ગુવાહાટીઃ રાજસ્થાન રૉયલ્સના `લિટલ સ્ટાર' વૈભવ સૂર્યવંશીએ આ વખતની આઇપીએલમાં ધમાકેદાર પર્ફોર્મન્સ સાથે શરૂઆત તો કરી જ છે, તે હજી ઘણો મોટો રેકૉર્ડ કરી શકે એવો દાવો તેના કોચ મનીષ ઓઝાએ કર્યો છે. તેમણે એક મુલાકાતમાં કહ્યું છે કે વૈભવ (Vaibhav) આ વખતે એક ઑલ-ટાઇમ રેકૉર્ડ કરશે તો નવાઈ નહીં લાગે.
15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ 2025ની આઇપીએલમાં 35 બૉલમાં 100 રન બનાવીને યંગેસ્ટ અને (ભારતીયોમાં) ફાસ્ટેસ્ટ સેન્ચુરિયનનો વિક્રમ (Record) નોંધાવ્યો હતો. જોકે આઇપીએલનો સૌથી મોટો 175 રનનો રેકૉર્ડ રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ (આરસીબી)ના ક્રિસ ગેઇલના નામે છે.

2008ની 18મી એપ્રિલે સૌપ્રથમ આઇપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સના બે્રન્ડન મૅક્લમે (158 અણનમ, 73 બૉલ, 13 સિક્સર, 10 ફોર) ટૂર્નામેન્ટના સૌથી પહેલા જ દિવસે ધમાકેદાર પર્ફોર્મ કર્યું હતું. કોલકાતાએ એ મૅચમાં બેંગ્લૂરુને 140 રનથી હરાવ્યું હતું. જોકે આ ટૂર્નામેન્ટના 19 વર્ષના ઇતિહાસમાં સૌથી મોટો વ્યક્તિગત સ્કોર ક્રિસ ગેઇલના નામે છે. 2013ની 23મી એપ્રિલે બેંગ્લૂરુ વતી રમીને ક્રિસ ગેઇલે (175 અણનમ, 66 બૉલ, 17 સિક્સર, 13 ફોર) પુણે વૉરિયર્સ સામે 175 રનનો જે રેકૉર્ડ કર્યો એ 13 વર્ષ પછી પણ હજી તૂટ્યો નથી. બેંગ્લૂરુએ એ મૅચમાં પુણેને 130 રનથી હરાવ્યું હતું.
વૈભવના કોચ મનીષ ઓઝાનો દાવો છે કે વૈભવ 175 રનનો ગેઇલનો રેકૉર્ડ તો તોડશે જ, પહેલી વખત 200 રન કરનાર પ્રથમ બૅટ્સમૅન તરીકેનો ઑલ-ટાઇમ રેકૉર્ડ પણ કરશે તો આશ્ચર્ય નહીં થાય.