Tue May 26 2026

Logo

કેન્દ્રીય પ્રધાન અમિત શાહ આવતીકાલથી ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે, કચ્છ પણ જશે

2026-05-26 19:56:17
Author: Pooja Shah
Article Image

Amit Shah


અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહ 27 મે થી 29 મે દરમિયાન ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવશે. આ મુલાકાત દરમિયાન તેઓ અનેક સત્તાવાર કાર્યક્રમોમાં હાજરી આપશે અને રાજ્યભરમાં વિકાસ અને સરહદ સુરક્ષા સંબંધિત મુખ્ય મુદ્દાઓની સમીક્ષા કરશે, તેવી માહિતી સૂત્રોએ આપી હતી. 

28 મેના રોજ, શાહ અમદાવાદમાં એક સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે, જ્યાં તેઓ વિવિધ શહેરી વિકાસ પ્રોજેક્ટ્નું મૂલ્યાંકન કરશે. સર્કિટ હાઉસ ખાતે યોજાનારી આ બેઠકમાં શહેરમાં ચાલી રહેલા મુખ્ય માળખાકીય કાર્યો, ટ્રાફિક વ્યવસ્થાપનના પગલાં અને નાગરિક પ્રોજેક્ટ્સ પર વરિષ્ઠ અધિકારીઓ દ્વારા પ્રેઝન્ટેશનનો સમાવેશ થશે.

તે જ દિવસે બાદમાં, શાહ સોલામાં શ્રી ઉમિયા ધામ પરિસરમાં નવા બનેલા હાઇ-બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલનું ઉદ્ઘાટન કરે તેવી અપેક્ષા છે. શાહ ૨૯મી મેના રોજ સરહદી જિલ્લા કચ્છની મુલાકાત લેશે. આ પ્રવાસ દરમિયાન તેઓ સરહદની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે અને ઉચ્ચ સ્તરીય બેઠકો યોજશે. ગૃહ પ્રધાનની મુલાકાતને પગલે સ્થાનિક વહીવટીતંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

નિયત કાર્યક્રમ અનુસાર, ગૃહ પ્રધાન ૨૫મીની રાત્રે રાજસ્થાનના બિકાનેર પહોંચશે, જ્યાં તેઓ બીએસએફની સાંચુ સીમા ચોકીની મુલાકાત લઈને જવાનો સાથે સંવાદ કરશે તેમજ દળો માટેની કલ્યાણકારી યોજનાઓનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ ૨૯મી મેના રોજ તેઓ ભુજ આવશે. ભુજ પ્રવાસ દરમિયાન અમિત શાહ ભારત-પાકિસ્તાન સરહદે આવેલા અત્યંત સંવેદનશીલ ગણાતા ‘હરામીનાળા’ વિસ્તારની અને સરહદી ચોકીઓની પ્રત્યક્ષ મુલાકાત લઈને સ્થિતિનું નિરીક્ષણ કરશે.

તાજેતરમાં અમલી બનેલા ‘ઓપરેશન સિંદૂર’ બાદ ભારતીય સુરક્ષા દળો હાઈએલર્ટ પર હોઈ, ગૃહ પ્રધાનની આ મુલાકાત વ્યૂહાત્મક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ પ્રવાસ શ્રેણી અંતર્ગત તેઓ ૫મી જૂને ત્રિપુરા અને ૧૫મી જૂનની આસપાસ પશ્ચિમ બંગાળ સરહદની પણ મુલાકાત લેશે, તેવી માહીતી સૂત્રો દ્વારા મળી હતી. 

અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ છેલ્લા છ મહિનામાં બીજી વખત કચ્છ સરહદની મુલાકાતે આવી રહ્યા છે. આ પૂર્વે નવેમ્બર ૨૦૨૫માં સીમા સુરક્ષા દળના રાષ્ટ્રીય કક્ષાના ‘રાઇઝિંગ-ડે પરેડ’ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે તેઓ ભુજ આવ્યા હતા. 
---------------------------------------------------------------------------------------