Sat Jun 20 2026

Logo

બૅટ્સમૅન ઉર્વિલ પટેલનો બુલંદ સિતારો

2026-05-12 17:32:29
Author: Ajay Motiwala
Article Image

PTI


અજય મોતીવાલા

થોડા દિવસથી વૈભવ સૂર્યવંશી, પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ કે યશસ્વી જયસ્વાલ નહીં, પણ મહેસાણાના પટેલ પરિવારનો યુવાન બૅટ્સમૅન ઉર્વિલ ટૉક-ઑફ-ધ ટાઉન છે. આપણા ગુજરાતી ક્રિકેટરોમાં પરંપરા છે કે જો આંતરરાષ્ટ્રીય ફલક પર કોઈ ખેલાડી ફૉર્મમાં ન હોય તો બીજો ચમકી જ જતો હોય છે. હમણાં હાર્દિક પંડ્યા સારું નથી રમી રહ્યો તો તેનો મોટો ભાઈ કૃણાલ પંડ્યા ટૅલન્ટ બતાવી રહ્યો છે. અમદાવાદનો ટૉપ-ક્લાસ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનો સિતારો હમણાં નિસ્તેજ છે તો મહેસાણાના યુવાન બૅટ્સમૅન ઉર્વિલ પટેલ (Urvil Patel)નો સિતારો બુલંદ થવા લાગ્યો છે.

બે દિવસ પહેલાંની જ વાત છે. રવિવારે ઉર્વિલ પટેલ આઇપીએલમાં લખનઊ સામે ચેન્નઈ વતી વિક્રમજનક અને મૅચ-વિનિંગ હાફ સેન્ચુરી ફટકારીને ક્રિકેટ જગત પર છવાઈ ગયો હતો. એ દિવસે લખનઊને પ્લે-ઑફની બહાર કરાવવામાં આ પટેલ પાવર જ જવાબદાર હતો.

ઑક્ટોબર, 1998માં જન્મેલો ઉર્વિલ મુકેશભાઈ પટેલ ડોમેસ્ટિક ક્રિકેટમાં કેટલીક શાનદાર ઇનિંગ્સ રમીને અનેરી છાપ પાડી જ ચૂક્યો હતો ત્યાં હવે તેણે આઇપીએલના સ્ટેડિયમો ગજાવવાની શરૂઆત કરી દીધી છે. ચેન્નઈ (Chennai)ની ટીમ રવિવાર પહેલાં પૉઇન્ટ્સ-ટેબલના નીચલા ભાગમાં હતી, પણ ઉર્વિલે ચેન્નઈને ટૉપ-ફાઇવમાં લાવી દીધી હતી. તેણે એ દિવસે એવા કચકચાવીને શૉટ માર્યા કે ચેન્નઈના પ્રેક્ષકો જોતા જ રહી ગયા હતા. સાત છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી તેણે માત્ર 13 બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરીને રેકૉર્ડ-બુકમાં સ્થાન મેળવ્યું હતું.

આઇપીએલમાં ફક્ત 13 બૉલમાં 50 રન પૂરા કરવાની સિદ્ધિ ત્રણ વર્ષથી એકમાત્ર યશસ્વી જયસ્વાલના નામે હતી અને હવે ઉર્વિલ તેની સાથોસાથ ગયો છે. ઉર્વિલના 50માંથી 46 રન છગ્ગા-ચોગ્ગામાં બન્યા હતા. જે ટૂર્નામેન્ટમાં સંજુ સૅમસન જેવા વર્લ્ડ ચૅમ્પિયન બૅટ્સમેનો 200.00ની આસપાસના સ્ટ્રાઇક-રેટથી રન બનાવી રહ્યા છે, વિરાટ કોહલી જેવા દિગ્ગજનો બૅક-ટુ-બૅક ઝીરો જોવા મળ્યો છે ત્યારે ઉર્વિલ પટેલે એ દિવસે લખનઊ સામે 282.60ના સ્ટ્રાઇક-રેટથી રન બનાવ્યા હતા અને 65 રનની યાદગાર ઇનિંગ્સથી ચેન્નઈની જીત આસાન બનાવી હતી.

રાઇટ-હૅન્ડ બૅટ્મસૅન અને વિકેટકીપર ઉર્વિલને નાનપણથી જ ક્રિકેટ રમવાનો શોખ હતો અને એ હૉબીને તેણે ક્રિકેટ-કરીઅરમાં પરિવર્તિત કરવાનું નક્કી કર્યું હતું. એમાં તેને પરિવારજનો જેમાં ખાસ કરીને પિતા મુકેશભાઈનો બહુ સારો સપોર્ટ મળ્યો. ખુદ મુકેશભાઈ વર્ષોથી ખેલકૂદ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. ભૂતકાળમાં યુનિવર્સિટી વતી દોડવાની રેસમાં ઘણી વખત અગે્રસર રહી ચૂકેલા મુકેશ પટેલ મહેસાણાની સ્કૂલમાં ફિઝિકલ ટ્રેઇનિંગ (પી.ટી.) ટીચર છે. ઉર્વિલ નાનો હતો ત્યારથી તેમણે તેનામાં ઍથ્લીટ તરીકેની શિસ્તનો સંચાર કર્યો હતો અને આગળ જતાં ઉર્વિલ ડોમેસ્ટિક ક્રિકેટનો ટૉપ-ક્લાસ બૅટ્સમૅન બની ગયો. મુકેશભાઈ જ તેના મેન્ટર અને ફિટનેસ કોચ છે.

2018માં ઉર્વિલે એક ટી-20 ટૂર્નામેન્ટથી ટી-20 જગતમાં ઝંપલાવ્યું હતું. સમય જતાં તે ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું રમવા લાગ્યો અને તેને સ્ટેટ ટીમો વતી રમવાનો મોકો મળતો ગયો. બરોડા વતી ડેબ્યૂ કરીને પછીથી ગુજરાત વતી રમનાર ઉર્વિલને 2023માં ગુજરાત ટાઇટન્સ (જીટી) ટીમે પોતાના સ્ક્વૉડમાંથી છૂટો કરી દીધો એના બીજા જ દિવસે તેણે વિજય હઝારે ટ્રોફીમાં 41 બૉલમાં સેન્ચુરી ફટકારીને `લિસ્ટ-એ' ક્રિકેટમાં ભારતના બીજા નંબરના ફાસ્ટેસ્ટ સેન્ચુરિયન તરીકેનું નામ રેકૉર્ડ-બુકમાં અંકિત કરાવ્યું હતું.

2024માં તેને આઇપીએલના ઑક્શનમાં એક પણ ફ્રૅન્ચાઇઝીએ ન ખરીદ્યો ત્યાર બાદ તેણે ફરી એક વખત પોતાની તાકાતનો પરચો કરાવી દીધો હતો. તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ગુજરાત વતી માત્ર 28 બૉલમાં સેન્ચુરી ફટકારી દીધી હતી. ટી-20 ક્રિકેટના ઇતિહાસમાં તેની આ સિદ્ધિ હજી પણ સેક્નડ-ફાસ્ટેસ્ટ સેન્ચુરિયન તરીકે લખાયેલી છે. ઉર્વિલને ચેન્નઈના ફ્રૅન્ચાઇઝીએ 2025માં પંચાવન લાખ રૂપિયામાં ખરીદ્યો અને ત્યારથી આઇપીએલમાં તેણે પગ જમાવવાની શરૂઆત કરી દીધી.

ડોમેસ્ટિક ક્રિકેટમાં 3,200થી પણ વધુ રન બનાવી ચૂકેલા ઉર્વિલ પટેલમાં બૅટિંગને લગતી ગજબની કુશળતા છે જ, તેણે ક્રિકેટ-લેજન્ડ મહેન્દ્રસિંહ ધોનીના માર્ગદર્શનથી ખરાબ સમયમાં બૅટને ફરી કેમ બોલતું કરવું એની કળા શીખી લીધી છે. તાજેતરમાં જ તે ઉપરાઉપરી બે મૅચમાં ફ્લૉપ ગયો હતો. તેણે ધોની પાસે સલાહ માગી ત્યારે ધોનીએ તેને એટલું જ કહ્યું, `મને તારી ટૅલન્ટમાં લેશમાત્ર શંકા નથી.

તારે તારા મગજમાં જે વિઘ્ન છે એ દૂર કરવાનું છે. તારે મનોબળ મજબૂત કરવું પડશે અને ફરી પૂરા આત્મવિશ્વાસ સાથે મેદાન પર ઊતરવું પડશે.' બસ, માહીની આ સલાહ ઉર્વિલ માટે સંજીવની બની ગઈ અને તે પાછો ચમકવા લાગ્યો. ઉર્વિલ રવિવારે 65 રનની જે તૂફાની ઇનિંગ્સ રમ્યો એ પછી હવે ચેન્નઈની પ્લે-ઑફમાં એન્ટ્રી કરવા ઉર્વિલ પાસે અપેક્ષા વધી ગઈ છે. આશા રાખીએ આ ટૉપ-ઑર્ડરનો બૅટ્સમૅન ચેન્નઈને પ્લે-ઑફમાં પહોંચાડીને ધોનીના વિશ્વાસને સાર્થક ઠરાવે, ગુજરાત રાજ્યનું નામ પણ રોશન કરે અને ભારતીય ટીમમાં વહેલાસર સ્થાન મેળવે.