Wed Jun 17 2026

Logo

વડોદરા ભાજપના દિગ્ગજ નેતાનો મોટો ધડાકો, ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરીને ચોંકાવ્યા

2026-02-19 11:53:00
Author: Mayurkumar Patel
Article Image

વડોદરાઃ ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની ફાઈનલ મતદાર યાદી જાહેર કરી દેવામાં આવ્યા બાદ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ દરમિયાન વડોદરાના સમા વિસ્તારના ભાજપના કોર્પોરેટર અને રાજકીય ક્ષેત્રે મોટું કદ ધરાવતાં પરાક્રમસિંહ જાડેજાએ મોટો ધડાકો કર્યો હતો. તેમણે ભવિષ્યમાં કોઈપણ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો હતો. તેમણે આ માટે નવી પેઢી માટે માર્ગ મોકળો કરવા ઈચ્છતા હોવાનું કારણ આપ્યું હતું.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મહત્વના હોદ્દાઓ, સંગઠનમાં પદ અને આગામી ચૂંટણીઓની ટિકિટ માટે પરાક્રમસિંહ જાડેજાનું નામ હંમેશા મોખરે રહેતું હતું. જોકે અત્યાર સુધી તેમને કોઈ મોટા પદ પર નિયુક્ત કરવામાં આવ્યા નથી, પરંતુ તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ નિર્ણય પાછળ પદ ન મળવું તે કારણ નથી.

મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટ પર ચર્ચા કરવા માટે બોલાવવામાં આવેલી સામાન્ય સભા દરમિયાન તેમણે આ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. પોતાની પ્રથમ ચૂંટણીને યાદ કરતા જાડેજાએ કહ્યું કે, જ્યારે મને પ્રથમવાર ટિકિટ મળી હતી, ત્યારે મેં મારા વોર્ડના અન્ય એક નેતાનું સ્થાન લીધું હતું. હવે મારો વારો છે કે હું કોઈ અન્ય માટે જગ્યા કરું. પરાક્રમસિંહ જાડેજાએ ઉમેર્યું હતું કે તેઓ પક્ષ માટે કામ કરવાનું ચાલુ રાખશે.

આ ઉપરાંત તેમણે કહ્યું કે, પક્ષે અને ઈશ્વરે મને મારી લાયકાત કરતા ઘણું વધારે આપ્યું છે. હવે સમય આવ્યો છે કે હું પક્ષને વળતું આપું. જે કાર્યકરો છેલ્લા 20 વર્ષથી મને ખભા પર બેસાડીને જીતાડવા માટે મહેનત કરી રહ્યા છે, હવે મારી જવાબદારી છે કે હું તેમને ખભા પર બેસાડીને આગળ લાવું.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે જો પક્ષ તેમને સાંસદ કે અન્ય કોઈ મોટા પદની ઓફર કરે તો શું? ત્યારે તેમણે મક્કમતાથી જવાબ આપ્યો હતો કે, રાજપૂત હંમેશા પોતાના નિર્ણય પર અડગ હોય છે. મેં એકવાર નિર્ણય કરી લીધો છે કે મારે ચૂંટણી નથી લડવી, તો હું તેના પર અડગ રહીશ. તેમણે વધુમાં ઉમેર્યું કે કાર્યકર કરતા મોટો કોઈ હોદ્દો નથી અને તેઓ આજીવન ભાજપના નિષ્ઠાવાન કાર્યકર તરીકે સેવા આપતા રહેશે.

પરાક્રમસિંહ જાડેજાની આ જાહેરાતથી સ્થાનિક રાજકારણમાં અને ખાસ કરીને વોર્ડ નંબર ૩માં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. જોકે, તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે પક્ષ પાસે સક્ષમ ઉમેદવારોની લાંબી લાઈન છે અને તેમના ન લડવાથી કોઈ કામ અટકશે નહીં.