વોશિંગ્ટન : અમેરિકાની સુપ્રીમ કોર્ટ દ્વારા ટ્રમ્પ ટેરિફને ગેરકાયદે ગણાવવામાં આવ્યો છે. જેની બાદ હવે યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન 24 ફેબ્રઆરીથી કોઇપણ દેશ પાસેથી ટ્રમ્પ ટેરિફ નહિ વસૂલે. જેના પગલે હવે ભારત સહિતના દેશો પર ટ્રમ્પ ટેરિફ વસૂલવામાં નહિ આવે. કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શનના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA) હેઠળ ટેરિફ વસૂલવાનું બંધ કરશે.
યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શને જણાવ્યું છે કે, રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા બદલ ભારત જેવા દેશો પર લાદવામાં આવેલા ડ્યુટી સહિત યુએસ ટ્રેડિંગ ભાગીદારો પર લાદવામાં આવેલા તમામ ટેરિફ 24 ફેબ્રુઆરીથી બંધ થશે.
યુએસ આયાતકારો હજુ પણ દેશમાં પ્રવેશતા ઉત્પાદનો પર ટેરિફ ચૂકવી રહ્યા હતા
અમેરિકાની સુપ્રીમ કોર્ટે શુક્રવાર 20 ફેબ્રુઆરીના રોજ ટ્રમ્પ ટેરિફ પર પોતાનો ચુકાદો આપ્યો હતો. જેમાં ટેરિફને ગેરકાયદે ગણાવ્યો હતો.જોકે, કોર્ટના
નિર્ણય બાદ યુએસ આયાતકારો હજુ પણ દેશમાં પ્રવેશતા ઉત્પાદનો પર ટેરિફ ચૂકવી રહ્યા હતા. કારણ કે CBPએ IEEPA હેઠળ ટ્રમ્પ ટેરિફને દૂર કરવા માટે તેની કાર્ગો સિસ્ટમ મેનેજમેન્ટ સેવાને હજુ સુધી અપડેટ કરી નથી. આ સિસ્ટમ 24 ફેબ્રુઆરીથી અપડેટ થશે અને હવે ટ્રમ્પ ટેરિફ વસૂલવામાં નહિ આવે.
ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વોર ચાલુ રાખી
જોકે, અમેરિકાની સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પણ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વોર ચાલુ રાખી છે. જેમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તમામ દેશો પર લાદવામાં આવેલ વર્તમાન 10 ટકા ટેરિફને વધારીને 15 ટકા કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે આ નિર્ણય વર્ષ 1974 ના ટ્રેડ એક્ટની કલમ 122 હેઠળ લીધો હતો. જે રાષ્ટ્રપતિને ચૂકવણીના સંતુલનમાં ખાધની સ્થિતિમાં 150 દિવસ સુધી 15 ટકા સુધી ટેરિફ લાદવાની મંજૂરી આપે છે.
ટ્રમ્પે દુનિયાના દેશો પર લગાવેલો ટેરિફ ગેરકાનૂની
ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને શુક્રવારે સુપ્રીમ કોર્ટે સૌથી મોટો ઝટકો આપ્યો હતો. ટ્રમ્પે ભારત સહિત અનેક દેશો પર ટેરિફ ઝીંકીને વૈશ્વિક અર્થવ્યવસ્થાને પણ અસ્થિર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ટેરિફ મુદ્દે અમેરિકન સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ટ્રમ્પને ટેરિફ લગાવવાનો કોઈ કાયદાકીય અધિકાર નથી. કોર્ટે કહ્યું છે કે ટ્રમ્પે દુનિયાના દેશો પર લગાવેલો ટેરિફ ગેરકાનૂની છે.