Sun Jul 26 2026

Logo

અમેરિકા ઈરાન યુદ્ધની ભારતમાં પણ અસર, 100 ફેક્ટરીઓ અને ગેસ આધારિત સ્મશાનગૃહો બંધ

2026-03-09 19:09:00
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી: મિડલ ઈસ્ટમાં છેલ્લા 10 દિવસથી અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. જયારે ઈરાન અન્ય ખાડી દેશો પર પણ હુમલો કરી રહ્યું છે. જેની અસર હવે ભારતમાં પણ જોવા મળી છે. જેમાં ઓઈલ કંપનીઓએ તાજેતરમાં રાંધણ ગેસ અને સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. તેમજ તેની અસર હવે અનેક ઉદ્યોગોથી લઈને સ્મશાનગૃહો પણ જોવા મળી રહી છે. 

ભારતમાં ઇંધણ, ગેસ પુરવઠા પર દબાણ વધ્યું 

મિડલ ઇસ્ટમાં વધતા તણાવને કારણે ભારતમાં ઇંધણ, ગેસ પુરવઠો અને વપરાશ પર દબાણ વધ્યું છે.  આનું એક મુખ્ય કારણ એ છે કે ભારત તેની ગેસની જરૂરિયાતનો આશરે 60 ટકા વિદેશથી આયાત કરે છે. જેમાંનો નોંધપાત્ર હિસ્સો ગલ્ફ દેશોમાંથી આવે છે.

મોટા ટેન્કર જહાજો દ્વારા સમુદ્ર માર્ગે ભારતમાં ગેસનું પરિવહન થાય છે. જો કે  1 માર્ચથી, હોર્મુઝ સ્ટ્રેટમાં વધતા તણાવને કારણે ગેસ પુરવઠો ખોરવાઈ ગયો છે. આ દરિયાઈ માર્ગને વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઉર્જા પરિવહન માર્ગોમાંનો એક માનવામાં આવે છે.

ગુજરાતના મોરબીમાં 400 એકમો બંધ થવાની ભીતિ 

દેશમાં ગેસ સપ્લાય ખોરવાઈ જવાની અસર હવે ઉદ્યોગો પર પડી રહી છે. ગુજરાતના મોરબીમાં લગભગ 100  ફેક્ટરીઓને ઈંધણ પુરવઠામાં વિક્ષેપને કારણે ઉત્પાદન બંધ કરવાની ફરજ પડી છે. આ બધા એકમો સિરામિક ઉદ્યોગ સાથે સંબંધિત છે. મોરબી ટાઈલ્સ અને ઘડિયાળ ઉત્પાદન માટે એક મુખ્ય કેન્દ્ર તરીકે ઓળખાય છે અને વિશ્વના સૌથી મોટા સિરામિક ઉત્પાદન કેન્દ્રોમાંનું એક છે. ઉદ્યોગ પ્રતિનિધિઓનું કહેવું છે કે જો ગેસ સપ્લાય ટૂંક સમયમાં સામાન્ય નહીં થાય, તો આગામી દિવસોમાં આશરે 400  વધુ એકમો બંધ થવાનું જોખમ છે.

પુણે કોર્પોરેશને 8  ગેસ આધારિત સ્મશાનગૃહો બંધ કર્યા 

આ ઉપરાંત મહારાષ્ટ્રના પુણેમાં ગેસની અછતને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશને 18  ગેસ આધારિત સ્મશાનગૃહોને કામચલાઉ  રીતે બંધ કરવાનો નિર્ણય લીધો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનનું કહેવું છે કે ગેસ સપ્લાય સામાન્ય થતાં જ આ સ્મશાનગૃહો ફરીથી ખોલવામાં આવશે. વહીવટીતંત્ર હાલમાં પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

ઇન્ડક્શન કુકરનું વેચાણ ત્રણ ગણું વધી ગયું

જયારે  રાંધણ ગેસના વધતા ભાવ અને ભવિષ્યના પુરવઠા અંગે અનિશ્ચિતતાની અસર કોલકાતાના બજાર પર પડી રહી છે. શહેરના છૂટક બજારોમાં, ખાસ કરીને ચાંદની માર્કેટ અને એઝરા સ્ટ્રીટમાં, ઇલેક્ટ્રિક રસોડાના ઉપકરણો, જેમ કે ઇન્ડક્શન કુકરનું વેચાણ ત્રણ ગણું વધી ગયું છે. દુકાનદારોના મતે, વેચાણમાં આ ઉછાળો કેન્દ્ર સરકારે રસોઈ ગેસના ભાવમાં વધારો જાહેર કર્યા પછી શરૂ થયો હતો.

LPG સિલિન્ડરના ભાવમાં રૂપિયા 60નો વધારો

ઓઈલ  કંપનીઓએ રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા 60નો વધારો કર્યો છે. પરિણામે, દિલ્હીમાં 14.2 કિલોગ્રામના સિલિન્ડરનો ભાવ રૂપિયા 913 થયો છે. 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ  રૂપિયા 115નો વધારો થયો છે. જોકે, સરકારે ઓઈલ કંપનીઓને રસોઈ ગેસના પુરવઠા પર કોઈ અસર ન પડે તેનું ધ્યાન રાખવા આદેશ આપ્યો છે.