(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વડોદરામાં દહેજના દાનવે એક મહિલાનો ભોગ લીધો હતો. શહેરના સોમાતળાવ વિસ્તારમાં રહેતી એક પરિણીતાને તેના સાસરિયાંઓએ વધુ દહેજની માંગણી સાથે શારીરિક અને માનસિક ત્રાસ આપતાં આખરે કંટાળીને તેણે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે મૃતકના ભાઈએ પોલીસમાં તેમની મૃતક બહેનના પતિ, સાસુ અને સસરા વિરૂદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી.
મૂળ ઉત્તર પ્રદેશના મિરઝાપુર જિલ્લાના વતની વિશ્વપ્રતાપસિંહ સિંઘે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમની નાની બહેન મમતાસિંહના લગ્ન 2025ના રોજ વડોદરાના આશુતોષ ઠાકોર સાથે સમાજના રીત-રિવાજ મુજબ થયા હતા. લગ્ન સમયે કન્યા પક્ષ તરફથી રોકડા રૂપિયા 3 લાખ, 12 તોલા સોનાના દાગીના, સગાઈ વખતે 7 લાખ રોકડા, ચાંદીના વાસણો તેમજ ફોર-વ્હીલર ગાડી ખરીદવા માટે અન્ય 20 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. છતાં, લગ્નના થોડા જ સમયમાં સાસરિયાંઓનો અસલી ચહેરો સામે આવ્યો હતો. મૃતક પરિણીતા જ્યારે ગયા વર્ષે પિયર ગઈ ત્યા તેણે જણાવ્યું હતું કે, તેની સાસુ પિતા પાસેથી વધુ 25 લાખ રૂપિયાનું દહેજ લાવવા દબાણ કરે છે અને જો પૈસા નહીં લાવે તો છૂટાછેડા કરાવી દેવાની ધમકી આપે છે. એટલું જ નહીં, પતિ આશુતોષ પણ 'વડોદરામાં મારે બીજી છોકરી સાથે સંબંધ છે અને હું તેની સાથે બીજા લગ્ન કરી લઈશ' તેમ કહી નાની-નાની વાતોમાં બેડરૂમમાં ઢોર માર મારતો હતો. સસરા પણ તેને પિયર મોકલી દેવાની અને પાછી આવશે તો 'નોકરાણી'ની જેમ રાખવાની ધમકી આપતા હતા.
ફરિયાદની વિગતો અનુસાર, સાસરિયાંઓ તેને અવારનવાર એક-બે દિવસ સુધી જમવાનું આપ્યા વિના ભૂખી રાખતા અને અસહ્ય માનસિક ત્રાસ આપતા હતા. આખરે આ ક્રૂર ત્રાસથી કંટાળીને ગત 9 મે 2026ના રોજ સવારે પરિણીતાએ ઝેરી દવા પી લીધી હતી, જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે મૃતકના પતિ આશુતોષ ઠાકોર, સસરા મુકેશભાઇ ઠાકોર અને સાસુ આરતીબેન ઠાકોર વિરૂદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા તેમજ દહેજ પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.