Fri Jun 19 2026

Logo

ગર્લફ્રેન્ડને હિલ સ્ટેશન ફેરવવા ટ્રેઈનરે કરી 52 લાખની ચોરી, ગાંધીધામથી કઈ રીતે ઝડપાયો?

2026-06-03 10:19:00
Author: mumbai samachar team
Article Image

ભુજઃ ગુજરાત સરહદ નજીક રાજસ્થાનના આબુ રોડ પર આવેલા એક રહેણાક મકાનમાંથી રૂા. ૫૦ લાખના સોના-ચાંદીના દાગીના અને ૨ લાખની રોકડ મળી કુલ ૫૨ લાખ રૂપિયાની ચોરી કરી ગાંધીધામ નાસી આવેલો જિમ ટ્રેઈનર રાજસ્થાન પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. આરોપીએ ચોરી કરવા માટે ફૂલપ્રૂફ પ્લાન બનાવ્યો હતો, પરંતુ ગાંધીધામમાં એટીએમ મશીનમાંથી પૈસા ઉપાડતાં જ પોલીસ તેના લોકેશન સુધી પહોંચી ગઈ હતી અને સ્થાનિક પોલીસની મદદથી તેને દબોચી લીધો હતો.

પ્રાપ્ત વિગત મુજબ, સિરોહી જિલ્લાના આબુ રોડ પર આવેલી રીકો કોલોનીમાં રહેતા જીતેન્દ્રસિંહ ગત ૧૦ એપ્રિલના રોજ પરિવાર સાથે ભરૂચ ગયા હતા. આ દરમિયાન ૧૧ એપ્રિલની રાત્રે ઘરમાં ઘૂસેલા ચોરે મુખ્ય દરવાજાનું તાળું ચાવીથી ખોલીને તિજોરીમાંથી બાવન લાખની મતા ચોરી લીધી હતી. ગત ૧૨ એપ્રિલે પરિવાર પરત ફરતાં ચોરીનો મામલો બહાર આવ્યો હતો.

પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોના આધારે તપાસ કરતાં એક મોટરસાઇકલ સવાર સંદિગ્ધ જણાયો હતો. જીતેન્દ્રસિંહની પૂછપરછમાં સામે આવ્યું કે, અંબાજી ચેકપોસ્ટ પાસે અગાઉ જિમ ચલાવતો અને હાલ પર્સનલ જિમ ટ્રેઈનર તરીકે કામ કરતો માસૂક ખાન પઠાન (ઉ.વ. ૩૦) તેમના ઘરે અવારનવાર આવતો હતો.

ઘટના બાદ માસૂક ખાન લાપત્તા થઈ જતાં પોલીસની શંકા દ્રઢ બની હતી. મે માસના અંતિમ સપ્તાહમાં માસૂકે ગાંધીધામના એક એટીએમમાંથી નાણાં ઉપાડતાં જ તેનું લોકેશન ટ્રેસ થઈ ગયું હતું. વાસી ઈદના દિવસે રાજસ્થાન પોલીસે ગાંધીધામમાં દરોડો પાડી તેને ઝડપી લીધો હતો. પોલીસ પૂછપરછમાં માસૂકે ગુનો કબૂલતા જણાવ્યું હતું કે, તેણે અગાઉથી જ ઘરની ચાવીનો ઝૂડો ચોરી લીધો હતો અને સીસીટીવી કેમેરાની નજર બચાવીને ચોરી આચરી હતી. 

પરિણીત અને એક બાળકના પિતા એવા માસૂક ખાને કબૂલાત કરી હતી કે, તે ચોરીના પૈસાથી પોતાની ગર્લફ્રેન્ડને લઈને ઊટી અને નૈનિતાલ જેવા હિલ સ્ટેશન પર ફરવા જવાનો હતો. પોલીસે આરોપી પાસેથી ચોરીના તમામ દાગીના રિકવર કરી લીધા હતી, જ્યારે રોકડા બે લાખમાંથી દોઢ લાખ રૂપિયા તે મોજશોખમાં ઉડાવી ચૂક્યો હોવાનું બહાર આવ્યું છે. 

(ઉત્સવ વૈદ્ય)