Wed Aug 19 2026

Logo

નેવી ટેકનિશિયને પ્રેમિકાના ટુકડા કરી ફ્રિજમાં છુપાવ્યા, પોતે જ પોલીસ સ્ટેશન પહોંચી ગુનો કબૂલ્યો

2026-04-01 15:52:34
Author: Mumbai Samachar Team
Article Image

વિશાખાપટ્ટનમ: આંધ્રપ્રદેશના સુંદર દરિયા કિનારે વસેલા વિશાખાપટ્ટનમ શહેરને લોકો 'સિટી ઓફ ડેસ્ટિની' તરીકે ઓળખે છે, પરંતુ આ જ શહેરમાં 31 વર્ષીય પોલીપલ્લી મોનિકાની કિસ્મત એવી પલટાઈ કે તેનું અસ્તિત્વ જ ભૂંસાઈ ગયું. દિલ્હીના કુખ્યાત શ્રદ્ધા વાલકર અને આફતાબ પૂનાવાલાના કેસ જેવી જ ક્રૂરતા અહીં ફરી એકવાર જોવા મળી છે. એક બાજુ જ્યારે આખું શહેર પોતાની મસ્તીમાં હતું, ત્યારે 30 માર્ચ 2026ના રોજ એક શખ્સે ગજુઆકા પોલીસ સ્ટેશનમાં હાજર થઈને એવી કેફિયત સંભળાવી કે ફરજ પરના પોલીસકર્મીઓના પણ હોશ ઊડી ગયા. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે ક્યારેક પ્રેમમાં અંધ બનેલો માણસ કેવી હદ સુધી જઈ શકે છે.

ભારતીય નૌસેનામાં ટેકનિશિયન તરીકે ફરજ બજાવતો ૩૦ વર્ષીય ચિંતાડા રવિન્દ્ર જ્યારે પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યારે તેના ચહેરા પર કોઈ પસ્તાવો નહીં પણ એક પ્રકારની ગભરાટ હતી. તેણે કબૂલ્યું કે તેણે મોનિકાની હત્યા કરી છે અને તેના શરીરના ટુકડા ફ્રિજમાં છુપાવ્યા છે. પોલીસ જ્યારે તેને લઈને તેના એપાર્ટમેન્ટ પર પહોંચી ત્યારે ફ્રિજની ઉપરના ભાગમાં (ફ્રીઝર) પ્લાસ્ટિકની થેલીમાં વીંટળાયેલું માનવ ધડ મળી આવ્યું હતું. શરીરના બાકીના ભાગો એટલે કે માથું, હાથ અને પગ રવિન્દ્રએ 60 કિલોમીટર દૂર જંગલમાં સળગાવી દીધા હતા. આરોપીની નિશાનદેહી પર પોલીસે ફોરેન્સિક ટીમ સાથે જંગલમાંથી તે અવશેષો પણ કબજે કર્યા હતા.

રવિન્દ્ર અને મોનિકાની મુલાકાત વર્ષ 2021માં 'મિંગલ' નામની ડેટિંગ એપ દ્વારા થઈ હતી. ચાર વર્ષના પ્રેમ સંબંધ બાદ વર્ષ 2024માં રવિન્દ્રના લગ્ન બીજી યુવતી સાથે થયા હતા, તેમ છતાં તેણે મોનિકા સાથેનો સંબંધ ચાલુ રાખ્યો હતો. રવિન્દ્ર નેવીમાં 'INS ડેગા' પર પોસ્ટ થયેલો હતો અને આર્થિક રીતે સદ્ધર હતો. મોનિકાએ સમયાંતરે તેની પાસેથી સાડા ત્રણ લાખ રૂપિયા લીધા હતા અને વધુ પૈસા માટે તે રવિન્દ્રને ધમકાવતી હતી કે જો તે પૈસા નહીં આપે તો તે તેમના સંબંધોની જાણ રવિન્દ્રની ગર્ભવતી પત્નીને કરી દેશે. આ બ્લેકમેલિંગથી કંટાળીને રવિન્દ્રએ મોનિકાને રસ્તામાંથી હટાવવાનો પ્લાન ઘડ્યો હતો.

29 માર્ચના રોજ જ્યારે રવિન્દ્રની પત્ની પ્રસૂતિ માટે પિયર ગઈ હતી, ત્યારે તેણે મોનિકાને ઘરે બોલાવી હતી. ઝઘડા દરમિયાન આવેશમાં આવીને રવિન્દ્રએ તેનું ગળું દબાવી હત્યા કરી નાખી. હત્યા બાદ લાશનો નિકાલ કરવા માટે તેને દિલ્હીનો આફતાબ-શ્રદ્ધા કેસ યાદ આવ્યો. તેણે તરત જ ઓનલાઈન એક ધારદાર ચપ્પુ મંગાવ્યું અને મોનિકાની લાશના ટુકડા કર્યા. માથું અને હાથ જંગલમાં સળગાવી દીધા, જ્યારે ધડને ફ્રિજમાં છુપાવ્યું હતું. જોકે, ૩૦ માર્ચના રોજ વધતી જતી ગભરાટમાં તેણે તેના એક મિત્રને ફોન કર્યો અને મિત્રની સલાહ માનીને આખરે તેણે કાયદા સામે સરંડેર કરવાનું નક્કી કર્યું.

આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં ઓનલાઈન ડેટિંગ અને સંબંધોમાં આવતી વિકૃતિઓ સામે સવાલો ઉભા કર્યા છે. એક શિક્ષિત અને દેશની રક્ષા માટે કામ કરતો નૌસેનાનો જવાન આટલી હદ સુધી હેવાન બની શકે તે વાત માનવી મુશ્કેલ છે. પોલીસ હવે આરોપી રવિન્દ્ર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરી રહી છે અને ફોરેન્સિક રિપોર્ટની રાહ જોઈ રહી છે. વિશાખાપટ્ટનમનો આ કિસ્સો માત્ર એક હત્યા નથી, પરંતુ તે આધુનિક સંબંધોમાં રહેલા જોખમો અને ગુનાહિત માનસિકતાનો પુરાવો છે.