Fri Jun 19 2026

Logo

ઊંઝામાં ફૂડ વિભાગનો સપાટો: લાયસન્સ વગર ચાલતી ફેક્ટરીમાંથી 3,548 કિલો કેમિકલયુક્ત વરિયાળી જપ્ત

2026-05-23 15:56:11
Author: Vimal Prajapati
Article Image

ઊંઝા: ગુજરાત સરકારની ભેળસેળ નાબૂદી ઝુંબેશ અંતર્ગત ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA) ની ગાંધીનગર ફ્લાઈંગ સ્ક્વોડે મહેસાણા જિલ્લાના ઊંઝામાં એક મોટી કાર્યવાહી કરી છે. ઊંઝાની એક ફેક્ટરીમાં દરોડા પાડીને પ્રતિબંધિત કલર મિશ્રિત કરેલી આશરે 3,548 કિલો વરિયાળી અને 140 કિલો પ્રતિબંધિત લીલો કલર જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા મુદ્દામાલની કુલ કિંમત આશરે રૂપિયા 03.30 લાખ અંકાયા હોવાનું સામે આવ્યું છે.

આકર્ષક દેખાવ આપવા વપરાતો હતો ઝેરી કલર

મળતી માહિતી મુજબ, ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓએ ઊંઝા ખાતે આવેલી ગણપતિ ક્લીનિંગ ફેક્ટરી પર અચાનક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, વરિયાળીને બજારમાં વધુ આકર્ષક અને લીલીછમ બતાવવા માટે તેમાં સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા પ્રતિબંધિત લીલા કલરની ભેળસેળ કરવામાં આવતી હતી. પ્રાથમિક તપાસમાં જ કલર ભેળવવાનું મોટું નેટવર્ક હોવાની આશંકા સેવાઈ રહી છે.

 વરિયાળીના સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા
 
તપાસ દરમિયાન અધિકારીઓ એ જોઈને ચોંકી ગયા હતા કે આ ફેક્ટરીના સંચાલકો પાસે ખાદ્ય પદાર્થોના ઉત્પાદન માટે જરૂરી એવું ફરજિયાત ફૂડ લાયસન્સ (FSSAI Licence) પણ નહોતું. આમ, ફેક્ટરી સંપૂર્ણપણે ગેરકાયદેસર રીતે ધમધમતી હતી. ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા ઘટનાસ્થળેથી વરિયાળી અને કેમિકલયુક્ત કલરના નમૂના લઈને તેને સઘન તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. ફૂડ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, લેબોરેટરી ટેસ્ટનો રિપોર્ટ આવ્યા બાદ ફેક્ટરીના માલિકો સામે કાયદેસરની કડક કાર્યવાહી અને કટોકટીભર્યા પગલાં લેવામાં આવશે.