(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચએ મુંબઈ-સુરત નેશનલ હાઈવે પર નંદાવલા ગામ પાસે નાકાબંધી કરી રૂ. ૧૨,૭૬,૩૯૨નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે કારને આંતરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન કાર ચાલક રવિ ભીખાભાઈ ગધેથરીયા (રહે. જામનગર) ની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે તેનો સાથીદાર જયેશભાઈ વ્રજલાલ ભુવા પોલીસને જોઈને અંધારાનો લાભ લઈ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
તપાસ દરમિયાન પોલીસને કારની પાછળની સીટ અને ડેકીના ભાગેથી વિદેશી દારૂની કુલ ૨૬૪ બોટલ અને ટીન મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા દારૂના જથ્થાની બજાર કિંમત રૂ. ૨,૭૧,૩૯૨ થાય છે. આ ઉપરાંત પોલીસે રૂ. ૧૦ લાખની કિંમતની લક્ઝરી કાર અને મોબાઈલ ફોન પણ કબજે લીધા હતા.
પકડાયેલા આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ દારૂનો જથ્થો દમણના હાટીયાવાડ ચોકડી પાસેની એક દુકાનમાંથી ભરીને જામનગર ખાતે છૂટક વેચાણ માટે લઈ જવામાં આવી રહ્યો હતો. વલસાડ રૂરલ પોલીસે આ મામલે ગુનો નોંધી નાસી છૂટેલા જયેશ ભુવાને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.