નવી દિલ્હીઃ ગત સપ્તાહ દરમિયાન ટોચની 10 કંપનીઓ પૈકી નવ કંપનીઓનાં માર્કેટ કેપિટલાઈઝેશન અથવા તો માર્કેટકેપમાં રૂ. 3.12 લાખ કરોડનું ધોવાણ થયું હતું, જેમાં સૌથી વધુ ધોવાણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં થયું છે. નોંધનીય બાબત એ છે કે ગત સપ્તાહે બૉમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 2090.2 પૉઈન્ટનો અથવા તો 2.7 ટકાનો અને નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીમાં 532.65 પૉઈન્ટ અથવા તો 2.2 ટકાનો ઘટાડો આવ્યો હતો.
પશ્ચિમ એશિયાના ભૂરાજકીય તણાવ, રૂપિયામાં નરમાઈ અને ફુગાવાલક્ષી ચિંતાને કારણે ત્રણ સપ્તાહના કોન્સોલિડેશન પછી બજાર નરમાઈના અન્ડરટોને બંધ રહી હોવાનું રેલિગેર બ્રોકિંગનાં રિસર્ચ વિભાગના વાઈસ પ્રેસિડૅન્ટે જણાવતા ઉમેર્યું હતું કે વૈશ્વિક સ્તરે ક્રૂડતેલના ભાવ બેરલદીઠ 105 ડૉલરની સપાટી પાર કરી જતાં દરિયાપારનાં પરિબળોને કારણે ફુગાવો વધવાની સાથે રાજકોષીય દબાણ વધવાની અને કોર્પોરેટ માર્જિન પર માઠી અસર પડવાની ભીતિ સપાટી પર આવી છે.
દરમિયાન સમીક્ષા હેઠળના સપ્તાહમાં ટોચની 10 કંપનીઓ પૈકી એક માત્ર ભારતી એરટેલનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. 42,470.13 કરોડ વધીને 11,60,525.16 કરોડની સપાટીએ રહ્યું હતું. આ સિવાયની તમામ નવ કંપનીઓનાં માર્કેટકેપમાં ઘટાડો થયો હતો. જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં સૌથી વધુ રૂ. 1,34,445.77 કરોડનાં ઘટાડો થયો હતો અને માર્કેટકેપ રૂ. 18,08,420.81 કરોડની સપાટીએ રહ્યું હતું.
વધુમાં અન્ય કંપનીઓમાં સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયાનું માર્કેટકેપ રૂ. 52,245.3 કરોડ ઘટીને રૂ. 8,88,862.32 કરોડનાં સ્તરે, ટાટા ક્નસલ્ટન્સી સર્વિસીસનું માર્કેટકેપ રૂ. 47,415.04 કરોડ ઘટીને રૂ. 8,19,062.65 કરોડ, બજાજ ફાઈનાન્સનું માર્કેટકેપ રૂ. 27,892.28 કરોડ ઘટીને રૂ. 5,66,717.74 કરોડ, એચડીએફસી બૅન્કનું માર્કેટકેપ રૂ. 20,630.01 કરોડ ઘટીને રૂ. 11,82,069.25 કરોડ, આઈસીઆઈસીઆઈ બૅન્કનું માર્કેટકેપ રૂ. 14,290 કરોડ ઘટીને રૂ. 8,92,385.39 કરોડ, લાર્સન ઍન્ડ ટૂબ્રોનું માર્કેટકેપ રૂ. 9078.87 કરોડ ઘટીને રૂ. 5,37,542.34 કરોડ, હિન્દુસ્તાન યુનીલિવરનું માર્કેટકેપ રૂ. 3970.8 કરોડ ઘટીને રૂ. 5,33,592.18 કરોડ અને લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયાનું માર્કેટકેપ રૂ. 2182.12 કરોડની સપાટીએ રહ્યું હતું.
નોંધનીય બાબત એ છે માર્કેટ વૅલ્યુએશનની દૃષ્ટિએ ગત સપ્તાહે ટોચના ક્રમાંકે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રહી હતી. ત્યાર બાદ અનુક્રમે એચડીએફસી બૅન્ક, ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ બૅન્ક, સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયા, ટીસીએસ, બજાજ ફાઈનાન્સ, લાર્સન ઍન્ટ ટૂબ્રો, હિન્દુસ્તાન યુનીલિવર અને એલઆઈસીનો સમાવેશ થતો હતો.