Wed Jun 17 2026

Logo

ભારત દ્વારા વેનેઝુએલા પાસેથી ક્રુડ ઓઈલની ખરીદીની અટકળો વચ્ચે અમેરિકાના રાજદૂતનું મોટું નિવેદન...

2026-02-20 15:42:16
Author: Chandrakant Kanoja
Article Image

The New York Times


નવી દિલ્હી : ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ટ્રેડ ડીલ બાદ ભારત દ્વારા વેનેઝુએલા પાસેથી ક્રુડ ઓઈલની ખરીદી અંગે અનેક અટકળો લગાવવામાં આવી રહી છે.  આ દરમિયાન એઆઈ સમિટમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરનું મહત્વનું નિવેદન પ્રકાશમાં આવ્યું છે. તેમણે કહ્યું છે કે ક્રુડ ઓઈલની ખરીદી અંગે ચર્ચા ચાલી રહી છે. 

ડોનાલ્ડ ટ્રમ્પ ઇચ્છે છે કે રશિયા યુક્રેન યુદ્ધનો અંત આવે

ભારતમાં અમેરિકાના રાજદૂત  સર્જિયો ગોરે કહ્યું કે રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવા પરનો પ્રતિબંધ ફક્ત ભારત પૂરતો મર્યાદિત નથી. અમેરિકા હંમેશા ઇચ્છે છે કે યુદ્ધ બંધ થાય. પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે અમેરિકા ઇચ્છતું નથી કે કોઈ રશિયન ક્રુડની ખરીદી કરે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ અંગે ખૂબ જ સ્પષ્ટ રહ્યા છે અને ઇચ્છે છે કે આ યુદ્ધનો અંત આવે.

યુએસ ટેરિફ 50 ટકા થી ઘટાડીને 18 ટકા કર્યો

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારત-અમેરિકા વેપાર કરાર ટૂંક સમયમાં થવાની અપેક્ષા છે, અને એક વચગાળાનો કરાર પહેલાથી જ અમલમાં છે. જાન્યુઆરીના અંતમાં તેની જાહેરાત કર્યા પછી, ભારતે આ મહિનાની શરૂઆતમાં અમેરિકા સાથે એક વચગાળાનો કરાર કર્યો હતો. વચગાળાના કરાર હેઠળ, ટ્રમ્પ વહીવટીતંત્રે ભારત પર યુએસ ટેરિફ 50 ટકા  થી ઘટાડીને 18 ટકા કર્યો હતો.

ભારત રશિયન ક્રુડ ઓઈલ આયાત ઘટાડવા માટે સંમત 

આ મહિનાની શરૂઆતમાં અહેવાલ આવ્યો હતો કે ભારત  સરકારે  જાહેર ક્ષેત્રની ઓઈલ કંપનીઓને વચગાળાની ટ્રેડ ડીલ પછી જણાવ્યું છે કે તે  અમેરિકા અને વેનેઝુએલા પાસેથી વધુ ક્રૂડ ઓઈલ ખરીદવા પર વિચાર કરે. જયારે ટ્રમ્પ વહીવટીતંત્રે જણાવ્યું હતું કે ભારત રશિયન ક્રુડ ઓઈલ આયાત ઘટાડવા માટે સંમત થયું છે.