Sat Sep 05 2026

Logo

વડોદરામાં વિદેશી યુવકે વૃધ્ધાને ઉડાવી, સ્થળ પર જ મોત, અકસ્માત કરનાર છે કોણ ?

2026-06-01 13:03:00
Author: Vimal Prajapati
વડોદરામાં વિદેશી યુવકે વૃધ્ધાને ઉડાવી, સ્થળ પર જ મોત, અકસ્માત કરનાર છે કોણ ?

વડોદરાઃ શહેરમાં એક અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. શહેરમાં આવેલા આજવા રોડ પર એક કાર ચાલકે બેફામ સ્પીડે ગાડી ચલાવીને એક વૃદ્ધાને અડફેટે લીધા હોવાનું જાણવા મળ્યું છે. ટક્કર એટલી જોરદાર હતી કે, વૃદ્ધાનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું છે. આજવા રોડ પર બેફામ ઝડપે આવી રહેલા કારચાલકે આ ગંભીર અકસ્માત સર્જો તેના સીસીટીવી પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જેના આધારે પોલીસ દ્વારા તપાસ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

અકસ્માત સર્જો તે કારમાં વિદેશી લોકો સવાર હતા

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે જે ગાડીએ અકસ્માત સર્જો તે કારમાં વિદેશી લોકો મુસાફરી કરી રહ્યા હતાં. અકસ્માત બાદ કારચાલક બહાર નીકળ્યો ત્યારે કારમાં સવાર વિદેશી લોકો પણ બહાર આવ્યાં હતાં. કાલે સવારે આજવા રોડ પર આવેલી નવી વસાહત પાસે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. કારચાલકે એટલી જોરદાર ટક્કર મારી હતી કે, વૃદ્ધ મહિલા ઊંચે ફંગોળાઈને જમીન પર પટકાયા હતા. જેથી તેમનું ત્યાં જ મોત થઈ ગયું હતું. આ અકસ્માત સવારે 6.32 વાગ્યે બન્યો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. 

અકસ્માતમાં  શારદાબેન ભાલીયાનું ઘટનાસ્થળે જ મોત

અકસ્માત થતાં આસપાસના વિસ્તારમાં લોકો ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં. અકસ્માત કેસમાં દીલીપભાઈ મોહનભાઈ ભાલીયાએ કારચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ અકસ્માતમાં દીલીપભાઈના માતા શારદાબેન મોહનભાઈ ભાલીયાનું મોત થયું હતું. આ સમગ્ર અકસ્માત અંગે બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોધવામાં આવી  અને સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ અને કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે.