Sun May 03 2026

Logo

વ્હેંત છેટો મોતનો ઓછાયો - પ્રકરણ-10

2026-05-03 08:48:00
Author: Anil Rawal
Article Image

 



 

 

ભન્ના, ઉંમરની સાથે તારી આંખે ઝાંખપ આવી છે, પણ દ્રષ્ટી તેજ છે....

 

સન્ડે ધારાવાહિક - અનિલ રાવલ

 

‘આજે દેવીપ્રસાદજીના ઘરે તમારી વચ્ચે શું વાત થઇ...?’ સવાલ સાંભળીને જગદીશ હચમચી ઊઠ્યો. હવે એને લાગ્યું કે એની સામે ગોપાલેશ્વરમાં હાહાકાર મચાવવા માગતો એક ખૂંખાર ત્રાસવાદી બેઠો હતો. જેને દેવીપ્રસાદજીની મીટિંગની જાણ હતી... અને એને હવે મીટિંગમાં શું થયું એ જાણવું હતું. એને પૈસાની ઓફર.... ચુટકી તમાકુની ખરી કિંમત સમજાવા લાગી, પરંતુ એના મનમાં સવાલ જાગ્યો કે શું કોઇ માત્ર આટલું જાણવા માટે પૈસાની ઓફર કરે....? 

 

‘ધરમશાળાના ટ્રસ્ટીઓએ પૂછાવેલું કે રાધા હજી કેટલા દિવસ રોકાશે કેમ કે અમુક ચોક્કસ દિવસથી વધુ અહીં કોઇ રોકાઇ શકતું નથી...એવો નિયમ છે. અમે એ બધી ચર્ચા કરવા મળ્યા હતા.’ જગદીશે સિફતપૂર્વક બાજી સંભાળી લેતાં કહ્યું.

 

‘તું મારા માટે કામ કરીશ....પૈસા મળશે.?’ રાઘવે પૂછ્યું.

 

‘સવાલ પૈસાનો નથી, કામ શું છે એ કહો.....’ જગદીશે ખૂબ જ નમ્રતાથી એના તરફથી મળનારા કામ વિશે વિચારતા જવાબ આપ્યો. 

 

‘રાધાની અસલિયત જાણવી છે.....કોણ છે...? શું કામ આવી છે....?’ રાઘવે પૂછ્યું. 

 

‘ઓહ તો તેં જ રાધાની અસલિયત જાણવા માટે રૂમ ફેંદી નાખ્યો હતો ને કાંઇ મળ્યું નહીં એટલે મારી પાસેથી તારે જાણવું છે. એક ત્રાસવાદીએ ખુફિયા એજન્ટ વિશે જાણવું છે.’ જગદીશ વિચારી રહ્યો.

 

‘ભલા માણસ, જે પ્રેમમાં હોય એ અસલિયત ન પૂછે...કોણ છે ને શું કામ આવી છે આવા સવાલો ન કરે.....તમે છો કોણ એ કહોને યાર.....?’ જગદીશે પૂછી નાખ્યું. 

 

‘હું કોણ છું.........?’ બોલીને એ ખડખડાટ હસ્યો. હું કોણ છું એ વાત જવા દે......હું બધું જ જાણું છું. રાધા વિશે, દેવીપ્રસાદ વિશે અને હવે તારા વિશે પણ......મારી બાજુ આવી જઇશ તો ફાયદામાં રહીશ.’ 

 

‘મારે વિચારવું પડે......કામ જાણ્યા વિના ખાલી પૈસા માટે કામ નહીં કરું.’ જગદીશે મૂળ કામ જાણવાના ઇરાદે કહ્યું ને મોંમાંથી રાઘવે આપેલી તમાકુ થૂંકી નાખી. 

 

‘મૂળ કામ પણ કહીશ તને. પહેલાં મને રાધા માટે વાંસળી વગાડી લેવા દે.’

 

જગદીશને ત્રાસવાદની ઝનૂની ધૂન સંભળાઇ રહી હતી. 

***

પુરોહિત ચાવાળો રાતે દેવીપ્રસાદજીના ઘરે ગયો. રાધા પણ હતી. કદાચ પુરોહિતના કહેવાથી જ એ ત્યાં હાજર હતી.

 

‘રાઘવ ભન્નાલાલજીના તબેલામાં કામ કરે છે ને ત્યાં જ રહે છે.’ પુરોહિતે બેસતાં જ કહ્યું.

 

‘ભન્નાલાલને હું સારી રીતે ઓળખું. બહુ વખતથી મળ્યો નથી....મંદિરે દર્શન કરવા પણ આવતો નથી.’ દેવીપ્રસાદજીએ કહ્યું.

 

‘ઉંમર થઇ ગઇ છે એટલે મંદિરે પણ આવતા નથી...એવામાં એને રાઘવ મળી ગયો છે. બાકીનું બધું તમે જ એની પાસેથી સલુકાઇથી જાણી લો તો સારું. ત્યાં એનો એક જુનો છોરો રણછોડ પણ કામ કરે છે. રણછોડ કોઇના લગનમાં ગયો છે.’

 

‘પુરોહિત, તમે રણછોડ પાસેથી જાણી નહીં શકો.?’ રાધાએ પૂછ્યું. 

 

‘દેવીપ્રસાદજી ભન્નાલાલ સાથે વાત કરશે તો ફરક પડશે. મને લાગે છે કે ભન્નાલાલજી ભોળવાઇ ગયા છે....એ રાઘવની વાતમાં આવી ગયા છે.’ પુરોહિતે કહ્યું.

 

‘રાઘવ દૂધ વેંચવા મંદિર જાય ત્યારે તમે ભન્નાલાલને મળી લેજો.’ રાધિકાએ કહ્યું. 

***

અજમલ અન્સારી અન્ડરગ્રાઉન્ડ થઇ ગયો હતો ને એનો મોબાઇલ ડેડ છે. રાધાને આ વાતની શંકા હતી જ. એને મનમાં થયા કરતું હતું કે એને ઊંચકી નહીં લેવાની ભૂલ ભારે પડવાની છે અને એવું જ થયું. રાધાના મનમાં આ વાતનો ખટકો રહી ગયો હતો. એ ગોપાલેશ્વરમાં બેસીને કાંઇ કરી શકે એમ નહતી. 

 

બીજી તરફ અજમલ અન્સારી અન્ડરગ્રાઉન્ડ થઇને કંઇક મોટું કરવાના ફિરાકમાં હતો. જૂના દિલ્હીની એક મસ્જિદમાં મુલ્લો બનીને રહેતો શાકીબ મિયાં એને તૈયાર કરી રહ્યો હતો, પણ અજમલ અન્સારીના દિમાગમાં રાધાને શોધીને એને ખતમ કરવાનું ઝનૂન હતું. 

 

‘અજમલ, અલ્લાહ કસમ તુને આજ તક નહીં કિયા હોગા એસા કામ કરના હૈ તુઝે. એક સાયલન્ટ ધમાકા...’ શાકીબ મિયાંએ એની સામે વેશપલટો કરીને બેઠેલા અજમલને કહ્યું.

 

‘લેકિન ઉસસે પહેલે મુઝે એક બડા કામ કરના હૈ....’ એણે કહ્યું.

 

‘ક્યા કામ હૈ....?’ શાકીબ મિયાંએ પૂછ્યું.

 

‘મિત્સુ આનંદ કો ખતમ કરના હૈ....મુઝે ઉસકો ઢૂંઢના હૈ...અન્ડરગ્રાઉન્ડ હોના ન પડતા તો મૈંને ઉસે અબતક ખતમ કર દિયા હોતા.’

 

‘ઇન્શાલ્લાહ વો ભી હો જાયેગા.....ઉસકી મૌત કી તારીખ તૂ તય કરેગા.’ શાકીબ મિયાં બોલ્યા.

***

દેવીપ્રસાદજીના ઘરની મીટિંગ બાદ રાધા વિચારવા લાગી કે અજમલના કેસમાં થયું એવું રાઘવના કેસમાં નહીં થવું જોઇએ. રાઘવ નામનો ત્રાસવાદી સામે છે ને પોતે કાંઇ કરી શકતી નથી. મોડું થઇ જાય તે પહેલાં રાઘવને ઝબ્બે કરી લેવો કે ખતમ કરી નાખવો જરૂરી છે. આઇબી ચીફ રાઠૌડની જાણ બહાર જ એને ખતમ કરવો પડશે. હા, લોહીનું એક ટીપું પણ પાડ્યા વિના એને મારવાની તરકીબ વાપરવી પડશે....પણ આઇબી ચીફની જાણ બહાર, એમની પરવાનગી વિના આટલું મોટું પગલું ગોપાલેશ્વર મંદિર અને દેશ માટે ઘાતક નીકળી શકે છે. પોતાની કારકિર્દી પર કલંક લાગી શકે છે. એક ખોટું કદમ અને બધું જ ખતમ. એણે પોતે દોરેલાં ગોપાલેશ્વરનાં ચિત્રની સામે જોયું...આંખ મીંચીને મનોમન પ્રાર્થના કરીને કોઇ નિર્ણય લીધો.

***

દેવીપ્રસાદજીએ સ્કૂટી ભન્નાલાલના તબેલાની બહાર ઊભું રાખ્યું. ગાયોએ આવકારો આપતી હોય એમ ડોકાં હલાવ્યા...ઘંટડીઓ રણકી...સાંભળીને ભન્નાલાલ તબેલાને અડીને આવેલા ઘરમાંથી બહાર આવ્યા. 

 

‘દેવીપરસાદ......’ ભન્નાલાલે નેણ પર હાથની છાજલી કરીને જોતાં કહ્યું. 

 

‘ભન્ના, ઉંમરની સાથે તારી આંખે ઝાંખપ આવી છે, પણ દ્રષ્ટી તેજ છે.....ઓળખી લીધો મને.’ દેવીપ્રસાદે કહ્યું. મકાનની ઓથે છાંયડામાં ખાટલો ઢાળીને બંને બેઠા.

 

‘આદમી સબકૂછ અટકા સકે બસ, બઢતી ઉંમર કો ન અટકા સકે.’ ભન્નાલાલ બોલ્યા. 

 

‘ભાયા, થે મંદર આવણો ક્યૂં છોડ દિયો ....’ દેવીપ્રસાદે વાતની શરૂઆત કરી.

 

‘ઉંમર.... ઉંમર ને પગ મેં બેડી ડાલ દી...’ ભન્નાલાલે કહ્યું. 

 

‘આ કામ કોણ કરે....?’ દેવીપ્રસાદે ગાયોની ગમાણ તરફ જોતાં પૂછ્યું. 

 

‘એક રણછોડ તો આપણો છોરો છે જ....રાઘવ નામનો બીજો એક છોરો મલી ગયો છે.’ 

 

‘રાઘવ...એ વળી કોણ....? એ તન્ને ક્યાંથી મલી ગયો ભાયા.....?’ દેવીપ્રસાદજી બોલ્યા.

 

‘મન્ને લાગે ગોપાલેશ્વરે સામણે સે મોકલ્યો...જેસલમેડ કે પાસ કે કોઇ ગાંવ કા હૈ. હા, કામકાજ મેં બડો હોશિયાર હૈ છોરો....દિલ લગાવીને કામ કરે....’ ભન્નાલાલ બોલ્યા. 

 

‘ભન્ના, ભાયા તૂ બડો ભોલો હૈ.....બિના જાણપહેચાણવાલે કો રખ લિયા....સૂણ, આજકાલ ટાઇમ ખરાબ ચાલે....કહાં સે આયો હૈ....મા-બાપ કોણ.....જાતપાત ક્યા યે સબ જાણકારી લે....ઔર તૂ સીધા ના પૂછ.....રણછોડ કો કામ સોંપ દે.’ દેવીપ્રસાદજીએ કહ્યું. ભન્નાલાલ દેવીપ્રસાદની સામે જોઇ રહ્યો.

 

‘દેવીપરસાદ, તૂ મન્ને યેહ કેહણે કે વાસ્તે ઇતના દૂર આયા...?’ ભન્નાલાલે પૂછ્યું.

 

‘હા ભન્નાલાલ, કોઇ ભી હો....ઇતના ભરોસા મત કર કિ કલ જા કે તુઝે પસ્તાના પડે....’ દેવીપ્રસાદે સ્પષ્ટ વાત કરી.

 

‘દેવીપરસાદ, તુજે રાઘવ પર કોઇ શંકા હૈ....? કોઇ એડીતેડી બાત મિલી...?’

 

‘મૈં નહીં દું ઇસકા જવાબ......તુ સોચ લે ભન્નાલાલ.....’ દેવીપ્રસાદ બોલીને ચાલતા થયા. સ્કૂટી ચાલુ કરીને પવનવેગે નીકળી ગયા. પાછળ ભન્નાલાલના વિચારોની ડમરી ઊડી.

 

દેવીપ્રસાદજીએ લગભગ અડધો કિલો મીટરનું અંતર કાપ્યું હશે ત્યાં જ સામેથી રાઘવ બાઇક પર આવી રહ્યો હતો. રાઘવે ક્રોસ કરી ગયેલા દેવીપ્રસાદને ઓળખી લીધા. એની આંખોમાં ખુન્નસ હતું. એણે બાઇકની સ્પીડ વધારી. કાચા રસ્તા પર ઉડતી ધૂળને ચીરતું એનું બાઇક તબેલા પર જઇને ઊભું રહ્યું. મકાનની બહાર ખાટલો ઢાળેલો હતો. એણે એક કાતિલ નજર ખાટલા પર કરી. ભન્નાલાલ અંદર હતા. એણે એની આદત મુજબ તગારાના પાણીથી મોં પર છાલક મારી, બાઇકના સાઇડ મિરરમાં જોતાં ગમછાથી મોં લૂછ્યું. એણે અંદર જઇને દરવાજો બંધ કર્યો. 

 

બહારગામથી આવી રહેલા રણછોડે બીજે દિવસે સવારે દૂરથી જોયું. ઘરની આસપાસ થોડા લોકો એકઠા થયેલા હતા. એણે દોટ મૂકી....નજીક પહોંચતા દૃશ્ય સ્પષ્ટ થયું. સફેદ કપડામાં ભન્નાલાલનો મૃતદેહ વીંટળાયેલો હતો. રાઘવ મૃતદેહ પાસે રડતો બેઠો હતો. થોડા ડાઘુઓ ગૂસપૂસ કરતા હતા. રણછોડના મોંમાંથી ચીસ નીકળી ગઇ. ભન્નાલાલના છાતી પર માથું મૂકીને રડવા લાગ્યો. થોડી ક્ષણો બાદ એણે રાઘવની સામે જોયું.

 

‘શું થયું બાબુજીને.?’ એણે પૂછ્યું. 

‘વહેલી સવારે મેં જોયું બાબુજી ઉઠ્યા નહીં...અંદર જઇને જોયું તો.....’ રાઘવે નજર ફેરવી લેતાં કહ્યું.

 

પુરોહિત ચા બનાવી રહ્યો હતો. એક જણે આવીને કહ્યુ: ‘રાઘવ દૂધ દેવા નહીં આવે....ભન્નાલાલજી ગુજરી ગયા.’ પુરોહિત વીજળીનો આંચકો લાગ્યો હોય એમ સટ્ટાક ઊભો રહી ગયો. 

‘શું થયું......?’ એણે પૂછ્યું. 

‘ખબર નહીં....’ પેલો માણસ કહીને જતો રહ્યો, પણ પુરોહિતની નજર સામે દેવીપ્રસાદના ઘરે થયેલી મીટિંગની ચર્ચા તરવરી રહી હતી. દેવીપ્રસાદજી ભન્નાલાલને મળવાના હતા. એ બાજુમાં ચા વેંચનારા એક છોકરાને બધું સોપીને દેવીપ્રસાદના ઘરે જવા નીકળી ગયો.

 

થોડીવાર પછી દેવીપ્રસાદના ઘરમાં રાધા, જગદીશ અને પુરોહિત બેઠા હતાં.

 

‘નક્કી ભન્નાલાલનું મર્ડર થયું છે.’ દેવીપ્રસાદ બોલ્યા. (ક્રમશ:)