- સંજય છેલ
નાટકનો હેતુ સમાજને જવાબો કે ઉકેલ આપવાનો નથી; માણસને વધુ સારા પ્રશ્નો પૂછતા શીખવવાનો છે.
દિગ્દર્શક હુકમ કરનાર રિંગમાસ્ટર નથી; એ તો નાટકનો પહેલો સંવેદનશીલ વાચક છે.
અભિનય ડાયલોગબાજીમાંથી નથી જન્મતો, સંવાદોની વચ્ચેના મૌનમાં જન્મે છે.
---------------
નાટ્ય- ફિલ્મ નિર્દેશિકા - અભિનેત્રી ‘ધ વિજયા મહેતા’ની કલાનો સાર આ 3 વિચારોમાં સમાઇ જાય છે. મરાઠી રંગમંચનું આદરણીય નામ ‘વિજયાબાઇ’ 91મે વર્ષે ગઇ 30મી જૂન 2026ના રોજ દુનિયાના રંગમંચ પરથી ગયાં. આ ફક્ત એક નાટકના ડાયરેક્ટરની વિદાય થઈ નથી, ભારતીય આધુનિક પ્રયોગશીલ રંગભૂમિનો આખો યુગ પૂરો થયો છે.
એકવાર રિહર્સલ દરમિયાન નવાસવા અભિનેતાએ ભાવુક બનીને રડતા રડતા દૃશ્ય ભજવ્યું. વિજયાબાઇએ એને શાંતિથી સમજાવ્યું, ભાઇ, જાતે રડવાનું નથી, ઓડિયન્સને રડવા દેને. પછી કલાકારે, એક્ટિંગમાં દેખાડો ઓછો કર્યો ને દૃશ્યની અસર અનેકગણી વધી ગઈ. વિજયા મહેતાની દિગ્દર્શન સ્ટાઇલ હતી કે નાટકની સ્કિપ્ટ અને અભિનયમાંથી કૃત્રિમતા દૂર કરવી.
આઝાદી પછીના ભારતમાં, મરાઠી નાટ્યજગત નવી કલાભાષા શોધતું હતું. 4 ટૂચકાં ને બે ડૂસકાંવાળી ટીપિકલ ધંધાદારી નાટકોમાંથી બહાર નીકળીને નવા પ્રશ્નો પૂછવા માંગતું હતું. ત્યારે આપણાં વડોદરામાં 1934માં જન્મેલી ‘વિજયા જયવંત’ ને પછી પારસી ફારૂખ મહેતાને પરણીને ‘વિજયા મહેતા’એ ડો. શ્રીરામ લાગૂ, અરવિંદ દેશપાંડે, સુલભા દેશપાંડે અને અન્ય બુદ્ધિજીવીઓ, લેખકો સાથે તેમણે ‘રંગાયન’ને નાટ્યસંસ્થા સ્થાપી, બલ્કિ એક વિચાર ચળવળ શરૂ કરી. બસ ત્યાંથી જ મરાઠી થિયેટરમાં નવા લેખકો અને નવા પ્રયોગોની શરૂઆત થઇ.
તમને થશે કે નિર્દેશિકા વિજયા મહેતાએ ભારતીય રંગભૂમિને સૌથી મોટું શું પ્રદાન આપ્યું? જવાબ એક જ છે: ‘લેખકોને અનેરું સ્થાન અપાવ્યું.’
મરાઠી સાહિત્યના મહત્ત્વના 4 લેખકો સાથે સતત બેસીને નાટકો લખાવ્યા કે ભજવવાને લાયક બનાવ્યા: વિજય તેંડુલકર, જયવંત દળવી ચિં.ત્ર્યં.ખાનોલકર અને મહેશ એલકુંચવાર. ‘અર્ધસત્ય’ કે ‘અંકુશ’ જેવી ફિલ્મોના લેખક, વિજય તેંડુલકરના લખાણમાં સમાજની ક્રૂરતા અને સત્તાનો દંભ હતો.
વિજયાબાઇએ તેંડુલકરનાં નાટકોને સનસનાટી તરીકે નહીં, સમાજ સામેના અરીસા તરીકે રજૂ કર્યા.
‘શાંતતા! કોર્ટ ચાલુ આહે’ જેવા તેંડુલકરનાં નાટકો પ્રેક્ષકોને અસ્વસ્થ કરતા કારણ કે તેમાં લોકોને રંગમંચ પર પોતાનો સાચો ને સ્હેજ વરવો ચહેરો દેખાતો.
જયવંત દળવી સાથેનાં નાટકો વધુ ઇમોશનલ કે સાદા મિડલક્લાસના હતા. ‘બેરિસ્ટર’ નાટકથી વિજયાજીએ સાબિત કર્યું કે શાંત ધીમી ગતિનું નાટક પણ અંત સુધી પ્રેક્ષકને જકડી રાખી શકે. પછી એના જ પરથી બનેલી ‘રાવ સાહેબ’ ફિલ્મમાં પણ એવી જ સંવેદના જોવા મળી. કોંકણી ભાષાની તળપદી છાંટવાળા લેખક ચિં.ત્ર્યં.ખાનોલકરની પ્રતીકાત્મક દુનિયાને તેમણે ‘એક શૂન્ય બાજીરાવ’માં નવી જ ભાષા આપી, જ્યારે મહેશ એલકુંચવાર જેવા નવી પેઢીના લેખકને પણ તેમણે ઘડ્યા અને ‘પાર્ટી’ જેવું મોડર્ન રાજકીય સામાજિક નાટક આપ્યું, જેના પરથી ગોવિંદ નિહલાનીએ પછી ઓમ પુરી, રોહિણી હટંગડી, અમરીશ પુરી વગેરે સાથે ફિલ્મ પણ બનાવેલી. વિજયાબાઇ માટે લેખકનું નામ નહીં, લખાણની સચ્ચાઈ મહત્ત્વની હતી. વિજયાબાઇ લેખક પર ક્યારેય હાવી થતાં નહોતાં, તેઓ કહેતા કે દરેક નાટકના પોતાના ધબકારા હોય છે. દિગ્દર્શકનું કામ એ ધબકારાને સાંભળવાનું છે, બદલી નાખવાનું નહીં. તેઓ રિહર્સલમાં કલાકારોને ‘સ્ટેજ પર કેમ ચાલવું? કે કેમ હાથપગ ઉલાળવા?’ એવા રેડીમેડ જવાબો નહોતા આપતા, પણ કલાકારને એવા સવાલ પૂછતા કે જવાબ કલાકારે પોતે જ શોધવો પડે.
ભારતના મહાન નિર્દેશક અબ્રાહિમ અલ્કાઝીના સ્ટુડંટ વિજયાબાઇ, મરાઠી નાટકો પૂરતા જ સીમિત નહોતા, ઇંગલેંડ ને જર્મની લંડનમાં જઇને ફ્રિટ્ઝ બેનેવિટ્ઝ જેવી જગવિખ્યાત હસ્તીઓ પાસે રંગમંચનો અભ્યાસ કરેલો. વિશ્વવિખ્યાત લેખક બ્રેખ્ટના નાટક પરથી તૈયાર થયેલું ‘અજબ ન્યાય વર્તુળાચા’ હોય કે સંસ્કૃત નાટક ‘મુદ્રારાક્ષસ’નું વિદેશમાં દિગ્દર્શન કરીને તેમણે ભારતીય સંસ્કૃતિ અને રંગભૂમિની તાકાતનો પરિચય પશ્ર્ચિમી જગતને કરાવ્યો. યુરોપમાં તેમણે સેટ્સલાઇટિંગ અને દિગ્દર્શનની પદ્ધતિઓ શીખી, પરંતુ ભારતીય સંવેદનાને પરંપરાને ક્યારેય છોડી નહીં. એટલે જ વિજયાબાઇના નાટકો આધુનિક પણ લાગતા અને મૂળિયાં ભારતની સાથે જોડાયેલા પણ હતા. ફોરેનથી આવ્યા બાદ ‘વાડા ચિરાબંદી’ જેવા નાટકમાં મરાઠી ગ્રામિણ સમાજના રૂઢીચુસ્ત પરિવાર અને વિધવાઓની એકલતાવેદનાનું વેધક નાટક રજૂ કરેલું. તવાયફો વેશ્યાઓ વિશેના ‘હમીદાબાઇચી કોઠી’ નાટકમાં અશોક સરાફ જેવા કોમેડિયનને અલગ જ પાત્રમાં મૂકીને સૌને ચોંકાવી દીધેલા.
વિજયાબાઇ, વ્યક્તિ તરીકે એક મા જેવા પ્રેમાળ પણ નિર્દેશક તરીકે એટલા જ કડક. નાના પાટેકર જેવા સ્ટારને પણ રિહર્સલમાં મોડા પહોંચવાની છૂટ નહીં, સ્ક્રિપ્ટ વાંચ્યા વગર આવવાની તો કોઇ હિમ્મત પણ ન કરે. રંગાયન સંસ્થાનાં નાટકોમાં ડો. શ્રીરામ લાગૂ, અમોલ પાલેકર, નાના પાટેકર, વિક્રમ ગોખલે, મોહન ભંડારી, મોહન આગાશે, અરવિંદ અને સુલભા દેશપાંડે, નીના કુલકર્ણી, ભારતી આચરેકર જેવી અનેક પ્રતિભાઓને વિજયાબાઇ પાસેથી સમજાયું કે અભિનય માત્ર ટેલેન્ટ કે ગ્લેમરસ દેખાવથી નથી બનતો પણ એ તો અવિરત મહેનતશિસ્ત, વાંચન અને એક્ટરની સતત આત્મખોજથી જન્મે છે.
ગંભીર ફિલ્મોમાં પણ વિજયાબાઇએ નિર્દેશક તરીકે પોતાની ઓળખ બનાવી. ‘રાવસાહેબ’, અને ‘પેસ્ટનજી’(નસીર સ્ટારિંગ) જેવી ફિલ્મોમાં સાબિત કર્યું કે માધ્યમ બદલાય તો પણ નિર્દેશક પોતાની સ્ટાઇલ ગુમાવે નહીં. એમની ફિલ્મોમાં ચકાચૌંધ નહોતી, સામાન્ય માણસની રજૂઆત વધુ હતી. ભારેભારે સંવાદ ઓછા ને સંબંધોની સૂક્ષ્મતા વધુ ઝલકતી હતી.
વિજયાબાઇની 60 વરસની કારકિર્દીની જેમ સન્માનોની યાદી પણ લાંબી છે: પદ્મશ્રી, પદ્મભૂષણ, નેશનલ એવોર્ડ(અભિનેત્રી), સંગીત નાટક અકાદમી પુરસ્કાર વગેરે અનેક ઇલ્કાબો મળ્યા પણ તેમની સાચી ઓળખ તો એ હતી કે તેમણે એક આખી પેઢીને રંગભૂમિ વિશે નવી રીતે વિચારવાનું શીખવ્યું.
તેમણે કલાકારોને સમજાવ્યું કે પ્રેક્ષકો પર છવાઇ જવાની ઉતાવળ ન કરો; પાત્રને ખરેખર જીવો, પછી સાચો પ્રેક્ષક તમારી સાથે આપોઆપ સામે ચાલીને આવશે.
વિજયા મહેતાને લોકપ્રિયતા સામે પ્રોબ્લેમ નહોતો, પરંતુ લોકપ્રિયતા માટે ટાહ્યલા કરીને, લોકોને ગલગલિયા કરીને ગુણવત્તા સાથે સમાધાન કદીયે ના કર્યું. એમણે સર્જેલા ‘સંધ્યાછાયા’ જેવા ઇમોશનલ નાટકમાં એક વૃદ્ધ માતાનો રોલ અદ્ભુત રીતે ભજવેલો. નાના પાટેકર, મોહન ભંડારી, વિક્રમ ગોખલે, ભારતી આચરેકર(ટી.વી.ની મિસિસ વાગલે) સાથે વિજયાબાઇએ બનાવલું સામાજિક નાટક ‘મહાસાગર’ નાટક ખૂબ ચાલેલું, જેને ગુજરાતીમાં કાંતિ મડિયાએ સુંદર રીતે રૂપાંતર કરેલું, નિર્માતા લલિત શાહ અને તેજાબી નિર્દેશક અરવિંદ ઠકકરે, રાગિણી, દીપક ઘીવાલા, સ્વરૂપ સંપટ સાથે કલાત્મક રીતે પણ સફળતાથી ભજવેલું.
માન્યું કે વિજયાજીએ સેંકડો શોવાળા ખૂબ બધાં નાટકોની હાઉસફુલ શોની હારમાળાવાળી કમર્શિયલ સફળતા નહોતી મેળવી પણ ભારતીય રંગભૂમિને નવી દૃષ્ટિ ચોક્કસ આપી. વિજયાબાઇએ સાબિત કર્યું કે રંગમંચ પર સૌથી મોટો ચમત્કાર મોટા સેટ કે ભારેખમ સંવાદો કે પતિપત્નીના ચાલુ જોકસ પૂરતી નથી પણ નાટકમાં સાચું માનવીય સત્ય કે મૂલ્ય હોવું જોઇએ.
વિજયાબાઇને મહારાષ્ટ્રના સી.એમ. તો શ્રદ્ધાંજલિ આપે જ પણ રાજ ઠાકરે જેવા આક્રમક નેતા પણ ખૂબ સંવેદના સાથે કોઇ કલાકારને શિદ્દતથી યાદ કરે, એવા મરાઠી કલ્ચરને પણ 100-100 સલામ.
આપણે ત્યાં આવું થાય? એની વે, ચલો, સ્વ. વિજયા મહેતાની નાટ્યકલા પર તો હવે પડદો પડી ગયો, તાળીઓની ગુંજ શમી ગઈ, પણ જ્યાં સુધી કોઈ નાટ્યદિગ્દર્શક એના કલાકારને કહેશે, ‘અરે, એક્ટિંગમાં દેખાડો ઓછો કર, સચ્ચાઇથી સ્ટેજ પર જીવી જા,’ ત્યાં સુધી વિજયા મહેતા જીવંત રહેશે.