આણંદઃ ગુજરાતમાં ઉમરેઠ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના નિધનથી ખાલી પડેલી બેઠક પર 23 એપ્રિલે પેટા ચૂંટણી યોજાશે. ભાજપે ગોવિંદભાઈ પરમારના પુત્ર હર્ષદ પરમારને તથા કોંગ્રેસે ભૃગુરાજસિંહ ચૌહાણનું નામ જાહેર કર્યું છે. જોકે આમ આદમી પાર્ટીએ આ બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા નથી. જેને લઈ ચોંકાવનારું કારણ સામે આવ્યું છે.
ગુજરાતમાં ભાજપ સામે મુખ્ય વિપક્ષનો દાવો કરનારી આમ આદમી પાર્ટીએ ઉમરેઠ પેટા ચૂંટણીમાં ઉમેદવાર નહીં ઉભો રાખવાનો નિર્ણય કર્યો હતો. આ અંગે આપના અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ કહ્યું, અમે ચૂંટણી માત્ર લડવા ખાતર નથી લડતા. આમ આદમી પાર્ટી 2027ની વિધાનસભા ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે.
ગઢવીએ આગળ કહ્યું, અમે ઉમરેઠ પેટા ચૂંટણીના બદલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ભાજપ અને કોંગ્રેસના આરોપોને પડકારતાં તેણે કહ્યું, આમ આદમી પાર્ટી કોઈની બી ટીમ નથી. કોંગ્રેસમાં દમ હોય તો ભાજપ સામે જીતીને બતાવે. ઉમરેઠ પેટા ચૂંટણીમાં તેમની પાસે મોકો છે. પેટા ચૂંટણીમાં ભાજપે દિવંગત ધારાસભ્યના પુત્રને જ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
સૂત્રોના કહેવા પ્રમાણે, આ પેટા ચૂંટણીના પરિણામથી કોઈ ફરક પડવાનો નથી. ધારાસભ્યના નિધનથી ખાલી પડેલી બેઠક પર તેના જ પુત્રને ટિકિટ આપવામાં આવી છે. આમ આદમી પાર્ટી મધ્ય ગુજરાતમાં આ વિસ્તારમાં વધારે મજબૂત નથી અને તપોતાનું સ્થાન પણ બનાવી શકી નથી. પેટા ચૂંટણીના બદલે તેઓ તેમના મર્યાદીત સંસાધનનો ઉપયોગ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કરીને તેમના તરફનો માહોલ બનાવવા માંગે છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેવારને 4000થી પણ ઓછા મત મળ્યા હતા. જે કુલ મતદાનના માત્ર 2.12 ટકા હતા. આ સ્થિતિમાં ત્યાં પેટા ચૂંટણીમાં જો આમ આદમી પાર્ટી ઉમેદવાર ઉભો રાખે તો તેની સ્થિતિ વધારે ખરાબ થઈ શકત. આ કારણે ત્યાં ઉમેદવાર ઉભો રાખવામાં આવ્યો નથી.
ઉમરેઠ વિધાનસભાની છેલ્લી ત્રણ ચૂંટણીઓના પરિણામો
ઉમરેઠ વિધાનસભાની છેલ્લી ત્રણ ચૂંટણીઓના પરિણામો પર નજર કરીએ તો વર્ષ 2022માં ભાજપના ગોવિંદ પરમારે કોંગ્રેસ-NCP ગઠબંધનના ઉમેદવાર જયંત પટેલ (બોસ્કી) ને 26,717 મતોથી હાર આપી હતી. વર્ષ 2017માં ભાજપના ગોવિંદ પરમારે કોંગ્રેસના કપિલા ચાવડાને 1,883 મતથી પરાજય આપ્યો હતો. જ્યારે NCP તરફથી લડેલા જયંત પટેલ (બોસ્કી) ને 35,501 મત મળ્યા હતા.
વર્ષ 2012માં કોંગ્રેસ સાથેના ગઠબંધનથી NCPના જયંત પટેલ (બોસ્કી) એ ભાજપના ગોવિંદ પરમારને 1,394 મતોથી હરાવ્યા હતા.
ક્યારે જાહેર થશે પરિણામ
ઉલ્લેખનીય છે કે ઉમરેઠ પેટા ચૂંટણીમાં 9 એપ્રિલે સુધીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે. 23 એપ્રિલે મતદાન યોજાશે અને 4થી મેના રોજ પરિણામની જાહેરાત કરવામાં આવશે.
2.42 લાખથી વધુ મતદારો લેશે ભાગ
ઉમરેઠ પેટા ચૂંટણીમાં 2.42 લાખથી વધુ મતદારો ચૂંટણીમાં ભાગ લેશે. ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા પુરવઠા અધિકારી જે.એસ,પટેલની નિમણૂક કરાઈ છે અને મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે ઉમરેઠના મામલતદાર એન.પી.પારેખ અને આણંદ ગ્રામ્ય મામલતદાર વી.કે.ગોહિલની મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત 19 નોડલ અધિકારીઓ પણ નિમાયા છે.
ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં ઉમરેઠ અને આણંદ મળીને કુલ બે તાલુકાની કુલ 49 ગ્રામ પંચાયત અને ત્રણ નગરપાલિકાનો સમાવેશ થાય છે.