વડોદરાઃ વડોદરામાં ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાતું હોવાનો વીડિયો બનાવનારી યુવતી પર તવાઈ આવી હતી. તેમની સામે વ્યાજખોરીની ફરિયાદ નોંધાઈ હતી. યુવકને ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપતાં તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
શું છે સમગ્ર મામલો
વડોદરાના તાંદલજારોડ પર મહાબલીપુરમ સોસાયટીમાં રહેતા 39 વર્ષીય આરીફ યાસીનભાઈ શેખ ન્યુ ઈન્ડિયા ઓટો ગેરેજ ચલાવે છે. ગત ગત મે 2024માં આરીફ શેખને નાણાકીય જરૂરિયાત ઊભી થતાં તેમણે છાણીરોડ પર આવેલા એલેમ્બિક ફલેટસમાં રહેતાસોહીલ ઉર્ફ લંબુ સૈયદ પાસેથી માસિક 22 ટકાના ઊંચા વ્યાજદરે રૂ. 3 લાખ પિરાણ પેટે લીધા હતા. આ રકમ પેટે તેમણે દર મહિને રૂ. 66 હજાર વ્યાજ ચૂકવવાનું નક્કી થયું હતું. આરીફે સમયાંતરે રોકડા તથા ઓનલાઇન માધ્યમથી વ્યાજ પેટે કટકે-કટકે આશરે રૂ. 12 લાખ જેટલી માતબાર રકમ ચૂકવી આપી હતી. છતાં વ્યાજખોર સોહીલ અને તેની પત્ની તમન્નાએ વ્યાજની ઉઘરાણી ચાલુ જ રાખી હતી.
વ્યાજખોર દંપતીએ ઘરે આવી ગાળાગાળી કરી ઘરનો સામાન તથા ફોનમાં ધમકી આપતા હતા. એટલું જ નહીં, સોહીલની પત્રી તમન્ના સૈયદે સોશિયલ
મીડિયા પર સક્રિય હોવાનો રોફ બતાવી ફરીયાદીને મોટો ડ્રગ્સ સપ્લાયર દર્શાવતો ફેક વીડિયો બનાવી વાયરલ કરવાની અને આજીવન જેલમાં સડાવી દેવાની ધમકી આપી હતી. એકાદ માસ અગાઉ સોહિલ તેની કાર લઈને વ્યાજની ઉઘરાણી કરવા આવ્યો હતો અને જણાવ્યું તું કે તારો સમય હવે પુરો થયો, મારો સમય હવે ચાલું થશે. તેને રોડ પર ફરવા લાયક નહી રહેવા દઉં અને તારા ટાંટીયા તોડી નાખીશ પછી તને સાવ પતાવી દઈશ.
સતત મળતી ધમકીઓ અને વોઈસ મેસેજથી ગભરાયેલા આરીફ શેખે આખરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.