Mon Oct 05 2026

Logo

તુષાર ઘેલાણી આપઘાત પ્રકરણમાં પૂનમે કરેલા ઉચાપતના પુરાવા મળ્યા

2026-02-26 11:02:00
Author: Mayur Patel
તુષાર ઘેલાણી આપઘાત પ્રકરણમાં પૂનમે કરેલા ઉચાપતના પુરાવા મળ્યા

 

સુરતઃ બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં પોલીસ તપાસ દરમિયાન મહિલા મિત્ર પૂનમ ભદોરિયાએ સ્કૂલમાં તેને મળેલી સત્તાનો દૂરુપયોગ કરી ઉચાપત કર્યાના પુરાવા મળ્યા હતા. કોઈપણ જાતના એપોઈન્ટમેન્ટ લેટર વગર તેની બહેન અને પિતાના ખાતામાં પગાર તરીકે મોટી રકમ જમા કરાવવામાં આવી હતી. પોલીસ વારંવાર પૂનમની બહેનને નિવેદન નોંધાવવા બોલાવતી હોવા છતાં આવતી નથી.

પૂનમે 2018થી 2025 દરમિયાન સ્કૂલમાંથી 1,88,35,680 રૂપિયા મેળવ્યા હતા. તેને બહેનને પગાર પેટે 14.95 લાખ તથા પિતાને પણ પગાર પેટે 10.40 લાખ ચૂકવ્યા હોવાની વિગતો સામે આવી છે.  આ ઉપરાંત ડુમસના એક ખેડૂત પાસેથી તુષાર ઘેલાણીએ 11 લાખ લેણાં હતા. તુષારના કહેવાથી આ રકમનો ચેક ખેડૂતે પૂનમના પિતાને આપ્યો હતો. આ અંગે પૂછપરછ કરવામાં આવતાં કોઈ ખુલાસો કર્યો નહોતો.

પૂનમ ભદોરિયાએ તુષાર ઘેલાણીની દીકરી સામે શું કર્યા હતા આક્ષેપ

બિલ્ડર તુષાર ઘેલાણી સાથે અનૈતિક સંબંધ ધરાવતી પૂનમે બિલ્ડર પુત્રી સામે આક્ષેપ કર્યા હતા. પૂનમના આક્ષેપ મુજબ, ઘેલાણીનો પરિવાર તેનો એટીએમ મશીન તરીકે ઉપયોગ કરતો હતો. તેની દીકરી વિદેશ અભ્યાસ કરીને આવ્યા બાદ પિતા સાથે અત્યંત ખરાબ વર્તન કરતી હતી.

ઘેલાણીની દીકરી પિતાને સન્માન આપવાના બદલે સામા જવાબ આપતી હતી. તે પિતાને મિસ્ટર તુષાર ઘેલાણી કહીને સંબોધતી હતી. એક મેસેજમાં તેની દીકરીએ લખ્યું હતું કે, ચિંતા ન કરશો, મારે મારી જાત વેચીને પણ તમારા રૂપિયા ચૂકવી દેવા પડે તો કરી દઈશે. તમે હવે મજા લો અને ખુશ થાવ. આ ઉપરાંત તેની દીકરી તેના પિતાની દરેક હિલચાલ પર નજર રાખતી હતી. આ અંગેના મેસેજના તેણે સ્ક્રીનશોટ પણ દર્શાવ્યા હતા.

ત્રણ દિવસ પહેલા સુરતના અબજોપતિ બિલ્ડરના આપઘાતના કેસમાં મહિલા મિત્ર પૂનમ ભદોરિયાની ધરપકડ કરવામાં આવી હતી.  પૂનમ ભાદોરિયા સામે આત્મહત્યા માટે મજબૂર કરવાનો ગુનો નોંધાયો હતો.

ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં શહેરના ટોચના બિલ્ડર તુષાર ઘેલાણીએ પોતાની જ લાયસન્સવાળી રિવોલ્વર વડે ગોળી મારીને  આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ હતી. તેમને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા બાદ પરિવારજનો દ્વારા અંગદાનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અંગદાનની પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં જ તેમને કાર્ડિયાક એરેસ્ટ આવતાં મોત થયું હતું. જોગાનુજોગ તે દિવસ તેમની દીકરીના લગ્નનો દિવસ હતો. દીકરીના લગ્નનો દિવસ જ મૃત્યુ તિથિ બની જતાં પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા.