નવી દિલ્હી: ગત વર્ષે માર્ચ મહિનામાં ઉત્તર પ્રદેશના એક બળાત્કારના પ્રયાસના કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટના વિવાદાસ્પદ ચુઅડો આપ્યો હતો, હાઈ કોર્ટે જણાવ્યું હતું કે મહિલાની સ્તનને સ્પર્શ કરવો કે તેના પાયજામાનું નાડું છોડવું, એ બળાત્કાર કે બળાત્કારનો પ્રયાસ ન ગણી શકાય. હાઈ કોર્ટના આ ચુકાદાની ભારે ટીકા કરવામાં આવી હતી. હવે સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના વિવાદાસ્પદ ચુકાદાને પલટાવી દીધો છે.
ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાની ટીકા કરી, આ બેંચમાં ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને એનવી અંજારિયા પણ સમેલ હતાં. બેન્ચે નિર્દેશ કર્યો કે જાતીય ગુનાઓના કેસોમાં નિર્ણય લેવા માટે કાયદાકીય તર્ક અને સહાનુભૂતિ બંનેની જરૂર હોય છે.
અલ્હાબાદ હાઈ કોર્ટની ટીકા કરતા સુપ્રિમ કોર્ટે કે કહ્યું કે અરજદારો પર થયેલા અત્યાચારો પ્રત્યે અદાલતો અસંવેદનશીલ ન રહે તો "સંપૂર્ણ ન્યાય" આપી શકે નહીં.
સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું, " ‘આ ગુનાને માત્ર બળાત્કારની તૈયારી ગણી શકાય, બળાત્કારનો પ્રયાસ નહીં’ હાઈકોર્ટના આ તારણ સાથે અમે સહમત નથી.”
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે કોઈ મહિલાને ખોટા ઇરાદા પકડીને તેના સલવારનું નાડું ખોલવાનો પ્રયાસ એ ફક્ત 'છેડતી' કે 'બળાત્કારની તૈયારી' (Preparation of rape)નથી, પરંતુ સ્પષ્ટરૂપે 'બળાત્કારનો પ્રયાસ' (Attempt to Rape) છે. આવા કૃત્યોને ઓછો ગંભીર ગુનો માનીને ગુનેગારને હળવી સજા આપવી એ ન્યાયની ભાવના વિરુદ્ધ છે.
શું છે સમગ્ર મામલો?
આ મામલો ઉત્તર પ્રદેશમાં એક સગીરા સાથે જોડાયેલો છે. ફરિયાદ પક્ષે આરોપ લગાવ્યો હતો કે પવન અને આકાશ નામના બે આરોપીઓએ સગીરાના સ્તનને સ્પર્શ કર્યો હતો અને તેના પાયજામાનું નાડું ખોલ્યું હતું. લોકો આવી જતા આરોપીઓ ભાગી છુટ્યા હતાં.
ટ્રાયલ કોર્ટે IPCની કલમ 376 (બળાત્કાર) અને POCSO કાયદાની કલમ 18 હેઠળના આરોપો બદલ આરોપીઓને સમન્સ પાઠવવાનો આદેશ આપ્યો હતો. આ આદેશને આરોપીઓ અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકાર્યો હતો.
હાઈ કોર્ટનો તર્ક:
17 માર્ચ, 2025 ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટે જોકે ટ્રાયલ કોર્ટના ચુકાદામાં ફેરફાર કર્યો, આરોપો બદલીને IPC ની કલમ 354-B (કપડા ઉતારવાના ઈરાદાથી હુમલો અથવા ગુનાહિત રીતે બળપ્રયોગ) અને પોક્સો એક્ટની કલમ 9/10 (વધુ ગંભીર જાતીય હુમલો) કરવામાં આવ્યા.
અલ્હાબાદ હાઈકોર્ટે ન્યાયાધીશ રામ મનોહર નારાયણ મિશ્રાએ આદેશમાં જણાવ્યું હતું કે બંને આરોપીઓ સગીરાના કપડાનું નાડું છોડ્યા બાદ તરત જ સ્થળ પરથી ભાગી ગયા હતા. એવા કોઈ પુરાવા નથી કે આરોપીઓ ખરેખર બળાત્કાર કરવા ઇચ્છતા હતાં.
સુપ્રીમ કોર્ટ આદેશ ઉલટાવ્યો:
અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાની દેશભરમાં ટીકા કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદા અંગે સુઓ મોટો લઇને 26 માર્ચ, 2025 ના રોજ હાઈ કોર્ટેના ચુકાદાના અમલીકરણ પર રોક લગાવી દીધી હતી.
જાતીય ગુનાઓ અને અન્ય સંવેદનશીલ મામલાની સુનાવણી કરતી વખતે ન્યાયાધીશો દ્વારા સંવેદનશીલતા દાખવવા માટેના પ્રયાસો માટે ગાઈડલાઈન્સ તૈયાર કરવા સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય ન્યાયિક એકેડેમીના ડિરેક્ટર અને ભૂતપૂર્વ ન્યાયાધીશ અનિરુદ્ધ બોઝને નિષ્ણાતોની એક સમિતિ બનાવવા જણાવ્યું છે.