અનેક વખત તમે રસ્તા પર ચાલતી વખતે અલગ અલગ પ્રકારની નંબર પ્લેટ્સ જોવા મળતી હોય છે. ક્યારેય વિચાર્યું છે ખરું કે ભારતના રસ્તાઓ પર દોડતા વાહનો પર આપણે સફેદ અને પીળા સિવાય પણ અનેક રંગોની નંબર પ્લેટ જોઈએ છીએ. ટ્રાફિકના નિયમો મુજબ, દરેક રંગની નંબર પ્લેટનો એક ખાસ અર્થ અને મહત્વ હોય છે. ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, નંબર પ્લેટના રંગો અને તેના પાછળના કારણોની વિગતવાર માહિતી અહીં રજૂ કરવામાં આવી છે:
વ્હાઈટ કલરની નંબર પ્લેટ

વ્હાઈટ નંબર પ્લેટ એ ખૂબ જ કોમન અને સરળતાથી જોવા મળતી નંબર પ્લેટ છે. આ સૌથી સામાન્ય નંબર પ્લેટ છે જે આપણે રોજબરોજ જોઈએ છીએ. સફેદ બેકગ્રાઉન્ડ પર કાળા અક્ષરોવાળી આ પ્લેટ પ્રાઈવેટ વેહિકલ્સ માટે હોય છે. આ વાહનોનો ઉપયોગ તમે વ્યવસાયિક હેતુ માટે કરી શકતા નથી.
યેલો કલરની નંબર પ્લેટ

પીળા બેકગ્રાઉન્ડ પર કાળા અક્ષરોવાળી પ્લેટ કોમર્શિયલ વાહનો પર લગાવવામાં આવે છે. સામાન્યપણે આ નંબર પ્લેટ ટેક્સી, ઓટો રિક્ષા, બસ અને ટ્રક જેવા વાહનો પર જોવા મળે છે. આવા વાહન ચલાવવા માટે ડ્રાઈવર પાસે કોમર્શિયલ ડ્રાઈવિંગ લાયસન્સ હોવું અનિવાર્ય છે.
ગ્રીન કલરની નંબર પ્લેટ

સતત વધતું જતું પ્રદૂષણ એ દેશ માટે એક ગંભીર સમસ્યા બની ગઈ છે. પ્રદૂષણ ઘટાડવા માટે લોકો હવે વધુને વધુ ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરી રહ્યા છે. આ તમામ ઈલેક્ટ્રિક વાહનો પર લીલા રંગની નંબર પ્લેટ હોય છે. જો ખાનગી ઈલેક્ટ્રિક કાર હોય તો સફેદ અક્ષરો અને જો કોમર્શિયલ ઈલેક્ટ્રિક વાહન હોય તો પીળા અક્ષરોનો ઉપયોગ થાય છે.
બ્લેક કલરની નંબર પ્લેટ

જો કોઈ વાહન પર બ્લેક કલરની નંબર પ્લેટ જોવા મળે તો એનો અર્થ શું થાય એ વિશે પણ વાત કરી લઈએ. બ્લેક કલરની નંબર પ્લેટ પર યેલો કલરથી નંબર લખાયેલી નંબર પ્લેટ એવા વાહનો પર લગાવવામાં આવે છે કે જે રેન્ટ-એ-કાર (Rental Cars) તરીકે ઉપયોગમાં લેવાય છે. ઘણી લક્ઝરી હોટલોમાં ગેસ્ટને લાવવા-લઈ જવા માટે વપરાતી ગાડીઓ પર આવી પ્લેટ જોવા મળે છે. આ વાહન ચલાવવા માટે સ્પેશિયલ કોમર્શિયલ લાયસન્સની જરૂર પડતી નથી.
બ્લ્યુ કલરની નંબર પ્લેટ

જી હા, ઘણી વખત તમારા ધ્યાનમાં આવ્યું હશે કે અમુક વેહિકલ પર બ્લ્યુ કલરની નંબર પ્લેટ જોઈ હશે. તમારી જાણકારી માટે કે આ બ્લ્યુ રંગની નંબર પ્લેટ પર વ્હાઈટ કલરથી નંબર્સ લખવામાં આવ્યા હોય તો સંબંધિત વેહિકલ કોઈ ફોરેન ડિપ્લોમેટ્સ કે પછી યુનાઈટેડ નેશન્સના કોઈ અધિકારીનું છે. આ નંબર પ્લેટ પર સ્ટેટના કોડને બદલે જે તે દેશનો ડિપ્લોમેટિક કોડ લખવામાં આવે છે.
રેડ કલરની નંબર પ્લેટ
તમે અનેક વખત ફોર વ્હીલર પર રેડ કલરની નંબર પ્લેટ જોઈ હશે. આ નંબર પ્લેટ પર ભારતનું રાજચિહ્ન ગણાતા અશોક સ્તંભ પણ જોવા મળે છે. તમારી જાણકારી માટે આ ખાસ નંબર પ્લેટનો ઉપયોગ ફક્ત ભારતના રાષ્ટ્રપતિ અથવા વિવિધ રાજ્યોના રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે.
ઉપરની તરફ તીરવાળી નંબર પ્લેટ
સૈન્ય અથવા લશ્કરી વાહનો પર એક અલગ પ્રકારની નંબર પ્લેટ હોય છે. આ ખાસ નંબર પ્લેટ પર નંબરની શરૂઆતમાં ઉપરની તરફ નિર્દેશ કરતું એક તીર જોવા મળે છે. વાત કરીએ આ ખાસ ઉપરની તરફ તીરવાળી નંબર પ્લેટની તો આ વાહનોનું રજિસ્ટ્રેશન ડિફેન્સ મિનિસ્ટ્રી દ્વારા કરવામાં આવે છે.