Fri May 01 2026

Logo

બોલો ચાલતી- દોડતી-કૂદતી ને ઝગડતી માછલી જોઈ છે ખરી?

2026-03-29 09:19:00
Author: Praful Shah
Article Image

હેં... ખરેખર?! - પ્રફુલ શાહ

ઉડતા હાથી, તરતા મોર ભલે એપ્રિલ ફુલ લાગે પણ માનો યા ન માનો ચાલતી માછલી હકિકત છે. હજી માનવામાં ન આવે એ સમજી શકાય તેમ છે. 

ચાલવા માટે જાણીતી માછલીઓમાં એક છે મડસ્કિપર (Mudskipper). મડસ્કિપર ઉભયચર જીવ છે. તે જીવનનો મોટો ભાગ પાણીની બહાર પસાર કરે છે. આમ કરવા માટે તે પોતાની છાતી સાથે જોડાયેલી પાંખ (પેક્ટોરલ)નો ઉપયોગ કરે છે અને પોતાની પાંખોની મદદથી રેંગે-ઘસડાય છે, ચાલે છે અને કાદવમાં કૂદી પણ શકે છે.

આપણને હજી થોડી મુંઝવણ રહેવાની કે મડસ્કિપર કેવી રીતે ચાલે છે. આગળ જણાવ્યું એમ એ પોતાની પેક્ટોરલ પાંખોનો ઉપયોગ કરે છે, જેમાં ખભા અને કોણી જેવા લવચીક જોડાણો હોય છે, જેથી તે પોતાને આગળ ધકેલી શકે છે અને શરીરને ઊંચું ઉઠાવી આગળ વધી શકે છે. તે પોતાની ચામડી તેમજ મોઢા અને ગળાની અંદરની સપાટી દ્વારા શ્વાસ લઈ શકે છે, જેથી તે લાંબા સમય સુધી જમીન પર રહી શકે છે. 

માછલીઓ સામાન્ય રીતે આફ્રિકા, એશિયા અને ઓસ્ટે્રલિયાનાં મેન્ગ્રોવ જંગલો, ખાડી વિસ્તારો અને કાદવવાળા દરિયાકાંઠે જોવા મળે છે.

મડસ્કિપર કાદવ પર ચાલે છે, પરંતુ પગપાળા સ્થળાંતર કરનારી (માઈગ્રેટરી વોકર્સ) અન્ય માછલીઓની વાત વધુ આશ્ચર્યચકિત કરનારી છે. ગોલાયથ કેટફિશ નામની માછલી તો એમેઝોન નદીની આસપાસ પ્રણાલીમાં લગભગ 5,800 કિમી સુધી લાંબી મુસાફરી કરે છે. એ શા માટે એમેઝોનના મુખથી એન્ડીઝ પર્વતો સુધી ચાલે છે એ ખબર છે? પ્રજનન માટે.

અન્ય ચાલતી માછલીની જમાતમાં વોકિગ કેટફિશ અને ક્લાઈમ્બિંગ પર્ચ પણ છે. આ માછલીઓ પણ જમીન પર આગળ વધીને નવા પાણીના સ્ત્રોતો શોધતી રહે છે.

અને રેઇનબો મડસ્કિપર તો જાણે પાણીમાં રહેવા ઇનકાર કરતી માછલી છે. તે માત્ર તરતી જ નથી, પણ ચાલે છે, વૃક્ષો પર ચડે છે અને જમીન પર ઝઘડા પણ કરે છે. આ એક રંગબેરંગી, મોટી આંખોવાળા અદ્ભુત ચમત્કાર છે જે દરિયા અને જમીન વચ્ચેની રેખા ધૂંધળી બનાવી દે છે. આની પેક્ટોરલ પાંખો મજબૂત અને જોડાણવાળી હોય છે, જે પગની કામગીરી કરે છે. તે કાદવમાં કૂદીને આગળ વધે છે, મેન્ગ્રોવની ટોચે ચડી જાય છે અને ઊંચેથી કૂદી પણ પડે છે. તે ચામડી અને મોઢા-ગળાની અંદરની સપાટી દ્વારા પણ શ્વાસ લઈ શકે છે. આ માટે ભીના રહેવું જરૂરી છે, તેથી તે વારંવાર કાદવમાં ગુલાંટ ખાય છે કે મોઢામાં પાણી રાખે છે. 

કહી શકો કે એ ડબલ શ્વસન સિસ્ટમ ધરાવવા જેટલી નસીબદાર છે. 

તેની મોટી, બહાર નીકળેલી આંખો, દેડકાની જેમ માથાની ઉપર હોય છે. આનાથી તેને 360 ડિગ્રી વ્યૂમાં ચોપાસનું બધું દેખાય છે. પેરીસ્કોપિક દ્રષ્ટિ તેને બગલા અને કરચલા જેવા ભક્ષકોથી જીવ બચાવવામાં મદદરૂપ થાય છે. મડસ્કિપરની આંખોની નીચે પાણીથી ભરેલી ખાસ કોઠળીઓ હોય છે. જ્યારે આંખો સુકાઈ જાય, ત્યારે તે પોતાની આંખોને અંદર ખેંચીને ફરી ભીની કરી લે છે. 

રેઇનબો મડસ્કિપરને તેજસ્વી રંગો એકદમ નયનરમ્ય બનાવે છે. પ્રજનન ઋતુ દરમિયાન નર વધુ આકર્ષક બની જાય છે. તે પોતાની રંગીન પાંખોને ઝંડાની જેમ હલાવે છે અને જાણે ઊંચી કૂદકીઓ મારીને પોતાની શક્તિ દર્શાવે છે.

જ્યારે દરિયામાં ભરતી આવે કે સૂરજનો તાપ વધી જાય, ત્યારે મડસ્કિપર કાદવમાં બનાવેલા અંગ્રેજીના `જે' આકારની ટનલ(ભોંયરા)માં છુપાઈ જાય છે. આ ટનલમાં હવા આવવાની માટે ખાસ જગ્યા અર્થાત્‌‍ વ્યવસ્થા હોય છે. આને લીધે સપાટી પરથી હવા લઈને અંદર જાળવી રખાય છે. આ માટે મડસ્કિપરને એન્જિનિયરિગની ડિગ્રી કે ડિપ્લોમા કુદરત જન્મ સાથે જ આ બર્થડે ગિફ્ટ-ભેંટ આપેલી હોય છે. 

આવી અનોખી માઈગ્રેટરી માછલીઓના અદ્ભુત વિશ્વનું માનવજાત નખ્ખોદ વાળી રહ્યો છે.