લખનઉઃ ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે પોતાના પ્રદેશ સંગઠનમાં બહુ મોટો ફેરફાર કર્યો છે. યુપી ભાજપના પ્રદેશ પ્રમુખ પંકજ ચૌધરીએ સંગઠનના હોદ્દેદારોની નવી યાદી સત્તાવાર રીતે જાહેર કરી દીધી છે. પંકજ ચૌધરીની આ નવી ટીમમાં 19 પ્રદેશ ઉપાધ્યક્ષ અને 08 મહામંત્રીઓ બનાવવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં ભાજપમાં કરવામાં આવેલો આ ફેરફાર આગામી વિધાનસભા ચૂંટણી માટે ફાયદાકારક સાબિત થશે તે આશાએ પાર્ટી દ્વારા નવી ટીમ તૈયાર કરવામાં આવી છે.
નવી યાદીમાં સૌથી વધુ ચર્ચા ધારાસભ્ય પૂજા પાલ અને નીરજ સિંહની થઈ રહી છે. સમાજવાદી પાર્ટી (SP) માંથી બગાવત કરીને ભાજપમાં સામેલ થયેલા મહિલા ધારાસભ્ય પૂજા પાલને પ્રદેશ ઉપાધ્યક્ષ જેવી મોટી જવાબદારી સોંપવામાં આવી છે. આ સિવાય દેશના સંરક્ષણ પ્રધાન અને લખનૌના સાંસદ રાજનાથ સિંહના પુત્ર નીરજ સિંહને પણ પ્રદેશ ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
આ નેતાઓને મળ્યું ઉપાધ્યક્ષ પદ
યુપી ભાજપ દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ જે 19 નેતાઓને પ્રદેશ ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, તેમાં સુરેશ રાણા, સત્યપાલ સૈની, બ્રજ બહાદુર, ડૉ. ધર્મેન્દ્ર સિંહ, મોહિત બેનીવાલ, દેવેશ કોરી, પ્રિયંકા રાવત, દુર્વિજય શાક્ય, રમેશ સિંહ, નીરજ સિંહ, અર્ચના મિશ્રા, પૂજા પાલ, શંકર ગિરી, કામેશ્વર સિંહ, ડૉ. કૃતિકા અગ્રવાલ, સુરેશ મૌર્ય, આલોક ગુપ્તા, રાજેશ યાદવ અને કૃષ્ણ બિહારી રાયનો સમાવેશ થાય છે. આ યાદીમાં ઓબીસી વર્ગના ચહેરાઓને મોટું પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે.
08 નેતાઓને મહામંત્રીની જવાબદારી સોંપવામાં આવી
સંગઠનને મજબૂત કરવા માટે 8 પ્રદેશ મહામંત્રીઓની પણ નિમણૂક કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને રામપ્રતાપ સિંહ ચૌહાણ, ગીતા શાક્ય, અભિજ્ઞા મિશ્રા, ઉપેન્દ્ર રાવત, સંજય રાય, શંકર લોધી, દિલીપ પટેલ અને રાજેશ ચૌધરીને જવાબદારી સોંપવામાં આવી છે.
118 પ્રદેશ મંત્રીઓની પણ વરણી કરવામાં આવી
પંકજ ચૌધરીએ પોતાની ટીમમાં 18 પ્રદેશ મંત્રીઓની પણ જાહેરાત કરી છે, જેમાં વિજય શિવહરે, બસંત ત્યાગી, શિવભૂષણ સિંહ, સહજાનંદ રાય, અંકુર શર્મા, અનિલ યાદવ, અવધેશ શ્રીવાસ્તવ, વિજય રાજભર અને પ્રમેન્દ્ર જાંગડા વિશ્વકર્મા મુખ્ય છે. ભાજપે આ યાદીમાં તમામ જ્ઞાતિ સમીકરણો અને ખાસ કરીને પછાત વર્ગને યોગ્ય સ્થાન આપીને સંતુલન સાધવાનો પ્રયાસ કર્યો છે.
હાઈકમાન્ડે આપી મંજૂરી
આ અંગે વિગતે આપતા પ્રદેશ પ્રમુખ પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે, ભાજપના વરિષ્ઠ નેતા નીતિન નવીન સાથે વિગતવાર ચર્ચા-વિચારણા કર્યા બાદ જ ઉત્તર પ્રદેશના હોદ્દેદારોના નામો આખરી કરવામાં આવ્યા છે. આ પહેલાં પંકજ ચૌધરી અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે વચ્ચે દિલ્હી અને લખનૌમાં ઘણી બેઠકો યોજાઈ હતી. ભાજપની આ નવી ટીમ આગામી ચૂંટણીઓમાં ગ્રાઉન્ડ લેવલ પર પાર્ટીના નેટવર્કને વધુ મજબૂત કરવા માટે સક્રિય ભૂમિકા ભજવશે.