મનોરંજનનું મેઘધનુષ - ઉમેશ ત્રિવેદી
‘ગ્લોબલ સ્ટાર’ તરીકે જાણીતી બોલિવૂડની અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ હાલમાં જ આખી દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે, એ માટે તેની કોઇ ફિલ્મ કે કોઇ એડ-ફિલ્મ કારણ નથી, પણ લકઝરિયસ લાઇફસ્ટાઇલ જીવતી આ અભિનેત્રીએ હાલમાં જ રૂ. 90 કરોડ (જી હા... આપે બરાબર જ વાંચ્યું છે રૂ. 90 કરોડ!)માં બે કાર ખરીદી છે. ભારતમાં અંબાણી પરિવાર પાસે પણ નથી એવી એક નહીં પણ બે - બે કાર ઉર્વશીએ ખરીદી છે. ઉર્વશીએ બુગાટી ટર્બિલોન હાઇપર કાર ખરીદી છે. આ એક કારની કિંમત રૂ. 45 કરોડ છે. ઉર્વશીને ફાસ્ટ કારનો ખૂબ જ શોખ છે. જોકે, આ બે કાર ખરીદવાની સાથે જ ઉર્વશી ક્રિસ્ટીયાનો રોનાલ્ડો, નેમાર જુનિયર અને ડ્રેક જેવા સ્પોર્ટસમેનની યાદીમાં સામેલ થઇ ગઇ છે. આ કાર બહુ ઓછી સંખ્યામાં બનાવવામાં આવે છે.
માત્ર 15 વર્ષની ઉંમરે મોડેલિંગના ક્ષેત્રમાં આવીને 2009માં તેણે ‘મિસ ટીન ઇન્ડિયા’નું ટાઇટલ મેળવ્યું હતું. ત્યારપછી તેણે પાછું વળીને જોયું નથી અને આજે 32 વર્ષની ઉંમરે ઉર્વશી રાષ્ટ્રીય નહીં, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતાના એક પછી એક સોપાન સર કરતી જાય છે. 25 ફેબ્રુઆરી 1994ના ઉત્તર પ્રદેશના રાજપૂત પરિવારના મીરાં અને મનવરસિંહ રૌતેલાના ઘરે જન્મેલી ઉર્વશી કોટયરમાં શાળાનું અને પછી દિલ્હીમાં કોલેજનું શિક્ષણ લીધું છે. 2009માં ‘મિસ ટીન ઇન્ડિયા’નું ટાઇટલ મેળવ્યા પછી તે સતત આગળ વધતી રહી છે. 2011માં તેણે ‘ઇન્ડિયન પ્રિન્સેસ’નું ટાઇટલ મેળવ્યું, તે જ વર્ષે ‘મિસ ટૂરિઝમ ક્વિન ઓફ ધ યર’નું ટાઇટલ મેળવ્યું. આ સ્પર્ધા ચીનમાં યોજાઇ હતી.
સૌંદર્ય સમ્રાજ્ઞીઓ મોટે ભાગે બોલિવૂડ ફિલ્મમાં અભિનયની કારકિર્દી શરૂ કરે છે એ રીતે 2011માં તેને બોલિવૂડની ફિલ્મ ‘ઇશકઝાદે’ ઓફર કરવામાં આવી, પણ તેને ‘મિસ યુનિવર્સ’ સ્પર્ધા પર વધારે ધ્યાન આપવું હતું એટલે તેણે એ ફિલ્મ નકારી કાઢી.
2012માં રૌતેલાએ ‘આઇ એમ શી મિસ યુનિવર્સ ઇન્ડિયા’ની સાથે ‘મિસ ફોટોજેનીક’નું બિરુદ મેળવ્યું હતું. તે સમયે તેની ઉંમર તેને નડી હતી અને નાની ઉંમરને કારણે તે ‘મિસ યુનિવર્સ’માં ભાગ ન લઇ શકી. 2015માં તેણે ‘મિસ યુનિવર્સ-2015’માં ભારત વતી ભાગ લીધો હતો. પણ તે ટાઇટલ જીતી શકી નહોતી. જોકે, આને પગલે તેની બોલિવૂડની કારકિર્દી શરૂ થઇ ગઇ. 2013માં સની દેઓલ સાથેની ફિલ્મ ‘સિંઘ સાબ ધ ગ્રેટ’માં મુખ્ય અભિનેત્રી તરીકે તે ચમકી-ફિલ્મ બોક્સ ઓફિસ પર ફલોપ ગઇ હતી, પણ ઉર્વશી રૌતેલાના સૌંદર્યના ખૂબ જ વખાણ થયા હતા. 2014માં તે યો યો હની સિંહના આંતરરાષ્ટ્રીય વીડિયો આલબમ ‘લવ ડોઝ’માં ચમકી હતી અને તેના પગલે તેને ખ્યાતિ મળી હતી. ત્યાર પછી તેણે દક્ષિણમાં ક્ધનડ ફિલ્મ ‘ઐરાવત’માં કામ કર્યું. આ ફિલ્મમાં ઉર્વશીના અભિનય કરતાં નૃત્યશૈલીના વધુ વખાણ થયાં હતાં. એક બાજુ હિન્દી ફિલ્મો અને બીજી બાજુ મિકા સિંહ અને વિદ્યુત જામવાલ સાથેના વીડિયો આલ્બમે તેને લોકપ્રિયતા અપાવી હતી.
હિન્દી ફિલ્મોમાં ઉર્વશીને એક શોભાની પૂતળી તરીકે જ રજૂ કરવામાં આવતી હતી. બીજી બાજુ તેને સાઉથની ફિલ્મોમાં એક-એક આઇટમ સોંગ કરવા માટે કરોડો રૂપિયા મળતા હતા. બોલિવૂડની ફિલ્મોમાં ‘હેટ સ્ટોરી-ફોર’, ‘પાગલપંતી’, ‘વર્જિન ભાનુપ્રિયા’, ‘જાટ’ જેવી ફિલ્મોમાં તે દેખાઇ હતી.
હાલમાં જ એટલે કે 2025માં છેલ્લે તે તેલુગુ ફિલ્મ ‘ડાકુ મહારાજ’માં દેખાઇ હતી અને 32 કલાકારવાળી હાલમાં રજૂ થયેલી અક્ષય કુમારની ‘વેલકમ ટુ ધ જંગલ’માં તે નાનકડી ભૂમિકામાં છે, પણ હિન્દી ફિલ્મોમાં તે મોટે ભાગે ‘આઇટમ ગીત’માં દેખાય છે, તો દક્ષિણની ફિલ્મોમાં તે તેલુગુ, તમિળ અને ક્ધનડ ભાષાની ફિલ્મોમાં ચમકે છે.
આમ જુઓ તો એ ફિલ્મો કરતાંય મોડેલિંગની દુનિયામાં વિશ્વપ્રસિદ્ધ છે અને અનેક આંતરરાષ્ટ્રીય બ્રાંડ માટે તે કામ કરી ચૂકી છે. 2018માં આંદામાન અને નિકોબાર આઇલેન્ડની સરકારે તેને ‘યંગેસ્ટ મોસ્ટ બ્યૂટીફૂલ વુમન ઇન ધ યુનિવર્સ’ના ટાઇટલથી નવાજી હતી. 24 ઓકટોબર-2020નાં ‘આરબ ફેશન વીક’ હેઠળ દુબઇસ્થિત ‘આરબ ફેશન કાઉન્સિલ’ દ્વારા અમિરાતના વિમાનમથકના ‘રનવે’ પર ફેશન વોક કરનારી પ્રથમ ભારતીય બની હતી. મોરોક્કોમાં 2022માં યોજાયેલી લકઝરી નેટવર્કના આંતરરાષ્ટ્રીય એવોર્ડસમાં તેની પસંદગી ‘ગ્લોબલ આઇકન’ તરીકે થઇ હતી.
આ બધા વચ્ચે ઉર્વશીએ પોતાની જ એક એપની શરૂઆત કરી છે. આ એપ દ્વારા તે પોતાના ચાહકો અને પ્રશંસકો સાથેનો સંપર્ક જાળવી રાખે છે અને પોતાની માહિતી તે પૂરી પાડતી રહે છે.
વચમાં થોડો સમય માટે તેનું નામ યુવા ભારતીય ક્રિકેટર-વિકેટકીપર રિષભ પંત સાથે સંકળાયું હતું. પણ પછી એ બહાર આવ્યું હતું કે એ માત્ર અફવાઓ જ હતી.
આમ, ફિલ્મોમાં માત્ર શોભાની પૂતળી તરીકે રજૂ થતી ઉર્વશી રૌતેલા આંતરરાષ્ટ્રીય બ્રાંડ તરીકે વધુ લોકપ્રિય છે અને તેમાં તે સતત આગળ વધતી રહે છે અને તે સમાચારોની હેડલાઇન બનતી રહે છે. અનેક બ્યૂટી પ્રોડકટ્સની સાથે સંકળાયેલી ઉર્વશી એક અભિનેત્રી તરીકે નામના મેળવી શકી નથી, પણ તે ‘આઇટમ ગર્લ’ તરીકે અને જાહેરાતની દુનિયામાં ખૂબ જ નામના ધરાવે છે.
4 જુલાઇથી 10 જુલાઇ શું જોશો ?
OTTનું હોટસ્પોટ
ફિફા વર્લ્ડ કપ, વિમ્બલ્ડન અને આઇસીસી વિમેન્સ વર્લ્ડ કપની રોમાંચક મેચો અત્યારે રમતના શોખીનો માટે ‘ઝી ફાઇવ’ પર 20 જુલાઇ સુધી ફિફા વર્લ્ડ કપની મેચોનું પ્રસારણ ચાલી રહ્યું છે. એક તરફ આઇસીસીની વિમેન્સ વર્લ્ડ કપની કવાર્ટર ફાઇનલ, સેમિ અને ફાઇનલનું પ્રસારણ થશે, જે ‘સોની લીવ’ પર અને ‘સોની સ્પોર્ટસ’ પર લાઇવ જોઇ શકાશે તો બીજી તરફ વિમ્બલ્ડનની ફાઇનલ સુધીની સફર 12 જુલાઇ સુધી જોવા મળશે.
એ સિવાય આગામી અઠવાડિયાના આકર્ષણ આ મુજબ છે:
નેટફ્લિક્સ: 10 જુલાઇએ અહીં સન્ની દેઓલ, અક્ષય ખન્ના, દિયા મિર્ઝા અને સંજીદા શેખ અભિનિત ‘ઇક્કા’ રજૂ થશે. આજથી બરાબર 29 વર્ષ પહેલાં ‘બોર્ડર’ માં સન્ની દેઓલ અને અક્ષય ખન્ના સાથે દેખાયા હતા. આ જ ચેનલ પર 10 જુલાઇથી ઇનોલો હોમ્સ નામની સિરીઝની ત્રીજી સિઝન શરૂ થઇ રહી છે.
એમેઝોન પ્રાઇમ વીડિયો: એમેઝોનને ભારતમાં 10 વર્ષ પૂરાં થઇ રહ્યાં છે. ત્યારે ચોથી જુલાઇથી? છઠ્ઠી જુલાઇ સુધી અનેક આકર્ષણ રજૂ થશે, પણ શું ? તે એમેઝોન પર સસ્પેન્સ રખાયું છે. આ દરમિયાન કઇ કઇ ફિલ્મો રજૂ થશે એ ચોથી જુલાઇએ જ જાણ થશે.
જિયો હોટસ્ટાર: આ ઓટીટી ચેનલ પર આજે (ત્રીજી જુલાઇએ) રાજકુમાર હિરાની નિર્મિત ‘પ્રીતમ એન્ડ પેડ્રો’ રજૂ થશે. આ ફિલ્મ દ્વારા હિરાનીનો પુત્ર વીર હિરાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી રહ્યો છે. તેની સાથે અર્શદ વારસી અને વિકાંત મેસ્સની મુખ્ય ભૂમિકા છે. આ ફિલ્મ દ્વારા રાજકુમાર હિરાની પણ ઓટીટી પર પદાર્પણ કરી રહ્યા છે.