ સમયસર મળી રહે તે પણ જરૂરી છે. જે લોકોએ પહેલેથી જ ઓર્ડર લઈ રાખ્યા છે કે ટેન્ડર ભરી રાખ્યા છે, તેમણે જૂના ભાવે સમયસર માલ પહોંચાડવાનો હોય છે, નહીંતર બ્લેકલિસ્ટ થવાનો ડર રહે છે. નવું ઉત્પાદન વધારે ભાવ સાથે મળેલા મટિરિટલથી થશે, આથી પ્લાસ્ટિક પેકેજિંગ સાથે જોડાયેલી તમામ વસ્તુઓના ભાવ વધવાની પૂરી સંભાવના છે, જેમાં બિસ્કિટથી માંડી એડવર્ટાઈઝમેન્ટ ફ્લેક્સ સુધીની વસ્તુઓનો સમાવેશ થાય છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે ડેમેજ રિફાઈનરી પૂર્વવત થતાં લાંબો સમય લાગી જશે, આથી આ અછત ક્યાં સુધી રહેશે, તે કહેવું મુશ્કેલ છે.

ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક એસોસિયેશનના પૂર્વ પ્રમુખ શૈલેષ પટેલે મુંબઈ સમાચાર સાથે વાત કરતા જમાવ્યું હતું કે પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રી સંપૂર્ણપણે પેટ્રોલિયમ ઈન્ડસ્ટ્રી પર આધારિત છે. ક્રૂડઓઈલના વધેલા ભાવ અને હાલની પરિસ્થિતિને કારણે હાલમાં ભીંસ અનુભવાઈ રહી છે. દેશની પ્લાસ્ટિક મેન્યુફક્ચરિંગ ઈન્ડસ્ટ્રીના કુલ ઉત્પાદનનો 25 ટકા હિસ્સો ગુજરાતમાંથી તૈયાર થાય છે. લગભગ 12,000 જેટલા યુનીટ્સ ગુજરાતમાં છે અને ડિરેક્ટ અને ઈનડિરેક્ટ 15 લાખ લોકોની રોજગારી આ ઉદ્યોગ પર નભેલી છે. રો મટિરિયલ સાથે થોડુઘણું કામ એલપીજી ગેસથી પણ થાય છે. તેની પણ હાલમાં અછત છે. 

જોકે બન્નેએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર પોતાની વ્યવસ્થા જાળવવાની પૂરી કોશિશ કરી રહ્યા છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે સ્થિતિ જલદીથી નોર્મલ થાય અને કામકાજ રાબેતામુજબ ચાલુ થઈ જાય.